કચ્છ: લેવા પટેલ સમાજ આવાસ યોજનામાં પ્રથમ તબક્કે માનકૂવા ખાતે 89 બંગલા બંધાશે
બિનનિવાસી બાહુલ્યવાળી ચોવીસીમાં વિદેશવાસી સમૃદ્ધ વર્ગની લેવાલીના કારણે આસમાન અડતા પ્લોટના ભાવ હોવાથી મધ્યમ-ગરીબ યુવાનો આયખું ખર્ચી નાખે તો પણ ઘરના ઘરનું સ્વપ્ન તો ઠીક પ્લોટ પણ લઈ શકતા નથી. આવા સમૂહ માટે કચ્છી લેવા પટેલ સમાજ ભુજે અમલમાં મૂકેલી આવાસીય યોજનાના પ્રથમ તબક્કે 89 બંગલા માનકૂવા ખાતે બંધાશે, તેવું જ્ઞાતિ બેઠકમાં નક્કી કરાયું હતું.
બ્રિટનવાસી નારાણભાઈ નાનજી હીરાણીએ માનકૂવા ગામથી પશ્ચિમમાં ભુજ-નખત્રાણા રોડ ટચ અતિ કિંમતી પોણા ત્રણ એકર કૃષિ ભૂમિ ભુજ લેવા પટેલ સમાજને અર્પણ કરી હતી. સમાજે નક્કી કર્યું આ જમીન પર બંગલા બનાવી ઘરવિહોણા જ્ઞાતિજનોને પડતર ભાવે આપવામાં આવે, ગત ડિસેમ્બર મહોત્સવમાં જાહેર કરાયા મુજબ સમગ્ર આયોજન સમજાવવા માનકૂવા ખાતે બેઠકમાં વિવિધ વિકાસકાર્યોના ક્રાંતપુરુષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ વિગતો આપી હતી. તેમણે કહ્યું, 100 ચો. વાર જમીન પર ત્રણ બેડરૂમ, કિચનનું સંકુલ ગાર્ડન એરિયા સાથે બનાવાશે.
આવા 89 મકાન એક બાઉન્ડ્રી, ખુલ્લા મેદાનો રખાશે. ભુજની વખણાતી કોલોનીઓ જેવા વિકાસનું તેમણે વચન આપ્યું હતું. તેમણે જ્ઞાતિજનો શારીરિક શ્રમદાન કરે તેવી અપીલ કરતાં ચોવીસીના ગામોગામ આવી યોજનાઓ ભૂમિદાન મળતાં જ શરૂ કરવાની ખાતરી આપી હતી. એજ્યુકેશન મેડિ. ટ્રસ્ટ મંત્રી કેશરાભાઈ પિંડોરિયાએ સમાજે શરૂ કરેલા નૂતન પ્રકલ્પોની વિગત આપી હતી. એજ્યુકેશન મેડિ. ટ્રસ્ટ મંત્રી કેશરાભાઈ પિંડોરિયાએ સમાજે શરૂ કરેલા નૂતન પ્રકલ્પોની વિગત આપી હતી. આવકાર લેવા પટેલ યુવક સંઘના ટ્રસ્ટી હરીશભાઈ ભંડેરીએ, આભાર દર્શન માનકૂવા સમાજ પ્રમુખ ખીમજીભાઈ પિંડોરિયાએ કર્યું હતું.
આ બેઠકમાં લાલજીભાઈ ગોરસિયા, સરપંચ મનીષાબેન હીરાણી, હરજીભાઈ લાલજી હીરાણી, અગ્રણી ભીમજી જોધાણી, કરશન નાનજી દબાસિયા, ભુજ મંદિરના ટ્રસ્ટી રામજીભાઈ દબાસિયા, લક્ષ્મણભાઈ સિયાણી, બિંદુભાઈ હીરાણી, કુરજીભાઈ સિયાણી, લક્ષ્મણભાઈ વરસાણી સહિતના વિવિધ સંસ્થાના જાગૃત આગેવાનોએ ભાગ લીધો હતો. ભુજ સમાજના ઉપપ્રમુખ કે.કે. હીરાણી, મંત્રી રામજી સેંઘાણી, યુવક સંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરિયા, મંત્રી વસંત પટેલે હાજર રહી આવાસ યોજનાને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. સમાજની ત્રણેય પાંખોએ બહાલ રાખેલી આ યોજનાએ ભારે આવકાર પ્રાપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ્ઞાતિની મોમ્બાસા, નાઈરોબી ખાતે મોટી આવાસીય યોજનાઓ સફળતાપૂર્વક ચાલે છે, તેના કારણે મકાન બનાવવાની તાણ-બોજો ઓછો થતાં ધંધામાં પ્રગતિ તેજ બની છે.