આ પટેલે અંબાજી મંદિરને આપ્યું છે 7.50 કરોડના સોનાનું દાન, ભર્યો’તો સુંડલો
અમદાવાદ: તાજેતરમાં અંબાજી સ્થિત માં અંબાના ભક્ત અને અમદાવાદી એવા મુકેશ પટેલે એક સુંડલો(25 કિલો) સોનું અર્પણ કર્યું હતું. આ સોનાથી માતાજીના મંદિર મુખ્ય શિખરને મઢવામાં આવ્યું છે. અંબાજી મંદિરના શિખરે 368 જેટલા નાનામોટા સુવર્ણમય કળશો શોભી રહ્યા છે. મુકેશ ભાઈએ આ સોનું પાંચ-પાંચ કિલોના ભાગમાં પાંચ ભાગમાં આપ્યું હતું.
ગોદરેજ ગાર્ડન સિટી બનાવનારા મુકેશ પટેલ છે બિલ્ડર
25 કિલો સોનું દાનમાં આપનારા માં અંબાના ભક્ત મુકેશ ભાઈ પટેલ શ્રીસિદ્ધિ ગ્રુપના ચેરમેન છે. આ ગ્રુપ હેઠળ તેમની ગોદરેજ ગાર્ડન સિટીની સ્કીમ પણ જાણીતી છે. આ આ દાન અંગે મુકેશ ભાઈ પટેલે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન કઈ રીતે તેમણે 25 કિલો સોનું(અંદાજે કિંમત 7.50 કરોડ ) દાનમાં આપ્યું તે અંગે જણાવ્યું હતું.
આ અંગે વાત કરતા મુકેશ પટેલે કહ્યું કે ”હું છેલ્લા 33 વર્ષથી પગપાળા અંબાજી સંઘમાં જઉં છું, જ્યાં માનું હ્રદય છે એવા અંબાજી ધામમાં તે સમયના કલેક્ટર આર.જે.પટેલે કહ્યું કે, બધા સંઘ વાળા પાંચ ગ્રામ-10 ગ્રામ સોનું આપશે તો આખું અંબાજી ધામનું મંદિર સુવર્ણથી મઢાઈ જશે.”
દાતા મુકેશ પટેલે આગળ કહ્યું કે ”આથી શરૂઆતમાં મેં એક કિલો સોનું ધરાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ ચાર-પાંચ મહિને હું એક કિલો સોનું આપવા ગયો ત્યારે એમણે(કલેક્ટર આર.જે.પટેલ)કહ્યું કે, 25 કિલો સોનું એકઠું થયા બાદ જ આ કામ શરૂ કરવાનું છે.”
”આ સમયે મેં સકલ્પ કરી માતાજીને કહ્યું કે આ કાર્ય મારા હાથે જ કરાવડાવો અને મેં 25 કિલો સોનું આપવાની જાહેરાત કરી. આ સાથે જ કામની શરૂઆત થઈ અને જેમ જેમ કામ આગળ ચાલતું ગયું અને જેમ સોનાની જરૂરિયાત પડતી ગઈ એમ કરીને મેં પાંચ પાંચ કિલો સોનું આપતો રહ્યો હતો અને અમારો સંકલ્પ પૂર્ણ થયો.’
2011માં 89 દીકરીઓને ફ્રીજથી લઈ એલસીડી સહિતનો કરિયાવર આપી કરાવ્યા હતા લગ્ન
મુકેશ પટેલે આ પહેલા વર્ષ 2011માં પટેલ સમાજની 89 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. આ લગ્નમાં તેમણે દીકરીઓને કરિયાવરમાં પાનેતરથી લઈને ટીવી, ફ્રીજ, એલસીડી, ફર્નિચર, વાસણની ભેટ આપી હતી.