નર્મદામાં ભરતીના પાણીએ જુના દિવા ગામના ત્રણ યુવાનોનો ભોગ લીધો
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી. જોકે હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી.
ભરૂચના કાંઠે સુકીભઠ બનેલી નર્મદા નદીમાં ભરતીના પાણીએ જુના દિવાના ત્રણ યુવાનોનો ભોગ લીધો હતો . રવિવારની સાંજે ગામમાં રહેતાં પાંચ મિત્રો ગોલ્ડનબ્રિજ નજીક આવેલાં હંસદેવ આશ્રમ નજીક ફરવા માટે ગયાં હતાં . નદીમાં પાણી નહિ હોવાથી પાંચેય મિત્રો ચાલીને નદી પાર કરીને ભરૂચ તરફના છેડા પર ગયાં હતાં . અચાનક ભરતીના પાણી આવી જતાં તેઓ નદીની વચ્ચે ફસાઇ ગયાં હતાં . એક યુવાનને તરતા આવડતું હોવાથી તેણે પોતે તથા અન્ય એક મિત્રનો બચાવ કર્યો હતો પરંતુ ત્રણ મિત્રો ભરતીના પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં . ભરતી આવતાંની સાથે નદીની સપાટી 10 ફૂટ જેટલી વધી જતાં કરૂણાતિકા સર્જાઇ હતી .
જુના દીવા ગામમાં રહેતાં વિનય ગીરીશ પટેલ , શિવ હરવદન ભરડીવાલા , અનિરૂધ્ધ પ્રદિપસિંહ રાજ , રોશન જગદીશ પટેલ અને યતીન પટેલ હંસદેવ આશ્રમ પાસે ફરવા માટે આવ્યાં હતાં . પાંચેય યુવાનો નદીના કિનારે બેઠા હતાં તે સમયે નદી સુકીભઠ જોતા તેમણે નદીને ચાલીને પાર કરવાનો વિચાર આવ્યો હતો . પાંચેય મિત્રો નદી ચાલીને પાર કરીને સામે ભરૂચના કાંઠે પહોંચ્યાં હતાં . તેઓ ભરૂચના કાંઠા તરફ હતા તે સમયે ભરતીનો સમય હોવાથી નદીમાં જળસ્તર વધવા લાગ્યાં હતાં . પાંચેય જણા નદીમાં અધવચ્ચે ફસાઇ ગયાં હતાં અને પાણી વધવા લાગ્યાં હતાં .
વિનય અને અનિરૂધ્ધ તેમના પરિવારના એક માત્ર સંતાન હતાં.
અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં રહેતા પાંચેય મિત્રોની ઉમર 20 થી 25 વર્ષની વચ્ચે છે . તેઓ અભ્યાસની સાથે ખેતીકામ કરતાં હોવાની વિગતો સામે આવી છે . વિનય પટેલ અને અનિરૂધ્ધ ( રાજ તેમના પરિવારમાં એક માત્ર સંતાન હોવાનું જાણવા મળી રહયું છે . પાંચ મિત્રો પૈકી યતીન પટેલના જ લગ્ન થયાં છે જયારે અન્ય ચાર યુવાનો કુંવારા છે .