ગુજરાતમાં બનશે વધુ એક ખોડલધામ, નરેશ પટેલે કરી જાહેરાત. જાણો ક્યાં બનશે
આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી નરેશે પટેલે સુરતમાં બીજું એક ખોડલધામ બનશે તેવી જાહેરાત કરતા પાટીદારોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં નરેશ પટેલ હીરાની નગરીમાં એક ખોડલધામ બનવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે રાજકારણમાં યુવકોના પ્રવેશને લઇને પણ કાગવડ ધામના નરેશ પટેલે નિવેદન આપ્યું હતું.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, યુવાઓ રાજકારણમાં જોડાય તે ખોટું નથી. તો નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાતને પગલે સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, કાગવડ ખોડલધામ લેઉઆ પટેલ સમાજ માટે વિશેષ આસ્થાનું તીર્થસ્થાન ગણાય છે. હાલ ગુજરાતના રાજકોટ નજીક આ તીર્થસ્થાન આવેલ છે.
ગાથાઓનું સાક્ષી ખોડલધામ
શું છે ખાસિયતો
કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પ શાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનુ નિર્માણ કર્યુ છે. મંદિરમાં પિલર, છત, તોરણ, ધુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મુકવામાં આવી છે જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફુટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે.
આ મંદિરને 2 વર્ષ પૂર્ણ….
21 જાન્યુઆરી 2017ના રોજ રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે લેઉવા પાટીદારોના કુળદેવી ખોડલ માતાના ભવ્યતિ ભવ્ય મંદિરે આકાર લીધો. આ મંદિરને 2 વર્ષ પૂર્ણ થયા છે. 21 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસ સુધી યોજાયો હતો. આ પાંચ દિવસ દરમિયાન રાજકીય નેતાઓથી લઈ ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં લોકોએ માતા ખોડલના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તો અંતિમ દિવસે અંદાજે 20 લાખ જેટલા શ્રદ્દાળુઓ કાગવળમાં ઉમટી પડતાના રોડ રસ્તા જય ખોડલના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ખોડલધામ સમસ્ત લેઉવા પાટીદાર સમાજનું આસ્થા અને આત્મ ગૌરવનું પ્રતિક
કાગવડમાં નિર્માણ પામેલું ખોડલધામ સમસ્ત લેઉવા પાટીદાર સમાજનું આસ્થા અને આત્મ ગૌરવનું પ્રતિક છે. ખોડલધામમાં યોજાયેલી માની પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક ભક્તોથી લઈ રાજકીય નેતાઓએ પણ દર્શન કર્યા હતા. નેતાઓએ માના દર્શન તો કર્યા પરંતુ તેની સાથે એ પાટીદારોના દર્શન કર્યા કે જેઓ ચૂંટણીમાં પોતાને મદદ કરી શકે. ખોડલધામ નેતાઓ માટે રાજકીય શક્તિના સંચયનું ધામ પણ બની રહ્યું.
આસ્થાનું કેન્દ્ર અને શક્તિધામ કાગવડ
કાગવડમાં નિર્માણ પામેલા ખોડલધામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે તેની તૈયારીઓ પણ જોવા જેવી હતી. આસ્થાનું કેન્દ્ર અને શક્તિધામ કાગવડમાં જ્યારે મંદિર નિર્માણ પૂર્ણ થયું ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્વને રંગેચંગે ઉજવવા માટે એક એક પાટીદારોએ જવાબદારી સ્વીકારી લીધી હતી. તૈયારીઓ એવી કરી હતી કે આવનારા કોઈને પણ તકલીફ ન થાય અને માતાજીના ભક્તિભાવથી દર્શન કરી શકે.