અમેરિકામાં વસેલા મૂળ ગુજરાતના પરિવારનો વતન પ્રેમ, એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે આપ્યું પાંચ કરોડ રૂપિયાનું દાન
ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ શિક્ષણ થકી સમાજ ઉત્થાનનું સેવાકાર્ય કરે છે જેમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તાબેનએ ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ દાન દ્વારા ‘કાન્તાબેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચ’ ની સ્થાપના થઈ છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેકનોલોજી અને સંપૂર્ણ સુવિધાસભર ક્લાસરૂમ તેમજ ઈમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે. સ્થાપિત એગ્રિકલ્ચર કોલેજ આખા ગુજરાતની બીજી કોઈ ખાનગી એગ્રિકલ્ચર કોલેજ કરતા અલગ અને શ્રેષ્ઠતમ હશે જેનો લાભ ગુજરાત રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે.
1 જુલાઈ 1936ના રોજ પલાસર ગામમાં જન્મેલા કાશીરામભાઈનું મેટ્રિક સુધીનું શિક્ષણ ઉત્તર ગુજરાતના જ ગામમાં થયું હતું. પોતાના વર્ગમાં સૌથી હોંશિયાર વિદ્યાર્થી કાશીરામભાઈએ એ વખતની (જૂની) મેટ્રિકની પરીક્ષા ડિસ્ટિંક્શન સાથે પાસ કરી હતી.
ઉચ્ચ શિક્ષણ દરમ્યાન એમણે ‘નેશનલ મેરીટ’ અને ‘ડાયમંડ જ્યુબિલી સ્કોલરશીપ’ પણ મેળવી હતી. સ્નાતક થયા બાદ કાશીરામભાઈએ લણવાની ત્રિભોવન વિદ્યાલયમાં પ્રારંભનાં – પાયાના એક શિક્ષક તરીકે કામ કરવાનું પસંદ કર્યું. 1977માં તેઓ અમેરિકા ગયા ત્યાં સુધી એમણે ત્યાં જ શિક્ષક તરીકે ફરજ બજાવી. પાંચ સભ્યોના પરિવારમાં તેમના પત્ની કાંતાબેન પટેલ, દીકરી કુમુદબેન તથા બે દીકરા શીરિષભાઈ અને પરેશભાઈ છે. તેમણે અમેરિકામાં પ્રથમ લેબ ટેક્નિશિયન તરીકે જોબ કરી, એ પછી કેમિસ્ટ તરીકે બઢતી મળી, આ રીતે જ તેમણે નવ વર્ષ સુધી નોકરી કરી. આ પછી આલ્ફા પ્લેટિંગ નામની કંપનીમાં 1992માં ભાગીદાર તરીકે જોડાયા અને બીજી બે કંપની ઊભી કરી.
તેમણે પલાસર, લણવા અને ધીણોજ ગામની શાળાઓના વિવિધ વિકાસના કામો માટે અને લણવામાં જ એક ITI ઈન્સ્ટિટયૂટની સ્થાપના માટે અત્યાર સુધીમાં કુલ એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. કાંતાબેન અને કાશીરામભાઈ પટેલે ભારતમાં કાંતાબેન કાશીરામ જનસેવા ટ્રસ્ટની સ્થાપના કરી. કાંતાબેન અને કાશીરામભાઈના સેવાકાર્યોમાં તેમના સંતાનો પણ સંપૂર્ણ સહયોગ આપે છે.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ કોઈ પણ પ્રકારના ભૌતિક, આર્થિક કે રાજકીય લાભ મેળવવાના ઉદ્દેશ વિના આ સંસ્થા થકી જે સેવાકાર્ય કરી રહ્યા છે, એને જોઈને તેઓ પણ આ સંસ્થામાં દાન આપવા પ્રેરાયા. આ દાનનો સ્વીકાર કરીને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ અને અન્ય સભ્યોએ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
કાન્તાબેન એન્ડ કાશીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં ભણતા વિદ્યાર્થીઓને કૃષિક્ષેત્રે વૈશ્વિક ધોરણે ઉપયોગમાં લેવાતા અવનવા સાધનો, પધ્ધતિઓ, પ્રયોગોનું શિક્ષણ મળશે. વધુમાં યુનિવર્સિટીના 300 એકર વિશાળ કેમ્પસમાં પહેલથી જ ભારત સરકાર માન્ય Krushi Vignyan Kendraની સ્થાપના કરવામાં આવી છે. અહીં એગ્રીકલ્ચરને લગતા રિસર્ચ અને એક્સટેન્શન પ્રવુતિઓ થકી આજુબાજુના ખેડૂતોને ખેતીની વિવિધ ટેક્નોલોજીથી અવગત કરવામાં આવે છે.
હાલમાં જ કેમ્પસમાં ચાર હજાર સ્ક્વેર મીટરના વિસ્તારમાં માઇક્રોફોરેસ્ટ બનાવી આશરે બાર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. કેમ્પસની ખેતી લાયક જમીનમાં વિવિધ ફળો, શાકભાજી, અનાજ, ફૂલ વગેરેની ખેતી વર્ષોથી થતી આવે છે તેમજ કેમ્પસમાં નર્સરી અને ગ્રીન હાઉસ પણ બનાવેલું છે સાથે જીવામૃત, અળસિયાનું ખાતર, કુદરતી ખાતર વગેરે બનાવવામાં આવે છે, આના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને ફાર્મિંગ ક્ષેત્રે પ્રૅક્ટિકલ નોલેજ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..