અમરેલીમાં ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા 1.5 લાખથી વધુ મતોથી વિજેતા
અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો છે.
અમરેલી બેઠક ઉપર કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીને જ મેદાનમાં ઉતારીને અમરેલીની બેઠકને ‘સ્ટાર’ બેઠક બનાવી હતી. લોકોને યાદ હશે કે, ભાજપની લહેર વચ્ચે ભાજપના કદ્દાવર નેતા પુરુષોત્તમ રૂપાલાને 2002માં પરેશ ધાનાણીએ હરાવ્યા હતા. ત્યાર બાદ, આ બેઠક ઉપર ચૂંટણીજંગનો ઇતિહાસ અત્યંત રોમાંચક રહ્યો છે.
લગભગ નહિવત ઉદ્યોગો અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા અમરેલી જિલ્લામાં વર્ષોથી પાટીદાર મતો નિર્ણાયક બનતાં રહ્યા છે. 1977થી અહીં પાટીદાર ઉમેદવાર સાંસદ તરીકે પસંદ થતાં રહ્યાં છે. હા, નવિનચંદ્ર રવાણીની બે ટર્મને અપવાદ ગણી શકાય.
આ બેઠક હંમેશા કૈક નવા-જુના પરિણામો આપવા માટે જાણીતી છે. કોંગ્રેસનો સૂરજ સોળે કળાયે હતો ત્યારે અહીં જનતાદળના મનુભાઈ કોટડિયા જીતતાં હતાં. ભાજપના યુવા નેતા તરીકે દિલીપ સંઘાણી પણ સળંગ 4 ટર્મ અહીંનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોંગ્રેસના યુવા અગ્રણી અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2014માં એટલે કે છેલ્લી લોકસભામાં આ બેઠક ઉપરથી ભાજપના નારણભાઈ કાછડિયા સળંગ બીજી ટર્મ માટે 1,56,232 મતોથી વિજયી બન્યા હતા. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે વર્ષ 2017 માં જિલ્લાની તમામ 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા.
જાતિગત સમીકરણો:
અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચિતલ તાલુકા વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ છે. જ્યારે રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં કોળી અને આહિર સમાજ મોટી સંખ્યામાં છે. પરંતુ પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં હોઈ લોકસભામાં મોટાભાગે પાટીદાર ઉમેદવાર જ અહીંથી જીતતા રહ્યા છે.