લગ્નના વર્ષો પછી બ્રાહ્મણના ઘરે દીકરો જન્મ્યો હતો પરંતુ થોડાં જ વર્ષોમાં તેનું મૃત્યુ થયું, પણ જ્યારે સ્મશાનમાં ક્રિયાકર્મ માટે લાવ્યા તો ત્યાં એક શિયાળ અને ગીધની નજર તેના ઉપર પડી, પછી બંને વચ્ચે થઈ વિચિત્ર વાતો.
આ કહાણી એક લોકકથા છે. તેના માધ્યમથી માનવ જીવનમાં વ્યવહારનો ખૂબ મોટો પાઠ શીખવા મળે છે. એક ગામમાં એક બ્રાહ્મણના લગ્નના ઘણા વર્ષો પછી પુત્ર થયો, પરંતુ થોડા વર્ષો પછી બાળકની અકાળ મૃત્યુ થઈ ગયું. બ્રાહ્મણ શબ લઈને સ્મશાને પહોંચ્યો, તે મોહવશ ક્રિયા કર્મ નહોતો કરી શકતો. તેને પુત્ર પ્રાપ્તિ માટે કરેલા જપ-તપ અને પુત્રનો જન્મોત્સવ યાદ આવી રહ્યો હતો.
જોકે, બાળક ખૂબ નાનકડો હતો એટલે તેને પરંપરા મુજબ અગ્નિ સંસ્કારની જગ્યાએ દફનાવવાનો હતો. સ્મશાનમાં એક ગીધ અને એક શિયાળ રહેતા હતા. બંને શબ જોઇને ખૂબ ખુશ થયા. બંનેએ વ્યવસ્થા બનાવી રાખી હતી. દિવસમાં શિયાળ માંસ નહીં ખાય અને રાતમાં ગીધ.
શિયાળે વિચાર્યુ જો બ્રાહ્મણ દિવસમાં જ શબ રાખીને જતો રહ્યો તો તેના પર ગીધનો અધિકાર હશે. એટલે કેમ ન અંધારું થવા સુધી બ્રાહ્મણને વાતોમાં ફંસાવીને રાખવામાં આવે. જ્યારે ગીધ રાહમાં હતો કે શબની સાથે આવેલા કુટુંબના લોકો જલદીથી જલદી જતા રહે અને તે તેને ખાઇ શકે.
ગીધ બ્રાહ્મણ પાસે ગયો અને તેણે વૈરાગ્યની વાતો શરૂ કરી. ગીધે કહ્યુ – મનુષ્યો, તમારા દુઃખનું કારણ આ મોહમાયા જ છે. સંસારમાં આવતા પહેલા દરેક પ્રાણીની ઉંમર નક્કી થઈ જાય છે. સંયોગ અને વિયોગ પ્રકૃતિનો નિયમ છે. તમે તમારા પુત્રને પાછા નથી લાવી શકતા એટલે શોક ત્યાગ કરી અહીંથી જાઓ. સંધ્યા થવાની છે. સંધ્યાકાળમાં સ્મશાન પ્રાણીઓ માટે ભયજનક હોય છે એટલે જલદી અહીંથી નીકળી જવું જ યોગ્ય છે.
ગીધની વાતો બ્રાહ્મણની સાથે આવેલા સંબંધીઓને ખૂબ સારી લાગી. તે બ્રાહ્મણને બોલ્યા – બાળકના જીવિત થવાની આશા નથી. એટલે અહીં રોકાવાનો શું લાભ?
શિયાળ બધુ સાંભળી રહ્યો હતો. તેને ગીધની ચાલ સફળ થતી દેખાઇ તો ભાગીને બ્રાહ્મણ પાસે આવ્યો. શિયાળ કહેવા લાગ્યો – ઘણા નિર્દયી છો. જેને પ્રેમ કરતા હતા, તેના મૃત શરીરની સાથે થોડો સમય પણ નથી વીતાવી શકતા, પછી ક્યારેય તેનું મુખ નહીં જોઇ શકો, સંધ્યા સુધી રોકાઇને મનભરીને જોઇ તો લો.
