વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવી, કોર્ટની ગાઇડલાઇન

અમદાવાદ: વાલી મંડળોએ સરકારને પત્ર લખીને જવાબ માંગ્યો હતો કે, ઘણી સ્કૂલો એફઆરસીમાં તેમણે સૂચવેલી ફી માંગી રહી છે, જ્યારે એફઆરસીએ આ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. વાલીઓએ નવા સત્રમાં કઇ ફી ભરવી? સરકારે કોઇ ખુલાસો ન કરતાં વાલી મંડળોએ વાલીઓને જણાવ્યું છે કે, વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવી.

કારણ કે એફઆરસીની રચના જ ફી નક્કી કરવા માટે થઇ છે. ઓર્ડરમાં પણ સ્કૂલને સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે, કોઇપણ સ્કૂલની પ્રોવિઝનલ ફી નક્કી થયા બાદ તે સ્કૂલ નિયત મર્યાદાથી વધુ ફી ઉઘરાવી શકે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને વાલીઓએ પ્રોવિઝનલ કે સ્કૂલની ફાઇનલ ફી જ ભરવી.

વાલીઓ સ્કૂલોની મોં માગી નહીં, FRCએ નક્કી કરેલી ફી જ ભરશે.. કઈ ફી અંતિમ ગણવી તેનો સરકારે કોઈ ખુલાસો ન કરતાં વાલીમંડળનો નિર્ણય.


ઉદગમે ફી નહીં ભરતાં 200 વાલીનું લિસ્ટ ડીઇઓને સોંપ્યું:

ઉદગમ સ્કૂલે ફી નહીં ભરનાર 200 વાલીઓનું લિસ્ટ ડીઇઓ કચેરીમાં જમા કરાવ્યું છે. સ્કૂલની રજૂઆત છે કે, સ્કૂલમાં અત્યારે એફઆરસીએ નક્કી કરેલી પ્રોવિઝનલ ફી જ ઉઘરાવાઈ રહી છે, છતાં પણ 200 વાલીઓએ ફી ભરી નથી. ડીઇઓ અથવા સરકાર સ્કૂલને માહિતી આપે કે ફી નહીં ભરનારા વાલીઓ સામે અમારે શું કાર્યવાહી કરવી? કારણ કે સ્કૂલ ચલાવવા માટે ફી ઉઘરાવવી જરૂરી છે.

વાલીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થઇ શકે છે:

તમામ સ્કૂલો સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે જ ફી ઉઘરાવી રહી છે. જો વાલી મંડળો તેના વિરુદ્ધ વાત કરી રહ્યાં છે તો આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. સરકારે પણ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે જ કામ કરી રહી છે. – મનન ચોક્સી, પ્રેસીડેન્ટ, એઓપીએસ

સ્કૂલ પ્રોવિઝનલ કરતા વધુ ફી લઇ શકે નહીં:

સુપ્રીમે જણાવ્યું કે સ્કૂલોએ પ્રોવિઝનલ ફી ઉઘરાવવી, તેનાથી વધારે ન લેવી. વિદ્યાર્થીની ફી ન જમા થઇ હોય છતાં સ્કૂલ એલસી આપી ન શકે. જે કાયદા વિરુદ્ધ છે. સ્કૂલોને ફી પણ લેવી છે અને કાયદાનું પાલન નથી કરવું તે કઇ રીતે થઇ શકે. – નરેશ શાહ, સુપ્રીમ કોર્ટમાં કેસના પીટીશનર

FRCની રચના જ ફી નક્કી કરવા થઈ છે: એફઆરસીની રચના સ્કૂલોની ફી નક્કી કરવા થઇ છે.સુપ્રીમમાં ફાઇનલ સુનાવણી ન થાય ત્યાં સુધી એફઆરસીએ નક્કી કરેલી પ્રોવિઝનલ ફી સ્કૂલ માટે ફરજિયાત છે. જો સ્કૂલો એફઆરસીની ફી માન્ય જ ન રાખે તો એફઆરસીનું મહત્ત્વ જ ન રહે. – પ્રકાશ કાપડીયા, વાલી મંડળ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો