પતિ-પત્નીના સંબંધોમાં કરેલી નાનકડી ભૂલથી બરબાદ થઈ શકે છે પૂરો પરિવાર
પ્રાચીન લોકકથા મુજબ એક વ્યક્તિના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા. તે ખૂબ મહેનત કરતો હતો પરંતુ ગરીબી પીછો નહોતી છોડી રહી. ગરીબી દૂર કરવા માટે તેણે વિચાર્યુ કે વિદેશ જઈને ધન કમાવવું જોઈએ. આ વાત તેણે પોતાના પિતા અને પત્નીને જણાવી. તેની પત્ની ગર્ભવતી હતી તેના કારણે બંને વાત માટે તૈયાર થઈ ગયા પરંતુ તે વ્યક્તિ જિદ પર અડી ગયો. રાતમાં જ્યારે પિતા અને ગર્ભવતી પત્ની સૂઇ રહ્યા હતા ત્યારે તે ઘરેથી થોડાં રૂપિયા લઈને બંનેને મૂકીને વિદેશ જતો રહ્યો.
વિદેશ પહોંચીને તે વ્યક્તિએ ખૂબ મહેનત કરી અને 20 વર્ષમાં તે પણ ધનવાન બની ગયો. ખૂબ રૂપિયા કમાયા પછી તેણે વિચાર્યુ કે હવે પોતાના ઘરે પાછા જવું જોઈએ. આવું વિચારીને તે જહાજથી પોતાના દેશ પાછો આવી રહ્યો હતો. જહાજમાં તેને એક વ્યક્તિ મળ્યો. તે વ્યક્તિ જ્ઞાનના સૂત્ર વેચતો હતો. તેણે ધનવાન વ્યક્તિને કહ્યુ કે હું અહીં જ્ઞાનના સૂત્ર વેચવા આવ્યો હતો પરંતુ કોઈ ખરીદદાર ન મળ્યો તેના કારણે ખાલી હાથ ઘરે પાછા જઈ રહ્યો છું.
ધનવાન વ્યક્તિએ વિચાર્યુ કે મારી પાસે તો ઘણા રૂપિયા છે, હું એક સૂત્ર ખરીદી લઉં છું. વ્યક્તિએ જણાવ્યું કે તેનો એક સૂત્ર 500 સ્વર્ણ મુદ્રાઓનો છે. ધનવાને 500 સ્વર્ણ મુદ્રાઓ આપી દીધી. તે વ્યક્તિએ એક કાગળ પર લખ્યું કે કોઈ કામ કરતા પહેલા બે મિનિટ રોકાઇને વિચારી લેવું જોઈએ. ધનવાન વ્યક્તિએ તે કાગળ સાંચવીને પોતાના ખીસ્સામાં રાખી દીધો.
થોડાં દિવસો પછી રાતના સમયે ધનવાન વ્યક્તિ પોતાના શહેર પહોંચી ગયો. તે પોતાની પત્ની અને પિતાને ખુશ કરવા માટે ચૂપચાપ પોતાના ઘરમાં ઘુસી ગયો. જ્યારે તે પત્નીની રૂમમાં પહોંચ્યો તો તેણે જોયું કે તેની પત્ની પાસે એક છોકરો સૂઇ રહ્યો છે. આ જોઇને તેને ગુસ્સો આવ્યો. તે વિચારી રહ્યો હતો કે હું તો વિદેશમાં તેમના માટે રૂપિયા કમાઇ રહ્યો હતો, રોજ તેને યાદ કરી રહ્યો હતો અને તેણે બીજા લગ્ન કરી લીધા. ગુસ્સામાં તેણે રૂમમાં રાખેલી છરી ઉપાડી અને પત્નીને મારવા માટે આગળ વધવા લાગ્યો. ત્યારે તેને જ્ઞાનનો સૂત્ર યાદ આવ્યો કે કોઈ પણ કામ કરતા પહેલા બે મિનિટ રોકાઇને વિચારી લેવું જોઈએ.
તે રોકાયો અને વિચારી રહ્યો હતો ત્યારે તેના હાથથી એક વાસણ જમીન પર પડી ગયું. અવાજ થયો તો તરત જ તેની પત્ની ઊઠી ગઈ. તેણે રૂમમાં લાઇટ કરી તો જોયું તેનો પતિ સામે ઊભો હતો. પતિને જોતા જ તેણે પાસે સૂતા યુવકને ઉઠાડ્યો. તે બોલી રહી હતી બેટા ઉઠ, તારા પિતાજી આવ્યા છે. આ સાંભળતા જ તે વ્યક્તિ પરસેવે-રેબઝેબ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે જો તે બે મિનિટ રોકાયો ન હોત તો તેના હાથે બધુ બરબાદ થઈ જાત. જ્ઞાનના સૂત્રે અણબનાવ થતા બચાવી લીધો.
તેનો દીકરો ઊઠ્યો અને તેણે પિતાના ચરણ સ્પર્શ કર્યા તો તેના વાળ ખૂલી ગયા. પત્નીએ પતિને કહ્યુ કે તમારા ગયા પછી મેં પુત્રીને જન્મ આપ્યો હતો. થોડાં દિવસ પછી તમારા પિતાનું અવસાન થઈ ગયું. તેના પછી મેં પોતાની દીકરીને લોકોની નજરથી બચાવી રાખવા માટે તેને યુવકની જેમ ઉછેરી છે જેથી સમાજમાં કોઈ તેને ખરાબ નજરથી ન જુએ. તે વ્યક્તિએ રડતા-રડતા પત્ની અને દીકરીને ગળે લગાવી લીધી. તેને સમજ આવી ગયું કે જ્ઞાનનો સૂત્ર મોંઘો જરૂર લાગી રહ્યો હતો પરંતુ અણમોલ સૂત્ર છે. તેના કારણે તેનો પરિવાર બરબાદ થવાથી બચી ગયો.
કથાનો બોધપાઠ
આ કથાની શીખ એ છે કે જ્ઞાન તો અણમોલ છે. જ્યારે કોઈ કામ કરવું હોય તો બે મિનિટ રોકાઇને વિચારી લેવું જોઈએ. ઉતાવળમાં કોઈ પણ કામ ન કરવું જોઈએ. ખાસ કરીને લગ્નજીવનમાં જ્યારે પણ ગુસ્સો આવે તો પતિ-પત્નીએ આ સૂત્ર કામય યાદ રાખવો જોઈએ, નહીં તો બધુ બરબાદ થઈ શકે છે.
આ પણ વાંચજો – પત્નીએ તેના પતિ સામે એવી તો કઇ શરત મૂકી જે આજે દરેક પતિ – પત્નીએ જાણવી જોઇએ