કાગડાએ જ્યારે હંસને જોયો તો તેને લાગ્યું આ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે, હંસે કહ્યું સૌથી સુંદર પક્ષી તો પોપટ છે, પોપટે મોરને બતાવ્યું સૌથી સુંદર પક્ષી અને જ્યારે કાગડાએ મોરને પૂછ્યું તો તેણે શું કહ્યું? જાણો

એક વૃક્ષ પર એક કાગડો રહેતો હતો, તેને લાગતું હતું કે ભગવાને તેને દુનિયાનું સૌથી કદરૂપું પક્ષી બનાવ્યું છે. એક વખત તે તળાવનું પાણી પીવા માટે રોકાયો. ત્યાં તેણે હંસ દેખાયો. તેણે વિચાર્યુ હું ખૂબ કાળો છું અને હંસ આટલો સુંદર, એટલે કદાચ હંસ આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી હશે.

કાગડો હંસ પાસે ગયો અને બોલ્યો – શું તું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે? હંસ બોલ્યો – હું પણ એવું જ વિચારતો હતો કે હું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું, પણ જ્યાં સુધી મે પોપટને નહોતો જોયો. પોપટને જોયા પછી મને લાગે છે કે પોપટ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે.

કાગડો પોપટ પાસે ગયો અને બોલ્યો – શું તું જ આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છો? પોપટે કહ્યું – પહેલા હું પણ એવું જ વિચારતો હતો કે હું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું. પરંતુ જ્યારથી મે મોરને જોયો છે, મને લાગે છે કે તે જ આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે.

કાગડો પક્ષી અભ્યારણ્યમાં મોર પાસે ગયો અને જોયું કે કેટલાય લોકો મોરને જોવા માટે આવે છે. કાગડો મોર પાસે ગયો અને બોલ્યો – શું તું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છો? એટલે હજારો લોકો તને જોવા માટે આવે છે.

મોરે કહ્યું – હું કાયમ એવું વિચારતો હતો કે હું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું, પરંતુ તેના કારણે મને પાંજરામાં કેદ કરી લેવામાં આવ્યો છે. હું ખુશ નથી અને હવે હું એવું ઈચ્છું છું કે કાશ હું પણ કાગડો હોત તો આજે આકાશમાં આઝાદીથી ઊડી તો શકતો હોત.

બોધપાઠ

આપણી લાઇફ પણ કંઈક આવી જ થઈ ગઈ છે. આપણને પણ એવું જ લાગે છે કે બીજા લોકો આપણાં કરતા વધુ ખુશ છે અને તેના કારણે આપણે એવી વસ્તુઓની મજા નથી માણી શકતા, જે આપણી આજુબાજુ પહેલાથી જ છે. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે અન્ય વ્યક્તિ કરતા કંઈક વધારે અને કંઈક ઓછું હશે, એટલે દુનિયામાં સૌથી ખુશ એ જ વ્યક્તિ છે જે તેની પાસે જે છે તેમાં સંતુષ્ટ છે.

આ પણ વાંચજો – જ્યારે વિભીષણ શ્રીરામને પહેલી વખત મળવા આવ્યા તો કોઈએ તેમને રાવણનો દૂત સમજ્યો તો કોઈએ ગુપ્તચર, ત્યારે શ્રીરામે શું કર્યુ? જાણો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો