પ્રાચીન સમયમાં એક ગોવાળિયાએ સંતને તપ કરતા જોયા, સંતે જણાવ્યું કે આવું કરવાથી ભગવાનના દર્શન મળે છે, આ સાંભળીને ગોવાળિયાએ કઠોર તપ કરવાનું શરૂ કરી દીધું, ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ ગયાં. જાણો પછી શું થયું?
એક ગોવાળિયો રોજ ગાયને ચરાવવા માટે ગામથી બહાર જંગલમાં જતો હતો. જંગલમાં એક સંતનો આશ્રમ હતો. ત્યાં સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતાં હતાં. ગોવાળિયો રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કરે છે?
ગોવાળિયાની ઉંમર ઓછી હતી. સંતના આ કર્મોને સમજવા માટે તે આશ્રમમાં પહોંચ્યો અને સંતને પૂછ્યું કે તમે રોજ આ બધું શું કરો છો?
સંતે જણાવ્યું કે હું ભગવાનને મેળવવા માટે ભક્તિ કરું છું. રોજ પૂજા-પાઠ, તપ, ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ભગવાનના દર્શન થઇ શકે છે.
સંતની વાત સાંભળીને ગોવાળિયો વિચારવા લાગ્યો કે ભગવાનના દર્શન કરવા જોઇએ. આ વિચારીને ગોવાળિયો આશ્રમમાથી બહાર આવ્યો અને એક એકાંત જગ્યાએ વૃક્ષની નીચે એક પગે ઊભો રહીને તપ કરવા લાગ્યો. થોડીવાર પછી તેણે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. ગોવાળિયાએ વિચાર્યું કે જ્યાં સુધી ભગવાન દર્શન આપશે નહીં, ત્યાં સુધી હું આમ જ રહીશ.
નાના ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ ગયાં. તેઓ ગોવાળિયા સામે પ્રકટ થયા અને બોલ્યા કે પુત્ર આંખ ખોલો, હું તમારી સામે આવી ગયો છું.
ગોવાળિયાએ આંખ ખોલ્યા વિના જ પૂછ્યું કે તમે કોણ છો?
ભગવાન બોલ્યા કે હું તે ઈશ્વર છું, જેમના દર્શન માટે તમે તપ કરી રહ્યા છો.
આ સાંભળીને ગોવાળિયાએ આંખ ખોલી લીધી, પરંતુ તેણે ઈશ્વરને ક્યારેય જોયા હતાં નહીં. તે વિચારવા લાગ્યો કે આ તે જ ભગવાન છે?
સત્ય જાણવા માટે તેણે ભગવાનને એક વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધા. ભગવાન પણ ભક્તના હાથે બંધાઇ ગયાં.
ગોવાળિયો તરત દોડીને તે સંતના આશ્રમમાં પહોંચી ગયો અને સંપૂર્ણ વાત જણાવી દીધી. સંત આ બધું જ સાંભળીને આશ્ચર્ય હતાં. તેઓ પણ તરત જ ગોવાળિયા સાથે તે જગ્યાએ પહોંચી ગયાં.
સંત તે વૃક્ષ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઇ જોવા મળ્યું નહીં. ભગવાન માત્ર ગોવાળિયાને જ જોવા મળી રહ્યા હતાં. સંતે જણાવ્યું કે મને તો અહીં કોઇ દેખાઇ રહ્યું નથી તો ગોવાળિયાએ ભગવાનને તેનું કારણ પૂછ્યું.
ભગવાને કહ્યું કે હું તે જ વ્યક્તિને દર્શન આપું છું જે નિસ્વાર્થ ભાવથી મારી ભક્તિ કરે છે. જે લોકોના મનમાં કપટ, સ્વાર્થ, લાલચ હોય છે, તેમને હું દર્શન આપતો નથી.
બોધપાઠ– જે લોકો ભગવાનની ભક્તિ અંગત સ્વાર્થના કારણે કરે છે, તેમને ભગવાનની કૃપા મળી શકતી નથી. નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલી ભક્તિ જ સફળ થાય છે. જે લોકો નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરે છે, તેમને ભગવાનની કૃપા મળે છે.