નવસારી હાઈવે પર શ્રદ્ધાળુઓની પંચર પડેલી ગાડીને ટ્રકે ટક્કર મારતા સુરતના 6 લોકોના કમકમાટીભર્યા મોત

નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી ટેમ્પોટ્રેક્સને પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે ટક્કર મારતાં અંદર બેઠેલા 6 લોકોના મોત થયા છે. જેમાં સુરતની મહિલાઓ સહિત 6નો સમાવેશ થાય છે.

સુરત પરત ફરતા અકસ્માત નડ્યો

શહેરના વેસુ વિસ્તારમાં આવેલી નંદીની શ્રી સોસાયટીમાં રહેતી મહિલાઓ દહાણું મહાલક્ષ્મીમાતાના દર્શને ગઈ હતી. આ માટે તેમણે વરાછાથી જીજે 5 બીએક્સ 8090 નંબરની ટેમ્પોટ્રેક્સ ગાડી ભાડે કરી હતી. ચૈત્ર નવરાત્રી નિમિત્તે આ ગાડીમાં દહાણું મહાલક્ષ્મીમાતાના દર્શન કરી તમામ ભક્તો વલસાડ પાસે આવેલા રાબડા ગામમાં વિશ્વંભરીમાતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા. રાબડાથી વિશ્વંભરીમાતાના દર્શન કરી સુરત આવતી વખતે નવસારીના ધોળાપીપળા ગામે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ સહિત છના મોત નીપજ્યા છે.

ચૈત્રી નવરાત્રિને લઈ મહાલક્ષ્મી માતાના દર્શન કરી પરત ફરતા મહિલા મંડળને કાળ ભરખી ગયો

મહિલાઓ સહિત 6ના મોત

આ અંગે નવસારી પોલીસને જાણ થતાં મોડીરાતે પોલીસ સ્થળ પર ધસી ગઈ હતી. જ્યારે ટેમ્પોટ્રેક્સના માલિક પંકજભાઈ વઘાસીયાનો સંપર્ક થતાં તેમણે જણાવ્યું હતું કે, ગાડીને અકસ્માત થયો છે અને 6ના મોત થયાનું જાણવા મળ્યું છે. હાલમાં વધુ કંઈ કહી શકુ તેમ નથી. જ્યારે મળેલી માહિતી મુજબ ધોળાપીપળા પાસે થયેલા આ અકસ્માત ટેમ્પોટ્રેક્સમાં પંચર પડતા રોડની સાઈડમાં ઉભું રાખવું પડ્યું હતું.અમુક મહિલાઓ ઉતરી આજુ બાજુ હાઈવે પર ફરતી હતી અને અમુક તેમાં બેઠી હતી. હાઈવે પર એકાએક પૂર પાટ ઝડપે આવતી ટ્રકે ટેમ્પો કારને પાછળથી ટક્કર મારતાં અંદર બેઠલીમહિલાઓ સહિત છના મોત થયા છે.

ત્રણના ઘટના સ્થળે અને ત્રણના હોસ્પિટલમાં મોત

અકસ્માતના પગલે ઘટના સ્થળે જ ત્રણ મહિલાના મોત નીપજ્યાં હતા. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ ત્રણના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક

  • ચંપાબેન કાન્તીભાઇ લિંબાચિયા (ઉ.વ. 56)
  • સવિતાબેન વનમાળી પ્રજાપતિ (ઉ.વ. 78)
  • રમિલાબેન રમણભાઇ પટેલ (ઉ.વ. 68)
  • રમણભાઈ ગોવિંદભાઇ પટેલ ( ઉ.વ. 74)
  • લતાબેન ભોગીલાલ પટેલ
  • નિરૂબેન રતિલાલ પટેલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો