આદિવાસી મહિલાઓને ‘નાહરી’ ડિશે ચખાડ્યો સફળતાનો સ્વાદ, કરે છે મબલખ કમાણી, ડાંગ ફરવા જાઓ તો અચૂક માણજો ‘નાહરી’ ડિશનો ટેસ્ટ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો
ડાંગ જિલ્લાની મુલાકાત લેનારા ટૂરિસ્ટ્સ માટે ‘નાહરી’ શબ્દ નવો નથી. આદિવાસી લોકો બપોરના ભોજનને ‘નાહરી’ તરીકે ઓળખે છે. ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ ‘નાહરી’ ડિશનો સ્વાદ માણવાનું ક્યારેય ભૂલતા નથી. નાહરી રેસ્ટોરન્ટમાં આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવે છે. આજે આ ‘નાહરી’ રેસ્ટોરન્ટની અનેક બ્રાંચ ખૂલી છે. તેમજ આ રેસ્ટોરન્ટનો એક ટ્રક મીલ ઓન વ્હીલ કોન્સેપ્ટ પર પણ ચાલે છે. આ રેસ્ટોરન્ટની સફળતા એવી ગરીબ મહિલાઓને આભારી છે જે પોતાના ખેતરમાં જ શાકભાજી ઉગાડે છે અને સાથે જ રેસ્ટોરન્ટના કામમાં પણ ધ્યાન આપે છે. આવો જાણીએ આ સફળતા પાછળની કહાણી…
નાની એવી ઝૂંપડી, તાજા જ રાંધેલા શાકભાજીની મધમધતી સોડમ, નાના એવા કાળા પાટિયા પર લખેલું મેન્યૂ અને કેટલીક મહિલાઓ લાલ તેમજ બ્લુ સાડીમાં રાંધતી જોવા મળે છે. આ દ્રશ્ય છે નાહરી રેસ્ટોરન્ટનું. નાહરી રેસ્ટોરન્ટ આદિવાસીઓનું પરંપરાગત ભોજન આપતી રેસ્ટોરન્ટ છે. 2007માં નાહરી રેસ્ટોરન્ટે પોતાની શરુઆત કરી હતી. BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને નાહરી રેસ્ટોરન્ટે આજે ત્રણ જિલ્લામાં 13 કરતા વધુ બ્રાંચ ખોલી છે. આ રેસ્ટોરન્ટની અનેક બ્રાંચમાં નાગલી (રાગી)ના રોટલા તેમજ બામ્બુનું અથાણું પીરસવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ભોજન પાછળ સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG)ની આદિવાસી મહિલાઓનો ખૂબ જ મોટો ફાળો છે.
બિઝનેસ મોડલ બની ચૂક્યું ‘નાહરી’
નાહરી આજે સફળ બિઝનેસ મોડેલ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આજે નાહરીના પ્રત્યેક આઉટલેટ દર મહિને 50,000 કરતાં પણ વધુની કમાણી કરે છે. કેટલીક પ્રખ્યાત આઉટલેટની કમાણી તો દર મહિને 70,000 ઉપર પણ જતી રહે છે. BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશનના સીનિયર પ્રોગ્રામ મેનેજર સંદિપ યાદવે કહ્યુ હતું કે,’હવે અમે બ્રાન્ડિંગ કોન્સેપ્ટ બનાવવાનું વિચારી રહ્યા છીએ. અમે ધીમે ધીમે નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યા છે. હવે અમે ‘નાહરી’ને એક રેસ્ટોરાં ચેઈનનું રુપ આપીશું અને તેના મેન્યૂમાં પણ નાવીન્ય જોવા મળશે.’
શું હોય છે આ ડિશમાં?
નાહરીએ ડાંગમાં આઠ બ્રાંચ ખોલી છે. જ્યારે નવસારી અને વલસાડમાં પાંચ બ્રાંચ ખોલી છે. આ ઉપરાંત મીલ-ઓન-વ્હીલ કન્સેપ્ટ પણ ચાલી રહ્યું છે. BAIF પ્રોગ્રામર ઓપરેટર મણી દાવડાના જણાવ્યાનુસાર, ‘મીલ ઓન વ્હીલ કોન્સેપ્ટમાં જ્યાં અઠવાડીયાની ખાણીપીણીની બજાર ભરાતી હોય ત્યાં અમારી ટ્રક ઉભી રહે છે. આ કોન્સેપ્ટમાં બન્ને તરફ ફાયદો થાય છે. ગ્રાહકોને સારુ ફૂડ મળે છે અને અમને સારો બિઝનેસ.’ આ રેસ્ટોરાં ડાંગી થાળી પીરસે છે. આ ડાંગની થાળીમાં નાગલી અથવા તો ચોખાનો રોટલો લીલા શાકભાજી, અડદની દાળ, ભાત, બામ્બુનું અથાણું અને લીલી અને લાલ ચટણી પીરસવામાં આવે છે.
BAIFને નાબાર્ડ, ઓએનજીસી ઉપરાંત કેન્દ્રના સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનો પણ ભરપૂર સહયોગ મળી રહ્યો છે. દાવડાએ જણાવ્યુ હતું કે,’વિવિધ જાતના પરંપરાગત આદિવાસી ખોરાકને ધ્યાનમાં રાખીને ન્યૂટ્રિશ્યિન વેલ્યૂ અનુસાર ટાટા ટ્રસ્ટના સહયોગથી આ ડિશ તૈયાર કરવામાં આવે છે.’ આ ઉપરાંત મણી દાવડાએ એ પણ ઉમેર્યુ હતું કે,’આ કોન્સેપ્ટમાં એવી મહિલાઓ કામ કરે છે. જે આર્થિક રીતે જરુરિયાતમંદ હોય. તેઓ પોતાના ખેતરમાં જ કામ કરે છે ઉપરાંત તેમની શિફ્ટવાઈઝ ડ્યૂટીઝ આવતી હોય છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..