એક સંતે ભંડારો આયોજિત કર્યો, ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં પહોંચી અને સંતને બે રૂપિયા દાનમાં આપ્યાં, સંતે આ રૂપિયાથી મીઠું ખરીદ્યું અને ભોજનમાં મિક્સ કરી દીધું. જાણો સંતે આવું કેમ કર્યું?
પ્રાચીન સમયમાં એક સંતને ધની અને ગરીબ, બધા લોકો દાન આપતા હતાં. ધની લોકો ખૂબ જ વધારે ધન દાન કરતા હતાં અને ગરીબ લોકો ઓછું દાન આપતા હતાં, પરંતુ સંત ધની લોકો કરતાં ગરીબ લોકોનું વધારે માન-સન્માન કરતા હતા.
એક દિવસ સંત ગામમાં ભિક્ષા માગી રહ્યા હતાં, ત્યારે એક ગરીબ વ્યક્તિએ જોયું કે સંત ખાલી પગે ચાલી રહ્યા છે ત્યારે તેણે તરત જ કપડાથી બનેલાં બૂટ ખરીદીને સંતને આપી દીધા. સંતે તેમનો પ્રેમ જોઇને તે બૂટ પહેરી લીધાં.
ઘણાં સમય પછી તેમનો એક ધની શિષ્ય સંત માટે નવા બૂટ લઇને પહોંચ્યો ત્યારે સંતે કહ્યું કે કપડાના આ બૂટ મને એક ગરીબ વ્યક્તિએ પોતાની મહેનત અને પ્રામાણિકતાની કમાણીથી ખરીદીને આપ્યાં છે, જ્યાં સુધી તે ફાટી જાય નહીં, હું બીજા બૂટ પહેરીશ નહીં.
એક દિવસ સંતના આશ્રમમાં ભંડારાનું આયોજન થયું, દૂર-દૂરથી લોકો આશ્રમમાં ભોજન કરવા પહોંચ્યાં હતાં. ત્યારે સંતના થોડા શિષ્યને એક વૃદ્ધ ગરીબ મહિલાને ધક્કો મારીને બહાર કાઢી રહ્યા હતાં. સંતે આ જોયું ત્યારે તે વૃદ્ધ મહિલાને બોલાવી લીધી.
મહિલા સંત પાસે પહોંચી ત્યારે તેણે પોતાની પાસેથી બે રૂપિયા કાઢ્યા અને સંતના હાથમાં આપી દીધા. તે મહિલાએ કહ્યું કે હું પણ આ ભંડારામાં દાન આપવા ઇચ્છું છું, પરંતુ આ લોકો મને ભગાડી રહ્યા હતાં.
સંતે તે રૂપિયાથી મીઠું ખરીદ્યું અને ભંડારાના ભોજનમાં મિક્સ કરી દીધું. સંતે શિષ્યોને સમજાવ્યાં કે દાન આપનારના ધન ઉપર નહીં, તેની ભાવનાઓ ઉપર ધ્યાન આપવું જોઇએ. જે લોકો પોતાની મહેનત અને પ્રામાણિકતાથી કમાયેલા રૂપિયાનું દાન આપે છે, તેની કિંમત ખૂબ જ વધારે હોય છે. તે વૃદ્ધ મહિલાની કમાણી આપણાં ભંડારામાં જોડાશે તો ભોજન ભગવાનનો પ્રસાદ બની જશે.
બોધપાઠ: દાનથી સમાજમાં સમાનતાનો ભાવ આવે છે. જે લોકો દાન કરે છે, તેમના મનમાં ત્યાગ કરવાની અને મોહ છોડવાની ભાવના જાગે છે. શાસ્ત્રો દાનને સૌથી પુણ્ય કર્મોમાંથી એક માને છે. જે લોકો દાન કરે છે, તેમના ધન ઉપર નહીં, પરંતુ તેમની ભાવનાઓ ઉપર ધ્યાન આપવું જોઇએ.