એક કાગડાને જોઇને યમદૂત રોજ હસતો હતો, કાગડાને લાગ્યું મોત નજીક આવી ગયું છે, તેનો મિત્ર ગરુડ તેને હજારો યોજન દૂર લઈ ગયો પરંતુ ત્યાં ખુલ્યું યમદૂતની હસીનું રહસ્ય
કહાણી મહાભારત અને ભાગવત ગીતાની છે. અનેક લોકકથાઓમાં પણ આ કહાણીનો ઉલ્લેખ મળે છે. એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા. તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને એક નદીના કિનારે વૃક્ષ પર બેઠાં વાત કરી રહ્યા હતા ત્યારે એક યમદૂત ત્યાંથી પસાર થયો. તે કાગડાને જોઈને હસવા લાગ્યો. ગરુડ અને કાગડાએ તે યમદૂતને નજરઅંદાજ કર્યો અને પોતાની વાતોમાં લાગી ગયા.
પરંતુ બીજા દિવસે ફરી આવું જ થયું. બંને વાતો કરી રહ્યા હતા ત્યારે એ જ યમદૂત ફરી ત્યાંથી પસાર થયો. તે ફરી કાગડાને જોઇને હસવા લાગ્યો. આ વખતે કાગડાને થોડી શંકા થઈ. તેણે ગરુડને કહ્યુ કે આ યમદૂત મને જોઇને કાલે પણ હસતો હતો અને આજે પણ એવી જ રીતે હસી રહ્યો છે. કંઈક ગડબડ છે. બની શકે છે મારું મૃત્યુ થવાનું છે. ગુરુડે તેને સમજાવ્યો કે આવું કંઈ નથી. આ એક સંયોગ માત્ર પણ હોય શકે છે. તું ચિંતા ન કર.
બે-ત્રણ દિવસ રોજ આવી જ રીતે નીકળી ગયા. રોજ યમદૂત કાગડાને જોઇને હસતો. હવે તો કાગડાને વિશ્વાસ થઈ ગયો કે નક્કી મારું મોત નજીક છે. તેણે ગરુડને કહ્યુ મિત્ર હું મરવા નથી ઈચ્છતો પરંતુ આ યમદૂત જરૂર એક-બે દિવસમાં મારા પ્રાણ નીકાળીને લઈ જશે. એ રોજ મને જોઇને હસે છે. ગરુડને પણ લાગ્યુ કે બની શકે છે કાગડાની શંકા સાચી હોય. તેણે કાગડાને ધીરજ રાખવા કહ્યુ. ગુરુડે કહ્યુ તું ચિંતા ન કર મિત્ર હું તમે અહીંથી એટલા દૂર લઈ જઇશ કે આ યમદૂત તને દેખાશે જ નહીં.
ગરુડે કાગડાને પોતાની પીઠ પર બેસાડ્યો અને તે જંગલથી હજારો કિલોમીટર દૂર કૈલાસ પર્વત પર લઈ ગયો. બંનેને હવે એ ડર ન રહ્યો કે અહીં કોઈ તેમને પરેશાન કરી શકે છે. પરંતુ જેમ કૈલાસ પર્વત પર પહોંચીને એક ગુફામાં ગયા ત્યાં તે યમદૂત પહેલાથી જ મોજૂદ હતો. તેણે કાગડાને જોતા જ તેના ઉપર પાશ ફેંકીને તેના પ્રાણ કાઢી લીધા. ગરુડ જોતો રહી ગયો. તેણે યમદૂતને પૂછ્યુ તે આને કેમ માર્યો? યમદૂતે કહ્યુ કે તેનું મોત આ સમયે જ લખ્યુ હતુ એટલે તેના પ્રાણ નીકાળી લીધા. ગરુડે ફરી પૂછ્યુ તો પછી તું તેને જોઇને તે જંગલમાં હસતો કેમ હતો. તેને મારવો જ હતો તો ત્યાં જ મારી દેવો હતો.
યમદૂતે જવાબ આપ્યો, તેનું મોત કૈલાસ પર્વત પર જ લખ્યુ હતુ, પરંતુ ચાર-પાંચ દિવસ પહેલા તેને આ જંગલમાં જોઇને મને આશ્ચર્ય થઈ રહ્યો હતો કે આ આટલા ઓછા સમયમાં ત્યાં કેવી રીતે પહોંચશે કારણ કે તેની પાંખ પણ નાની છે અને તે લાંબું ઊડી પણ નહોતો શકતો તો હજારો યોજન દૂર કૈલાસ સુધી કેવી રીતે પહોંચશે? એ વિચારીને હું રોજ હસીને ત્યાંથી પસાર થઈ જતો હતો. પરંતુ ભાગ્ય જો, તું તેનો પરમમિત્ર જ તેને અહીં આટલા ઓછા સમયમાં લઈ આવ્યો.
કહાણીનો બોધપાઠ
જીવન અને મૃત્યુ ભાગ્યની વાત છે. તેનાથી ક્યારેય પણ સંતાઇ કે બચી નથી શકાતું. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કોઈ તમને મારી નથી શકતું પરંતુ જો મૃત્યુ નજીક છે તો કોઈ પણ પ્રયાસ તમને બચાવી નથી શકતો…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..