નાનકડી દીકરીનો બર્થડે મનાવી ઘરે જલદી પાછો આવીશનું વચન આપનાર મેજર કેતન શર્મા શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ એક બિલ્ડિંગમાં છુપાયેલા આતંકવાદીઓ સામે બાથ ભીડતા મેજર કેતન શર્મા શહીદ થઇ ગયા. વીરગતિને પ્રાપ્ત થતાં પહેલાં મેજર શર્મા અને તેમની ટીમે બે આતંકીઓને ઠાર કરી દીધા. એટલું જ નહીં મેજર શર્માની ટીમે જોરદાર કાર્યવાહી કરીને આતંકવાદીઓને બિલ્ડિંગમાંથી ભાગવા માટે મજબૂર કરી દીધા. બાકી બચેલા આતંકી ઝાડીઓમાં છુપાઇ ગયા. આતંકીઓને ઠાર કરવા માટે જ્યારે મેજર શર્માએ ઝાડીઓને કાપવાનું શરૂ કર્યું ત્યારે આતંકવાદીઓએ ગોળી ચલાવાનું શરૂ કરી દીધું. એક ગોળી તેમના માથા પર લાગી અને તેઓ શહીદ થઇ ગયા.

શહીદ કેતન શર્માનો નશ્વર દેહ મંગળવારના રોજ દિલ્હી પહોંચશે, જ્યાં રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તેમના નશ્વર દેહને મેરઠ લઇ જવાશે. મેરઠ કેન્ટ વિસ્તારમાં છે, એવામાં સેનાના વરિષ્ઠ અધિકારી અને ઓફિસર પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકે છે.

શહીદ મેજર ખૂબ જ હસમુખા હતા

શહીદ મેજર શર્માને ઓળખનારા કહે છે કે તેઓ ખૂબ જ જિંદાદિલ અને હસમુખા વ્યક્તિ હતા. આતંકવાદ પ્રભાવિત જમ્મુ-કાશ્મીરમાં ડ્યુટી હોવા છતાંય તેઓ પોતે પણ હંમેશા હસતા રહેતા અને બીજાને પણ હસાવતા રહેતા હતા. તેમના ચહેરા પર કયારેય તણાવ રહેતો નહોતો.

પરિવારમાં છે ચાર વર્ષની દીકરી, પત્ની અને માતા-પિતા

મેજર કેતન શર્મા 2012ની સાલમાં સેનામાં સામેલ થયા હતા. મેજર શર્માના પરિવારમાં ચાર વર્ષની દીકરી કૈરા અને પત્ની ઇરા શર્મા છે. હજુ તો તેઓ 27મીમેના રોજ રજા પરથી કાશ્મીર પાછા આવ્યા હતા. પરિવારને વચન આપ્યું હતું કે તેઓ જલ્દીથી પાછા ઘરે આવશે, પરંતુ એ શક્ય થઇ શક્યું નહીં. કેતન શર્માને યાદ કરતાં તેમના મિત્ર મેજર આદિત્ય મલિકે કહ્યું હતું કે થોડાંક દિવસ પહેલાં જ કેતનની દીકરીનો બર્થડે મનાવ્યો હતો. તેમાં અમે બધાએ ખૂબ એન્જોય કર્યું હતું.

પાંચ વર્ષ પહેલાં થયા હતા લગ્ન

કેતન શર્માના પાંચ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. તેમના પરિવારમાં માતા-પિતા પણ છે. હજુ તો દીકરીને પિતા શહીદ થયાની વાત કરી નથી. 2012મા જ તેઓ IMA દેહરાદૂનથી સેનામાં લેફ્ટિનન્ટ બન્યા હતા, ત્યારબાદ તેમનું પહેલું પોસ્ટિંગ પૂણેમાં હતું. બે વર્ષ પહેલાં જ તેમને અનંતનાગ મોકલાયા હતા.

સોમવારના રોજ અનંતનાગના એકિંગમમાં આતંકીઓ છુપાયાના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. બંને તરફથી ફાયરિંગ થયું તેમાં મેજર કેતન શર્મા શહીદ થઇ ગયા. પરિવારે શહાદતના સમાચાર સાંભળતા જ ગમગીન થઇ ગયા હતા.

યોગી સરકારની જાહેરાત

યોગી સરકારે તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાયતા, એક સરકારી નોકરી અને મેરઠમાં એક રસ્તાનું નામ કેતન શર્માની ઉપર કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત અથડામણ ચાલી રહી છે. મંગળવારના રોજ કેતન શર્મા શહીદ થયા હતા. તેના થોડાંક દિવસ પહેલાં જ અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. તો સુરક્ષાબળો પણ આતંકીઓને સતત મોતના ઘાટ ઉતારી રહી છે. જૂન સુધીમાં અંદાજે 100 આંતકીઓનો ખાત્મ કરી દીધો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો