ભદ્ર સમાજનો વિચિત્ર કિસ્સો: અમદાવાદમાં પતિએ સટ્ટો રમી દેવું કર્યું, સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને દબાણ કરતો, પતિ અને સાસુ-સસરાના ત્રાસે પરિણીતા પહોંચી પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેની સાસુ, સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ લગ્ન કર્યા બાદ તેનો પતિ સટ્ટો રમવા લાગ્યો હતો. સટ્ટામાં તે હારી જતા સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને દબાણ કરતા પૈસા પત્નીએ લાવી આપ્યા હતાં. ફરી વાર પણ આવું જ થયું ને પત્નીને પૈસા લાવવાનું કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સટ્ટામાં દેવું થઈ જતા યુવતીને આ ત્રાસ અને દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પિતાએ દીકરીના ઘરને સાચવવા જમાઈનું દેવું ભર્યું
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2017માં નિકોલ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીને માલુમ પડ્યું કે, તેનો પતિ સટ્ટો રમવાની ટેવ ધરાવે છે. લગ્નના ત્રણેક માસ બાદ યુવતીના પતિએ સટ્ટામાં દેવું થઈ ગયું હોવાનું જણાવી સસરા પાસે પૈસા માંગ્યા હતા. યુવતીના પિતાએ દીકરીના ઘરને સાચવવા માટે જમાઈએ કરેલું દેવું ભરપાઈ કરી આપ્યું હતું.
નવો ધંધો શરૂ કરવા પિયરથી 2 લાખ મંગાવ્યાં
થોડા સમય બાદ યુવતીને તેનો પતિ નાની-નાની બાબતોમાં માર મારતો હતો. યુવતી તેની સાસુ સસરાને ફરિયાદ કરે તો તેઓ કહેતા કે, અમારો દીકરો તો સીધો છે તારો જ કોઈ વાંક હશે. એટલું જ નહીં યુવતીના સસરાએ નવો ધંધો શરૂ કરવો છે કહી પિયરમાંથી બે લાખ લઈ આવવા આ યુવતીને કહ્યું હતું. જેથી યુવતીએ કહ્યું કે અગાઉ તેના પિતાએ દેવું ભરપાઈ કરી આપ્યું તેથી વારંવાર તે પિતા પાસે પૈસાની માંગણી નહિ કરે. જેથી સાસુ સસરા અને પતિએ આ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કરી તેને એક વાર ઘરમાંથી કાઢી મૂકી હતી.
યુવતીના પિતાને મારી નાખવાની ધમકીઓ આપી
બાદમાં પૈસા લઈને આવીશ તો જ રાખીશું નહિ તો ભવિષ્યમાં ઘણું ભોગવવા તૈયાર રહેજે તેવું કહી તેને ત્રાસ આપી ધમકી આપી હતી. સોમવારે યુવતીના પતિએ ઘરે આવવાનું કહેવા ફોન કર્યો તો યુવતીએ માતા પિતાને પૂછ્યા વગર ન આવી શકું તેમ કહેતા તેનો પતિ આવેશમાં આવી ગયો અને યુવતીના પિતાને મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. જેથી યુવતીએ કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા કૃષ્ણ નગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..