ડીસાનો આ ખેડૂત ગટરના પાણીથી ફૂલોની ખેતી કરીને મહિને રૂ.50,000 કમાય છે
આમતો ગટરનું પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હોય છે. પરંતુ બનાસકાંઠામાં એક યુવા ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કરી મબલક કમાણી કરી રહ્યા છે.
ડીસાના 45 વર્ષીય નરેન્દ્ર સૈની નામના ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. નરેન્દ્ર સૈની બનાસકાંઠામાં ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતાં નરેન્દ્ર સૈનીએ શહેરની ગટરોનું જે પાણી તેમના ખેતર નજીકથી વહેતું હોય છે. તે પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઇ તરીકે ઉપયોગ કર્યો હતો. પોતાના ખેતરમાં ગુલાબ અને ગલગોટાની ખેતી કરીને આ દુર્ગંધ યુક્ત પાણીમાં પણ પરસેવો પાડીને ફૂલોની ખેતી કરતાં અત્યારે તેમનું ખેતર ગટરની દુર્ગંધના બદલે ફૂલોની સુગંધમાં ફેરવાઇ ગયું છે.
એકદમ બદબુદાર પાણી કે જેની આસપાસથી પસાર થવાથી પણ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું હોય તેવા પાણીનો સિંચાઇ તરીકે નરેન્દ્ર સૈનીએ ઉપયોગ કર્યો હતો. પોતાના ખેતરમાં આ પાણી વાળીને આવા દુર્ગંધ યુક્ત પાણીમાં પણ ફૂલોની સફળ ખેતી કરી હતી. ફળસ્વરૂપે આજે નરેન્દ્ર સૈનીનું ખેતર ફૂલોની ખુશ્બુથી મહેંકી ઉઠ્યું છે. 10 વર્ષ અગાઉ જ્યારે અહીં પાણીના તળ ઊંડા જતા આ ખેડૂત મૂંઝવણમાં મુકાયો હતો. પરંતુ પોતાના કોઠાસૂજથી પાણી વગર બેસી રહેવાના બદલે તેણે ખેતરની પાસે પસાર થતા શહેરના ગંદા વેસ્ટ પાણીનો સદઉપયોગ કરી કમલ કરી બતાવી છે.
ખેડૂતના ગંદા પાણીના ઉપયોગથી થતી સફળ ખેતી જોઈને આજુબાજુના લોકો પણ આ ગંદા પાણીનો ઉપયોગ કરવા લાગ્યા છે. પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્ર સૈનીએ જણાવ્યું હતું કે 10 વર્ષ અગાઉ અમારા ખેતરમાં પાણીના તળ ઊંડા થઈ ગયા હતા. 3 વર્ષ બેસી રહ્યા પછી બાજુમાં જતા ગટરના પાણીનો ઉપયોગ કરી ખેતી કરી. ફૂલોની ખેતીમાં સફળતા મેળવી 1 વિઘામાંથી 50 હજાર કમાઈએ છીએ.
ગંદા પાણીના આ રીતે ફુલોની ખેતીમાં થતા ઉપયોગને ખેતીવાડી અધિકારી પણ બિરદાવી રહ્યા છે. ગંદા પાણીમાં તત્વો વધારે હોવાથી ઉત્પાદન પણ વધું થતું હોવાનું સ્વીકારી રહ્યા છે. સાથે જ ફૂલો જેવી ખેતી માટે આ ગંદુ પાણી ખાસ કંઈ નુકસાન થતું નથી જ્યારે શાકભાજીમાં ઉપયોગ થાય તો નુકસાન થવાની સલાહ પણ આપી હતી.
ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં વિજ્ઞાનિક ડો.યોગેશ પવારે જણાવ્યું હતું કે ગટરના પાણીથી ફૂલોની ખેતીમાં કોઈ નુકસાન થતું નથી. ઉલ્ટાનો અમુક તત્વો વધારે હોવાથી ફાયદો થાય છે. જો શાકભાજીમાં આ પાણીનો ઉપયોગ થાય તો જ નુકસાન થવાની સંભાવના હોવાનું જણાવ્યું હતું.