આધુનિક સવલતોથી સજ્જ ગુજરાતનું આ ગામ, જાણો શું છે ખાસ
ધ્રોલ તાલુકાનું મોટાવાગુદડ ગામ વિકાસની હરણફાળ સાથે છેલ્લા ચારેક વર્ષથી એક આદર્શગામ તરીકે ઊભરી રહ્યું છે. ૨૧૦૦ની વસતી ધરાવતા ગામમાં બાળકોથી માંડી વૃધ્ધો સુધીનાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ પ્રયાસ કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ચારેક કરોડનાં વિકાસ કાર્યો ગામનાં જાગૃત મહિલા સરપંચની આગેવાનીમાં થયા છે.
સમગ્ર ગ્રામજનો સાથે મળી ઉત્સવોની ઉજવણીમાં ભાગ લે છે
ગામમાં પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટથી માંડીને ઘનકચરા નિકાલ, ભૂગર્ભગટર, આખા ગામમાં પેવરબ્લોક અને સીસીરોડ, ક્રિકેટનું વિશાળ મેદાન, ગાર્ડન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. તમામ ઉત્સવોમાંની ભવ્ય ઉજવણી કરાય છે તેમાં સમગ્ર ગ્રામજનો સાથે મળી ઉજવણીમાં ભાગ લે છે. આજના સમયમાં જ્યારે ગામડું ભાંગી રહ્યું છે ત્યારે લોકોને શહેર છોડીને ગામડામાં વસવાટ કરવાની ઇચ્છા થાય તેવા ધ્રોલથી તેમજ જામનગર રાજકોટ હાઇવે પરથી છ કિ.મી. દૂર અને ગામમાં મુખ્યત્વે ક્ષત્રિય, પટેલ, દલિત સહિતની ૨૧૦૦ની વસતી ધરાવતા મોટાવાગુદડ ગામમાં પ્રવેશતાં જ એક રમણીય ગામ હોય તેવું જણાય છે.
ગ્રામજનો શહેર છોડી પાછા ગામમાં વસવાટ કરવા આવ્યા
ઘણાં ગ્રામજનો શહેર છોડી પાછા ગામમાં વસવાટ કરવા આવ્યા છે. ગામમાં પ્રવેશતા સાથે મુખ્યચોકમાં વૃક્ષો તેમજ નાનાગાર્ડન સાથે સુંદર ફુવારો ગોઠવવામાં આવ્યો છે. જ્યાં રોજ સાંજનાં સમયે ગામનાં વૃધ્ધો લટાર મારી આરામથી બેસે છે. તેમજ ગામનાં મુખ્યચોકથી માંડી તમામ શેરી ગલીઓમાં પેવરબ્લોક રોડ બનાવાયા છે તેમજ શેરીઓમાં એલઇડી લાઇટ દરેક ઘરમાં ફિલ્ટર કરેલું નળ કનેકશનમાં પાણી અપાય છે. દરેક ઘરમાં શૌચાલય તેમજ ગામના રોડ રસ્તાની સ્વછતાનું પણ ગ્રામજનો દ્વારા વિશેષ ધ્યાન રખાય છે. આથી એક સ્વચ્છ ગામ તરીકે મોટાવાગુદડ ઊભરી રહ્યું છે.