તેમને રોકી રાખવા માટે શિયાળે નીતિની વાતો છેડી દીધી – જે રોગી છે, જેના પર અભિયોગ લાગેલો હોય અને જે સ્મશાનની તરફ જઈ રહ્યો હોય તેને બંધુ-બાંધવોના સહારાની જરૂર હોય છે. શિયાળની વાતોથી પરિજનોને થોડી શાંતિ મળી અને તેમણે તરત પાછા જવાનો વિચાર છોડી દીધો.
હવે ગીધને પરેશાની થવા લાગી. તેણે કહેવાનું શરૂ કર્યુ. તમે જ્ઞાની હોવા છતાં એક કપટી શિયાળની વાતોમાં આવી ગયા. એક દિવસ દરેક પ્રાણીની આ જ દશા થવાની છે. શોક ત્યાગ કરી પોતા-પોતાના ઘરે જાઓ. જે બન્યુ છે તે નષ્ટ થઈને જ રહે છે. તમારો શોક મૃત આત્માને બીજા લોકમાં કષ્ટ આપશે. જે મૃત્યુના અધીન થઈ ચૂક્યો છે કેમ રડીને તેને વ્યર્થમાં કષ્ટ આપો છો?
લોકો ચાલવા લાગ્યા તો શિયાળ ફરી શરૂ થઈ ગયો – આ બાળક જીવિત હોત તો શું તમારો વંશ ન વધારતો? કુલનો સૂર્ય અસ્ત થયો છે ઓછામાં ઓછું સૂર્યાસ્ત સુધી તો રોકાવ. હવે ગીધને ચિંતા થઈ. ગીધે કહ્યુ – મારી ઉંમર સૌ વર્ષની છે. મેં આજ સુધી કોઈને જીવિત થતા નથી જોયું, તમે જલદી જઈને તેના મોક્ષનું કામ શરૂ કરવું જોઈએ.
શિયાળે કહેવાનું શરૂ કર્યુ. જ્યાં સુધી સૂર્ય આકાશમાં બિરાજમાન છે, દેવીય ચમત્કાર થઈ શકે છે. રાત્રિમાં આસુરી શક્તિઓ પ્રબળ હોય છે. મારી સલાહ છે થોડી રાહ જોઈ લેવી જોઈએ. શિયાળ અને ગીધની ચાલાકીમાં ફંસાયેલો બ્રાહ્મણ પરિવાર નક્કી નહોતો કરી શકતો કે શું કરવું જોઈએ. છેલ્લે પિતાએ દીકરાનું માથું ખોણામાં રાખ્યુ અને જોર-જોરથી વિલાપ કરવા લાગ્યો. તેના વિલાપથી શ્મસાન ધ્રુજવા લાગ્યું.
ત્યારે સંધ્યા ભ્રમણ પર નીકળેલા મહાદેવ-પાર્વતી ત્યાં પહોંચ્યા. પાર્વતીજીએ રડતા પરિજનોને જોયા તો દુઃખી થઈ ગયાં. તેમણે મહાદેવને બાળકને જીવિત કરવા વિનંતી કરી. મહાદેવ પ્રગટ થયા અને તેમણે બાળકને 100 વર્ષની ઉંમર આપી દીધી. ગીધ અને શિયાળ બંને જોતા રહી ગયા.
ગીધ અને શિયાળ માટે આકાશવાણી થઈ. તમે પ્રાણીઓને ઉપદેશ તો આપ્યો પરંતુ તેમાં સાંત્વનાની જગ્યાએ તમારો સ્વાર્થ હતો એટલે તમને આ નિકૃષ્ટ યોનિથી જલદી મુક્તિ નહીં મળે.
બોધપાઠ
બીજાની તકલીફમાં પોતાનો લાભ ન શોધવો જોઈએ. જો કોઈ દુઃખી છે તો તેને નિઃસ્વાર્થ ભાવથી સાંત્વના આપવી જોઈએ. બીજાના કષ્ટ પર સાચા મનથી શોક કરવો જોઈએ. બીજાના દુઃખમાં જે પોતાનો લાભ જોઇને બનાવટી દુઃખ દર્શાવે છે, તેને કષ્ટ ભોગવવો જ પડે છે.