બાળકના ગળામાં ફસાયેલો ખીલો કાઢવા માટે મહારાષ્ટ્રના તબિબોએ 1 લાખનો ખર્ચ કહ્યો, ત્યારે સુરતના સિવિલમાં માત્ર રૂ. 60માં ખીલો કાઢી આપ્યો
મહારાષ્ટ્રના એક પરિવારના 4 વર્ષના બાળકનાં ગળામાં રમતા રમતા ખીલો ફસાઈ ગયો હતો. જ્યાં તબીબોએ ખીલો કાઢવા માટે રૂ.1 લાખ જેવો માતબર ખર્ચ જણાવ્યો હતો. આખરે આ પરિવાર બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યુ હતું. જ્યાં સિવિલમાં નજીવા 60 રૂપિયાના ખર્ચ બાદ ઈએનટી વિભાગના તબીબોએ દુરબિનની મદદથી માત્ર 3 જ મિનીટમાં ખીલો બહાર કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.
ગળામાં ફસાઈ ગયો ખીલો
મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના પારોળા તાલુકાના દેવગાવ ખાતે રહેતા પ્રવિણભાઇ પાટીલ ખેતી કરી ગુજરાન ચલાવે છે. પંદર દિવસ અગાઉ તેમનો 4 વર્ષીય પુત્ર પ્રથમેશ રમતા રમતા લોખંડનો ખીલો ગળી ગયો હતો. ત્રણ ચાર દિવસ પછી તેને ખાંસી આવવા માંડી હતી. સતત ખાંસી બંધ ન થતા તેને બાળકોના ડોક્ટરને બતાવ્યું હતું. ત્યાં પ્રથમેશના ગળાનો એક્ષ-રે કરાવ્યો હતો. જેમાં ગળામાં ખીલો ફસાયો હોવાનું સામે આવ્યું હતું. મહારાષ્ટ્રમાં અલગ અલગ તબીબોને બતાવ્યું હતું. ત્યાં તેમને 1 લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું તેમજ ઔરંગાબાદ લઈ જવું પડશે તેવું પણ કહ્યું હતું. પ્રવિણભાઈના બહેન સુરતમાં પાંડેસરા ખાતે રહેતા હોય તેમને આ વાતની જાણ થઈ હતી.
દસ રૂપિયાનો કેસ પેપર અને બે એક્ષ-રે ના રૂ.50
પ્રવિણભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે પ્રથમેશના ઇલાજ પર વધુ ખર્ચ કરી શકે તેમ ન હતા. તેમણે પ્રથમેશને સુરત લઈ આવવા કહ્યું હતું. જેથી પ્રથમેશને સુરત લઈ આવ્યા હતા. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં ઈએનટી વિભાગમાં બતાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફરીથી એક્ષ-રે કરાવ્યો ત્યારે ખીલો ગળામાં જ ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેથી ઈએનટી વિભાગના તબીબોએ દુરબિનની મદદથી માત્ર 3 જ મિનીટમાં ખીલો ગળામાંથી બહાર કાઢી આપ્યો હતો. દસ રૂપિયાનો કેસ પેપર અને બે એક્ષ-રે ના રૂ.50 મળી માત્ર 60 રૂપિયાના ખર્ચમાં પ્રથમેશના ગળામાંથી ખીલો નીકળી ગયો હતો. ઈએનટી વિભાગના વડા ડો.જયમીન કોન્ટ્રાક્ટર, ડો.ભાવિક પટેલ અને ડો.રાહુલ પટેલની ટીમે આ પ્રસંશનીય કામગીરી કરી હતી.