ગુજરાતનું આ ગામ બનશે આધુનિક વિલેજ, NRI કરી રહ્યાં છે મદદ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલુ મોખાસણ ગામ જેમાં ગ્રામ પંચાયતની કોઇ મોટી આવક નથી પણ સરપંચની નિષ્ઠા અને સ્વચ્છ છબીના લીધે લોક ફાળાથી સમગ્ર ગામને એક આધુનીક ગામ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સમગ્ર ગામને ડસ્ટ ફ્રી બનાવી રોશનીથી ઝળહળતું કરાશે સાથે જ સ્પીકર તેમજ સીસીટીવી કેમેરા લગાવી ગામની સુરક્ષા મજબુત કરાશે. કલોલ તાલુકાના મોખાસણ ગામ માટે એવી કહેવત છે કે ‘જેટલા પરિવાર તેટલા લોકો અમેરીકા’ ગામના સરપંચ અનિલભાઇ પટેલને પોતાનું ગામ આધુનીક ગામ બને તેવી ઇચ્છા છે. ગ્રામ પંચાયતમાં મોટી આવક ન હોવા છતા ગામને વિકાસ તરફી લઇ જવા માટે સરપંચે પોતાના 14 લાખ ખર્ચી ગામના ઇલેક્ટ્રીક પોલો પર 150 હેલોજનથી ગામને ઝળહળતુ કર્યું હતું.

અત્યાર સુધી સરપંચ સ્વખર્ચે 4 સફાઇ કામદાર રાખી રોજે રોજ ગામની સફાઇ પણ કરાવતા હતા. ત્યારે લગ્ન સીજન હોય ગામના એનઆરઆઇઓ વતનમાં પરત આવ્યા હતા. ત્યારે સરપંચે મોખાસણ ગામને આધુનીક ગામ બનવા માટેની રજુઆત તેમના સમક્ષ મુકી હતી. જેને એનઆરઆઇઓ સહિત ગ્રામજનોએ બિરદાવી હતી. જેમાં ગ્રામ જનોએ પોતાના ઘરની આસપાસ કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા હતા.

લોકફાળાથી સમગ્ર ગામને ડસ્ટ ફ્રી, CCTVથી સજ્જ કરાશે,આવી પહેલથી લોકોએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા

6500 ચોરસ મીટરનો આરસીસી રોડ બનાવવાનું કામ પણ ચાલુ કરાયુ છે. રોડની બંને બાજુ 9 ફૂટના એસએસ પાઇપ લાગવી અંડર ગ્રાઉન્ડ વાયરિંંગ કરી 200 ડોમ્સ લગાવાયા છે. તેમજ ગામના અલગ-અલગ વાસમાં કુલ 50 સ્પીકરો લગાવી પંચયત જોડે સમગ્ર ગામને જોડાશે. ગામમાં 90 સીસીટીવી કેમેરા લગાવી ગામની સુરક્ષાને મજબુત કરાશે. જે માટે એનઆરઆઇઓ દ્વારા કુલ 35 લાખ દાન અપાયું છે, અને હજુ પણ દાન આવી રહ્યું છે. મોખાસણના કામની ચર્ચા જાગતા કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 5 લાખની ગ્રાન્ટ મોખાસણ ગામને ફાળવી છે.

જન્મભૂમિ પર પણ લોકોને સુવિધા મળે એટેલ દાન આપ્યું

અમેરિકામાં અમે 28 વર્ષથી રહીએ છીએ અને મહેનત કરી સારી જિંદગી જીવી રહ્યા છે. ત્યારે અમારી જન્મભૂમિ પર પણ લોકો સુખ સુવિધા વાળી જિંદગી મળી રહે તે માટે યોગદાન આપ્યું. – યોગેશભાઈ દશરથભાઈ પટેલ

સરપંચ મહેનત કરે તો અમારું પણ યોગદાન આવશ્યક છે

અમે વર્ષોથી મોખાસણ ગામમાં રહ્યા છીએ દિકરાઓ અમેરીકા ગયા બાદ 5 વર્ષથી અમે ત્યાં આવ-જા કરીએ છીએ. ત્યારે સરપંચ ગામને આધુનિક બનાવવા મહેનત કરી રહ્યા છે તો અમારું પણ યોગદાન જરૂરી છે.- કંકુબા માણેકલાલ પટેલ

ગામનું ઋણ અદા કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ

અમેરિકા ગયાને 34 વર્ષ થઇ ગયા છે. ત્યાં જઈ અમે નામના સાથે આર્થિક પ્રગતિ કરી છે, પણ અમે બાળપણ જે ગામમાં વિતાવ્યું તેનું ઋણ અદા કરવાનો આ અવસર છે. તેથી દાન આપી આવો પ્રયાસ કર્યો છે. – ઘનશ્યામભાઈ હરગોવનદાસ પટેલ

પારદર્શક વહીવટ કરો એટલે સહકાર અવશ્ય મળી રહે જ

સારૂ કરવાની ભાવનાથી કામ ઉપાડો અને પારદર્શક વહીવટ કરો ત્યારે લોકોનો સાથ મળી રહે તેવું હું માનું છું. જેને આમારા ગ્રામજનો તેમજ ગામના એનઆરઆઈ લોકોએ સાર્થક બનાવ્યું અનીલભાઈ બાબુભાઈ પટેલ, સરપંચ, મોખાસણ….

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો