મારૂતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાના પ્રત્યેક શહીદોના પરિવારને આપશે રૂ.2.50 લાખની સહાય
દેશના સીમાડા ઉપર શહીદ થતા આપણા વીર જવાનોના પરિવારની ચિંતા કરી અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે શહેરના અગ્રણી બિલ્ડર નનુભાઇ સાવલિયા દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા 44 વીર સપુતોના પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે વિગતો આપતા મારૂતિ વીર જવાન ટ્રસ્ટના પ્રમુખ નનુભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે, દેશના વીર જવાનો જ્યારે શહીદ થાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરીને તેમને આર્થિક સહાય આપવાના હેતુસર જ સુરત શહેરમાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ શહીદોના પરિવારોને આર્થિક રીતે મદદ રૂપ થવા માટે જ વર્ષ 2017માં પુજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું હતું અને તેના માધ્યમથી ફંડ એકત્ર કરવામાં આવ્યુ છે. આજે જ્યારે કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે ત્યારે એક નાગરિક તરીકે આપણું મસ્તક આ વીર જવાનોની શહાદત સામે નમી જાય છે. આ તમામ વીર સપુતોના પરિવારોને આર્થિક સહાય આપવા માટે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે અને પ્રત્યેક શહીદના પરિવારજનોને રૂપિયા 2.50 લાખની સહાય કરવામાં આવશે. આમ કુલ 44 શહીદોના પરિવારને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા કુલ રૂપિયા એક કરોડ દસ લાખની સહાય આપવામાં આવશે. આ તમામ પરિવારજનોને ટ્રસ્ટ દ્વારા ચેક થી સહાય ચુકવવામાં આવશે અને અનુકુળતા પ્રમાણે ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ શહીદોના પરિવારોને રૂબરૂ મળીને આ સહાયતા ચુકવશે.
ઃઃઃઃરવિવારે વરાછા મીની બજારથી નીકળશે વિશાળ કેન્ડલ માર્ચ
ધર્મનંદન ડાયમંડવાળા લાલજીભાઇ ઉગામેડીએ જણાવ્યું હતું કે, મારૂતિ વીર જવાન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી અને શહેરના અગ્રણીઓ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપવામા આવે છે. ઉપરાંત આવતી કાલે રવિવાર તા.17મી ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે વરાછા રોડ મીની હીરા બજાર ખાતેથી શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેન્ડલ માર્ચ વરાછા રોડ મીની હીરા બજાર ખાતેથી કાપોદ્રા પોલસ સ્ટેશન સામે જે બી ધારૂકાવાલા કોલેજ કેમ્પસમાં પહોંચશે. જ્યાં આ કેન્ડલ માર્ચ સભાના સ્વરૂપમાં ફેરવાશે. કેન્ડલ માર્ચમાં ભાગ લેવા માટે આવનારા તમામ દેશપ્રેમી નાગરિકોને સફેદ વસ્ત્ર પરિધાન કરીને આવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં મથુરભાઇ સવાણી, લવજીભાઇ બાદશાહ સહિત ટ્રસ્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.