એક વ્યક્તિ શહેરથી પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જોયું કે તેનું ઘર બળી રહ્યું છે, આ જોઇને તે દુઃખી થઇ ગયો અને બધા લોકોને ઘરને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો, ત્યારે તેમનો દીકરો આવ્યો અને તેણે કંઈક એવું જણાવ્યું કે પિતાનું મન શાંત થઇ ગયું, જાણો તેણે શું કહ્યું હતું?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે પોતાનું ગામ છોડીને મોટા નગરમાં પહોંચ્યો. અનેક મહિનાઓ સુધી તે પોતાના ગામથી દૂર જ રહ્યો. ગામમા તેનું મોટું અને સુંદર ઘર હતું. જ્યારે તેણે ખૂબ જ રૂપિયા કમાઈ લીધા ત્યારે તે પોતાના ગામ પાછો ફર્યો.

ગામ પહોંચીને તેણે પોતાના ઘરને બળતું જોયું. ગામના લોકો દૂર ઊભા રહીને બળી રહેલાં ઘરને જોઇ રહ્યા હતાં. તે વ્યક્તિને સમજાઇ રહ્યું નહોતું કે હવે શું કરવું જોઇએ? તે દુઃખી થઇ ગયો અને બધા લોકોને ઘરને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો. પરંતુ કોઇપણ વ્યક્તિ તેની મદદ કરવા માટે તૈયાર હતું નહીં.

ત્યારે જ તે વ્યક્તિનો મોટો દીકરો ત્યાં પહોંચ્યો અને તેણે કહ્યું કે પિતાજી તમે આટલાં દુઃખી કેમ જોવા મળી રહ્યા છો? પિતાજીએ કહ્યું કે આપણું ઘર બળી રહ્યું છે અને તું પૂછી રહ્યો છે કે હું દુઃખી કેમ છું?

દીકરાએ કહ્યું કે પિતાજી આપણે આ ઘર થોડા જ દિવસો પહેલાં વેચી દીધું છે. આ વાત સાંભળીને તે વ્યક્તિનું મન શાંત થઇ ગયું કે તેનું કોઇ નુકસાન થયું નથી. હવે તે વ્યક્તિ પણ ભીડ સાથે ઊભા રહીને તે બળી રહેલાં ઘરને જોવા લાગ્યો.

થોડીવાર પછી તેનો બીજો દીકરો ત્યાં પહોંચ્યો. તેણે કહ્યું કે પિતાજી આપણું ઘર બળી રહ્યું છે અને તમે ચૂપચાપ ઊભા છો, તેને બચાવવા માટે કઇંક કરો.

પિતાએ કહ્યું કે દીકરા તારા મોટા ભાઈએ આ ઘર વેચી દીધું છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી. ત્યારે બીજા દિકરાએ કહ્યું કે હાં, આપણે આ ઘર વેચી દીધું છે, પરંતુ તેના રૂપિયા હજું આપણને મળ્યાં નથી. જો ખરીદદારે રૂપિયા આપવાની ના પાડી દીધી તો શું કરીશું?

આ વાત સાંભળીને જ તે વ્યક્તિ ફરીથી મારા ઘરને બચાવી લો તેવી બૂમો પાડવા લાગ્યો. ભીડમાંથી કોઇની હિંમત થઇ નહીં કે તેઓ બળી રહેલાં ઘરની નજીક પહોંચે. ત્યારે તે વ્યક્તિની ત્રીજો દીકરો ત્યાં પહોંચી ગયો. તેણે પિતાજીને કહ્યું કે ચિંતા ન કરો, આપણને ખરીદદારે રૂપિયા આપી દીધા છે. આ સાંભળીને તે વ્યક્તિ ફરીથી સામાન્ય થઇ ગયો.

બોધપાઠ– આ કથાનો બોધપાઠ એ છે કે સુખ-દુઃખ આપણી માનસિકતા ઉપર નિર્ભર કરે છે. જો આપણાં વિચાર પોઝિટિવ રહેશે તો મન શાંત રહેશે. આ વાર્તામાં જ્યાં સુધી વ્યક્તિ બળી રહેલાં ઘર સાથે જોડાયેલો હતો, ત્યાં સુધી તે દુઃખી હતો. પરંતુ જ્યારે તેણે પોતાને ઘરથી અલગ કર્યો, ત્યારે તે શાંત થઇ ગયો. ઠીક તેવી જ રીતે આપણે પણ દુઃખ આપનારી અને ખરાબ વાતોથી પોતાને દૂર કરી લેવા જોઇએ અને સારું વિચારવા લાગવું જોઇએ. આવું કરવાથી આપણી ઉપર દુઃખની અસર થઇ શકશે નહીં.

આ પણ વાંચજો:- એક વ્યક્તિ પરિવારમાં સતત વાદ-વિવાદથી ખૂબ જ દુઃખી હતો, કંટાળીને તેણે સંન્યાસ લઇ લેવાનું વિચાર્યું. તેણે એક સંતને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવી લો, દુનિયા ખૂબ જ સ્વાર્થી છે, હું ભક્તિ કરવા ઇચ્છું છું. સંતે તેને શિષ્ય બનાવવાની ના પાડી દીધી, જાણો કેમ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો