નર્મદાને ગંગા જેવી દૂષિત થવા નહીં દઇએ, 14 મિત્રોના અભિયાનમાં 100 લોકો જોડાયા
રાજ્યની લાઇફલાઇન ગણાતી નર્મદા નદી ગંગા જેવી દૂષિત ન થઈ જાય તે માટે રાજપીપળા અને ચાણોદના 100 યુવાનોએ નર્મદા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2014ના રોજ રાજપીપળાના 14 મિત્રોએ નદીને સાફ કરવાનું બીડું ઉપાડ્યું હતું. જે અભિયાનમાં 100 યુવાનો જોડાયા છે. નર્મદા નદી અમાસ દરમિયાન સૌથી વધુ દૂષિત થાય છે.
આ યુવાનો અમાસના બીજા દિવસે પોઈચા,ચાણોદ તેમજ અલગ-અલગ ઘાટો પર સફાઈ હાથ ધરી દરેક ઘાટ પરથી 10 ટન કપડાં અને કચરાને એકઠો કરે છે. માન્યતા એવી છેકે, અમાસના દિવસે નદીમાં સ્નાન કરીને કપડાં પાણીમાં જ ઉતારી દેવામાં આવે તો ભૂત-પલિત દૂર ભાગે છે. અમાસ પછી સાફ સફાઇમાં ચાર હજાર જેટલાં કપડાં પાણીમાંથી કાઢવામાં આવે છે. લોકો વૈચારિક રીતે તો નદી સાફ રહે તેમ માને છે,પરંતુ તેઓ નદીને સાફ રાખવા કોઈ યોગદાન નથી આપી રહ્યાં.
રાજપીપળાના ડો.વનરાજસિંહ સોલંકી અને વિજય રામી વર્ષોથી કુબેર ભંડારી દર્શન કરવા જાય છે. નવેમ્બર 2014માં દર્શન કરવા પહોંચેલા ડો.વનરાજસિંહને દૂષિત થઈ રહેલી નર્મદા નદીને સાફ કરવાનો વિચાર સ્ફુર્યો હતો. મિત્રના આ વિચાર હેઠળ વિજય રામી સહિતના 14 મિત્રોએ ભેગા થઈને અમાસ પછીની તારીખ 25 નવેમ્બર 2014ના રોજથી નદીમાં વ્યાપેલી ગંદકી સાફ કરવાનું શરૂ કર્યું હતું.
આજે આ 14 મિત્રોના રાજપીપળા હેલ્પ ગ્રૂપના નર્મદા સફાઈ અભિયાન સાથે રાજપીપળા, કેવડિયા તેમજ અન્ય ગામોના 40 યુવાનો જોડાયેલા છે. આ ઉપરાંત રાજપીપળાના હેલ્પ ગ્રૂપથી પ્રેરાઈને ચાણોદના યુવાન ઋષિ જોષી અને રવિ જોષીએ પણ પોતાના 10થી વધુ મિત્રો સાથે નર્મદાની સફાઈના અભિયાનને શરૂ કર્યું છે. આ ઉપરાંત ચાણોદ પાસેનાં અન્ય ગામોમાં પણ 50થી વધુ લોકો નદીને સાફ કરવા માટે પ્રયત્નશીલ છે. આમ નર્મદા સફાઈ અભિયાનના એક વિચારને 100 લોકોને પ્રેરિત કર્યા છે.