મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે
મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે. જ્યારે આ વાત પાંડવોને જાણવા મળી ત્યારે તેઓ દુ:ખી થઈ ગયા, કારણકે પિતામહ ભીષ્મને યુદ્ધમાં હરાવવા અશક્ય હતા. એ દિવસે સૂર્યાસ્ત બાદ શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ.
દ્રૌપદીને લઈને શ્રીકૃષ્ણ ભીષ્મ પિતામહની શિબિર પાસે ગયા અને કહ્યું કે અંદર જઈને પિતામહને પ્રણામ કર. શ્રીકૃષ્ણની વાત માની દ્રૌપદી ભીષ્મ પિતામહ પાસે ગઈ અને પ્રણામ કર્યાં. ભીષ્મે પોતાની કુળવધુને અખંડ સૌભાગ્યવતી ભવ: ના આશીર્વાદ આપી દીધા.
ત્યારબાદ ભીષ્મે દ્રૌપદીને પૂછ્યું કે, આટલી રાત્રે તું અહીં એકલી જ આવી છે કે શ્રીકૃષ્ણ તને અહીં લઈને આવ્યા છે?
દ્રૌપદીએ કહ્યું કે, હા પિતામહ, હું શ્રીકૃષ્ણની સાથે જ અહીં આવી છું અને તેઓ શિબિરની બહાર ઊભા છે.
આ સાંભળી ભીષ્મ તરત જ દ્રૌપદીને લઈને શિબિરની બહાર આવ્યા અને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યાં. ભીષ્મે શ્રીકૃષ્ણને કહ્યું કે, મારા એક વચનને બીજા વચનની કાપવાનું કામ શ્રીકૃષ્ણ તમે જ કરી શકો છો.
ત્યારબાદ શ્રીકૃષ્ણ અને દ્રૌપદી પોતાના શિબિર તરફ ગયાં. રસ્તામાં શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે, હવે બધા જ પાંડવોને જીવતદાન મળી ગયું. વડીલોના આશીર્વાદ કવચની જેમ કામ કરે છે, જેને કોઇજ અસ્ત્ર-શસ્ત્ર ભેદી નથી શકતા. આજે તે પિતામહને એકવાર પ્રણામ કર્યા અને બધા જ પાંડવો સુરક્ષિત થઈ ગયા. જો તે રોજ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરેને પ્રણામ કર્યાં હોત અને દુર્યોધન-દુ:શાસનની પત્નીઓ પણ પાંડવોને પ્રણામ કરતી તો યુદ્ધની સ્થિતિ જ ન બનત.
બોધપાઠ
આ કથામાં શ્રીકૃષ્ણની શીખ એ જ છે કે, પતિના સુખ માટે પત્નીએ પોતાના કુળના વડીલોનો આદર કરવો જોઇએ. વડીલોના આશીર્વાદ પતિને બધા જ દુ:ખોથી બચાવે છે. મોટાભાગનાં ઘરોમાં ક્લેશનું કારણ જ એ હોય છે કે, પત્ની પોતાના પતિના માતા-પિતાનું સન્માન નથી કરતી. જો પત્ની આ વાતોનું ધ્યાન રાખશે તો ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે.