લંડનની લેડી બની ગામડાની ગોરી : લાખોની નોકરીને લાત મારી ગુજરાતના ગામમાં રહેવા આવ્યું કપલ, પતિ કરે છે ખેતી, પત્ની ચુલા પર બનાવે છે રસોઈ

સામાન્ય રીતે ઉચ્ચ અભ્યાસ કરીને કે પછી પ્રોફેશનલ કોર્સ કરીને અનેક યુવાનો વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય છે અથવા તો વિદેશમાં સ્થાયી થવા માગતા હોય છે. પરંતુ પોરંબદરનું એક દંપતી વિદેશની સારી અને હાઈ-ફાઈ લાઈફ છોડીને પોતાના વતન પરત ફર્યું છે. જ્યાં કુદરતી વાતાવરણની વચ્ચે ખેતીકામ કરે છે અને પોતાની યુ-ટ્યૂબ ચેનલ થકી ખેતીકામ અને પોતાના સમાજની જરૂરી માહિતી લોકોને આપી રહ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ પોરબંદરના બેરણ ગામના મહેર દંપતીની.

2010માં ઇંગ્લેન્ડ ગયુ હતું દંપતી

બેરણ ગામના રહેવાસી રામદે ખુંટીએ 2009માં ભારતીબેન સાથે લગ્ન કર્યા હતા અને 2010માં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. ભારતીબેને પોરબંદરમાં 12 સાયન્સ પૂર્ણ કર્યા બાદ રાજકોટ ખાતે એરપોર્ટ મેનેજમેન્ટ એન્ડ એર હોસ્ટેસનો બે વર્ષનો કોર્સ કર્યો હતો. 12 ધોરણ ફેઇલ રામદે ખુંટી ઇંગ્લેન્ડમાં ઇન્ટરનેશનલ ટુરિઝમ મેનેજમેન્ટમાં જોડાયા જ્યારે તેમના પત્ની હીથ્રો એરપોર્ટમાં બ્રિટિશ એરવેઝમાં એર હોસ્ટેસનો કોર્સ કરવા લાગ્યા હતા અને હાઈ-ફાઈ લાઈફ જીવી રહ્યાં હતા.

માતા-પિતાની સારવાર માટે લાખોની નોકરી છોડી વતન આવ્યા

વાતચીતમાં રામદેભાઈએ જણાવ્યું કે પિતાની ઉંમર થઇ ગઇ હતી અને મારા સિવાય કોઇ ન હતું. માતા-પિતાની સારવાર માટે વિદેશની લાખોની નોકરી છોડીને તેઓ વતન બેરણ પાછા ફર્યા હતા. રામદે ખુંટી ખેતીકામના વ્યવસાયથી જાણીતા હતા પરંતુ તેમના પત્ની ભારતીબેન આ તમામ બાબતોથી અજાણ હતાં. જોકે તેમને ખેતીકામ અને પશુપાલનના વ્યવસાય અંગે જાણવામાં અને શીખવામાં વાર ન લાગી. આજે ભારતીબેન દિવસમાં બે વખત છ ભેંસોને દોહવાનું કામ કરે છે. ખેતીકામમાં પતિને મદદ કરે છે અને નવરાશના સમયમાં ઘોડેસવારીનો શોખ પણ પૂરો કરે છે.

તેમનું કહેવું છે કે ત્યાંની દોડધામવાળી જીંદગી જીવવી તેના કરતા કુદરતી વાતાવરણમાં અને સાદો ખોરાક ખાઈને ગામડાંમાં જીવન જીવવું વધુ સારૂ છે. આ દંપતી ગાય અને ભેંસોનું ચોખ્ખું દૂધ , ઘી તેમજ તાજા શાકભાજી અને ફળો ખાઈને શાંતિનું જીવન જીવે છે.

શોખ માટે શરૂ કરેલી યુ-ટ્યૂબ ચેનલે ભારતીબેનને પ્રસિદ્ધિ અપાવી

વતન પરત ફર્યા બાદ ભારતીબેને યુ-ટ્યૂબમાં પોતાની એક ચેનલ શરૂ કરી લાઈવ વિલેજ વિથ ઓમ એન્ડ ફેમીલી. જેમાં તેઓ ગામડાની રૂટિન લાઈફ અંગેના વીડિયો બનાવીને શેર કરવા લાગ્યા, પોતાની રૂટિન લાઈફના, ખેતીકામ કરતા, ભેંસને દોહતા હોય તેવા, ઘાસચારો કઇ રીતે નાંખવો તેવા વીડિયો અપલોડ કરતા ગયા. આ વીડિયો થકી તેઓ ખેતીકામ અને પશુપાલન કેવી રીતે કરવું તેની માહિતી આપવા લાગ્યા. આ ઉપરાંત તેઓ મહેર સમાજની સંસ્કૃતિની ઝલક, પહેરવેશ, સંસ્કૃતિ અનુસાર લગ્નના રીતિરિવાજો, ગામડાંની પરંપરાઓ અને રૂઢિઓ, ગામડાંનું જીવન કેવું હોય છે તે અંગેના વીડિયો પણ ભારતીબેન અપલોડ કરી રહ્યાં છે. જેને ઘણા જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. તેમની ચેનલને 94 હજાર જેટલા સબસ્ક્રાઈબર છે અને 14 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે.

 

ઇંગ્લેન્ડ છોડી દંપતી પોરબંદરમાં થયું સ્થાયી, પત્ની ભેંસો દોહે અને પતિ કરે છે ખેતી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો