રાજકોટના લીલી સાજડિયાળીના યુવાને પોલીસ ભરતીની દોડની પરીક્ષામાં નાપાસ થતાં ઝેરી દવા પી આપઘાત કર્યો, પરિવારમાં આઘાત
રાજકોટના સરધાર નજીક લીલી સાજડિયાળી ગામમાં 26 વર્ષના યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ પૂરી ન કરી શકતાં નિરાશ થઇ જતાં ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ યુવાને દોડની પરીક્ષામાં નાપાસ થતાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું છે. યુવાનના આપઘાતથી પરિવાર પણ આઘાતમાં ગરકાવ થયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના સરધાર નજીક લીલી સાજડિયાળી ગામે રહેતા નિકુંજ ધીરજલાલ મકવાણા (ઉં.વ.26)એ ગઇકાલે ઝેરી દવા પી લેતાં 108ના અરવિંદભાઇ અને સંજયભાઇએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો, પરંતુ થોડા કલાકોની સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના ASI કે.વી. ગામેતી અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ આપઘાત કરનાર નિકુંજ ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા લુહારીકામ કરે છે. નિકુંજ પોલીસમાં ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરતો હતો અને ફોર્મ પણ ભર્યું હતું. આ ભરતી માટેની દોડ યોજાઇ હતી, જેમાં તે નાપાસ થયો હતો. દોડ પૂરી કરી શક્યો ન હોવાથી તે સતત ચિંતામાં રહેતો હતો. આ કારણોસર ગઇકાલે તેણે ઝેરી દવા પી લીધાનું બહાર આવ્યું હતું. આશાસ્પદ દીકરાના આ પગલાથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
3 દિવસ પહેલાં રાજકોટમાં નિવૃત્ત SRPના પુત્રએ આપઘાત કર્યો હતો
ત્રણ દિવસ પહેલાં રાજકોટના ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચૂડાસમા તથા માતા-બહેન સાથે ટીવી જોતા હતા. રાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારજનો સૂવા માટે ઉપરના રૂમમાં જતાં પહેલાં યુવરાજસિંહને પૂછતાં ‘તમે જાઓ, હું ટીવી જોઇને આવું છું’ એમ કહેતાં તેઓ ઉપરના રૂમમાં ગયાં હતાં. બાદમાં યુવરાજસિંહે પિતાની જ શોટગનમાંથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. પુત્ર સૂવા ન આવતાં પિતા તેને બોલાવવા માટે નીચે ઊતરતાં યુવરાજસિંહ સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જોવા મળતાં પિતાએ દેકારો મચાવતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..