એક નગરમાં ધનવાન શેઠ પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી પરંતુ તે હંમેશાં અશાંત રહેતા હતા. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયા. શેઠે સંતને કહ્યું કે મારું મન અશાંત છે, મને શાંતિ જોઈએ, આ સાંભળતા જ સંતે આગ સળગાવી. જાણો પછી શું થયું.
જાણીતી લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. તેની પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી, ઘર-પરિવારમાં પણ કોઈ પરેશાની ન હતી, પરંતુ તે હંમેશાં અશાંત રહેતો હતો. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને પોતાની સમસ્યા જણાવી અને કહ્યું કે મહારાજ મને કોઈ એવો ઉપાય જણાવો કે જેનાથી મારા મનને શાંતિ મળે.
શેઠની વાત સાંભળતાની સાથે જ સાધુ ત્યાંથી ઊભા થયા અને આશ્રમની બહાર ગયા. શેઠ પણ સંતની પાછળ-પાછળ ચાલ્યો. બહાર આવીને સાધુએ કેટલાક લાકડા લીધા અને એક જગ્યાએ એ લાકડામાં આગળ સળગાવી.
સંત થોડી-થોડી વારમાં આગમાં એક-એક લાકડું નાખતાં જતાં હતાં. શેઠ આ બધુ જોઈ રહ્યો હતો. થોડી વારમાં જ આગ ખૂબ જ તેજ થઈ ગઈ, ત્યારબાદ સંત ત્યાંથી ઊભા થઈ ગયા અને આશ્રમમાં પોતાની જગ્યાએ આવીને બેસી ગયાં. તેમની પાછળ-પાછળ શેઠ પણ આવ્યો.
શેઠે સંતને ફરીથી કહ્યું કે મહારાજ મારી સમસ્યાનો કોઈ ઉકેલ બતાવો. સંતે કહ્યું કે શેઠજી મેં તમારી જ સમસ્યાનો ઉકેલ બતાવ્યો છે, પરંતુ તમે સમજ્યાં નથી. શેઠને આશ્ચર્ય થયું, મને કંઈ સમજાયું નહીં.
સંતે કહ્યું કે શેઠજી દરેક વ્યક્તિની અંદર એક આગ હોય છે. જો આપણે આ આગમાં પ્રેમની આહુતિ નાખીએ તો આપણા મનને શાંતિ મળશે, મન પ્રસન્ન રહેશે. જે લોકો આ આગમાં ક્રોધ, લાલચ, મોહના લાકડાં નાખે છે, તે હંમેશાં અશાંત રહે છે.આ ખરાબ ટેવોની લાકડાઓથી મનની અશાંતિ વધે છે. જો તમે શાંતિ મેળવવા માંગતા હોવ તો તમારે ખરાબ આદતોને છોડવી પડશે અને બધાને નિઃસ્વાર્થ પ્રેમ કરવો પડશે. ત્યારે મનને શાંતિ મળશે.
બોધપાઠ
આ કથાની શીખ એ છે કે જ્યારે આપણે પોતાની બુરાઈઓનો ત્યાગ ન કરીએ, ત્યાં સુધી મન શાંત નહીં થાય. ગુસ્સો અને લાલચને લીધે મનમાં આમ-તેમ નકામા વિચારો ચાલતાં રહે છે. તેનાથી બચવું જોઈએ, ત્યારે જ અશાંતિ દૂર થઈ શકે છે.