પટેલ એન્જિનિયર યુવકે અપનાવી આધુનિક ખેતી, કરી મબલખ કમાણી…
રાજ્યમાં છેલ્લાં એક દાયકાથી કૃષિ ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવોમાંથી માહિતી મેળવીને ગુજરાતના હાઈ એજ્યુકેટેડ લોકોએ નોકરી છોડીને ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો છે. આજે આપણે ગુજરાતના એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ પોતે સિવિલ એન્જિનિયર હોવા છતાં આધુનિક ખેતી તરફ વળ્યા છે.
8 લાખ રૂપિયાની કરે છે આવક
દ્રઢ આત્મ વિશ્વાસ, નવુ કરવાની ધગશ, સતત પરિવર્તનોને ઝીલતા રહીને આણંદના ખંભોળજના નિરલ પટેલે કલર કેપ્સીકમ મરચાની દમદાર ખેતી કરીને નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આધુનિક ખેતી તરફ આકર્ષાયેલા નિરલ પટેલ ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ એન્ડ ડિપ્લોમા ઈન ઈન્ટિરિયર ડિઝાઈનિંગની ડિગ્રી ધરાવે છે. તેઓ એક એકર જમીનમાં ગ્રીન હાઉસ બનાવીને કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી રહ્યા છે. જેમાંથી તેમને સીઝન દરમિયાન 7 થી 8 લાખ રૂપિયાની આવક થઈ રહી છે.
બેસ્ટ પ્રેકટિસ ઈન ગ્રીન હાઉસના એવોર્ડથી સન્માન
ગ્રીન હાઉસ બનાવીને કલર કેપ્સીકમનું મલ્ચીંગ કરીને તેનું મબલખ ઉત્પાદન લઈ રહેલા. નિરલે તેમના ફાર્મ પર એક કંટ્રોલ સિસ્ટમ ડેવલપ કરી છે. પોલીફાર્મનું તાપમાન 36 થી વધે એટલે ફોગર આપોઆપ શરૂ થઈ જાય છે. તેમના પોલી હાઉસમાં 65 ટકા ભેજની જાળવણી પણ કંટ્રોલ સીસ્ટમના પ્રોગ્રામથી આપોઆપ થાય છે. ન્યુટ્રીશનની આવશ્યકતા મુજબ પાણી અને ખાતર આપવાથી ઉત્પાદન વધુ મળે છે અને ખેતી ખર્ચમાં કરકસર થાય છે. ગ્રીન હાઉસ બનાવી આ રીતની ખેતી કરવા બદલ તેમને ‘બેસ્ટ પ્રેકટિસ ઈન ગ્રીન હાઉસ’નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
ઈઝરાઈલથી આવેલ ખેડૂત થયો નિરલની ખેતીથી પ્રભાવિત
તમાકુની પરંપરાગત ખેતી કરતાં નિરલ પટેલે કેળાની ખેતી કરવાનું પસંદ કરી તેમણે પોતાના ફાર્મ પર ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ અપનાવીને ટીસ્યુકલ્ચર કેળા કર્યા. જે બાદ કેપ્સીકમ મરચાની પણ પ્રયોગશીલ ખેતી કરી. થોડા વર્ષો પહેલાં ઈઝરાઈલથી ખાસ અભ્યાસ મુલાકાતે આવેલ ખેડૂતે નિરલના વિઝન અને વૈજ્ઞાનિક અભિગમ સભર ખેતીથી પ્રભાવીત થતાં જણાવ્યું કે તમારા ફાર્મની મુલાકાતથી મને ખૂબ જાણવા મળ્યું છે.
ગ્રીન અને કલર કેપ્સીકમ મલ્ચીંગ કરીને તેનું મબલખ ઉત્પાદન લેનાર નિરલ પટેલ કૃષિ પેદાશોના માર્કેટીંગ માટે અમૂલ પેટર્નનું સહકારી માળખું આવશ્યક હોવાનું જણાવ્યું હતું. અખાતી દેશોમાં કેપ્સીકમની નિકાસ કરવાથી ખૂબ લાભ મળે છે. નાના ખેડૂતો એક સાથે મળી કેપ્સીકમ વાવે તો કિસાનોને ખૂબ લાભ થાય તેમ છે.
500 મણ ટમેટાનું મેળવ્યું ઉત્પાદન
નિરલ પટેલે ફક્ત 2000 ટમેટાના છોડ પરથી 500 મણ ટમેટા પકવીને કૃષિકારો માટે પ્રેરણારૂપ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના 10 ફૂટ ઊંચા ટમેટાના છોડ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.
જાંબુમાંથી મેળવે છે વર્ષે રૂપિયા 50,000ની વધારાની આવક
નિરલ પટેલે તેના ખેતરના શેઢા પાળે 50 જેટલા જાંબુના વૃક્ષો ઉછેરીને દર વર્ષે પારસ જાંબુમાંથી રૂપિયા.50,000ની વધારાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે અનુકરણીય કામગીરી કરી છે.