આ છે ગુજરાતનું મોડેલ LED ગામ: મોટા શહેરોની સુવિધાઓ પડે ‘ઝાંખી’
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. ત્યારે તેઓએ તમામ ગામડાઓને ઓપ્ટીકલ કેબલથી જોડીને ઇન્ટરનેટ સુવિધા ધરાવતા ગામડાઓ બનાવવાની જાહેરાત કરી છે. જો કે ગુજરાતનાં માણસા તાલુકાનું અમરપુરા ગામે વડાપ્રધાનની આ કલ્પના સાકાર કરી છે. વડાપ્રધાને એલઈડી લાઈટ વાપરવા માટે લોકોને અપીલ કરી છે, સાથે તેનાં માટે સરકારી યોજનાઓ પણ બનાવી છે. પણ આ ગામ તો પહેલાથી જ ગુજરાતનાં એલઈડી મોડેલ ગામ તરીકે તરી આવ્યું છે. આ ગામમાં સો ટકા સ્ટ્રીટ લાઇટો એલઇડી સાથે દરેક ઘરોમાં પણ એલઇડી લાઇટો લગાવેલી જોવા મળે છે. અમરપુરા ગામ પોતાની સુવિધાઓથી નેશનલ કક્ષાએ ચમકી રહ્યું છે. અમરાપુરાની સુવિધાઓ એટલી છે કે મોટા શહેરો પણ તેની પાસે ઝાખપ અનુભવે.
ગામડાઓથી દશા સુધારવા માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. સાંસદા અને ધારાસભ્યોને પણ ગામડાની સુવિધાઓ વધારવા માટે દત્તક લેવાનું કહેવાયું છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ પંચાયતોને લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે ગ્રાન્ટ કામ શરૂ થયા પહેલા પૂરી થઈ જતી હોય છે. પણ આ ગામ આ બધાથી જરા ‘હટકે’ છે. ગામનાં જાગૃત સરપંચ રઈબેન અને ગ્રામજનોના સહયોગથી અનેક સુવિધાઓથી સજ્જ થયું છે. જેવી સુવિધાઓ મોટા શહેરોમાં પણ ઉપલબ્ધ થતા વર્ષો લાગી જાય અને તો પણ કંઈક ખુટી પડે.
વાઈફાઈ, સીસીટીવી કેમેરા તથા સોલાર લાઇટો અને આરઓ પાણીની સુવિધાઓથી સજજ આ ગામ પાછળ ગ્રામજનો, સરપંચ તથા ગ્રામ પંચાયતનાં જાગૃત સભ્યોનું મહત્વનું યોગદાન છે. અમરપુરા ગામની ખ્યાતી ગુજરાતભરમાં ફેલાતા શૈક્ષણીક પ્રવાસીઓ માટે અભ્યાસ માટે મોડેલ ગામ બન્યુ છે. જુદા જુદા જિલ્લાનાં કોલેજીયનો અભ્યાસાર્થે ઉમટી રહ્યા છે. ગ્રામજનો દ્વારા પણ મુલાકાતે આવતા વિદ્યાર્થીઓનું ભાવભર્યુ સ્વાગત કરીને જરૂરી માર્ગદર્શને આપી રહ્યા છે.
આ છે ગામની વિશેષતાઓ
– વાઇ-ફાઇની સુવિધા
– સોલાર સ્ટ્રીટ લાઇટો
– ગામ સીસીટીવી કેમેરા
– કચરા નિકાલની ડમ્પીંગ વ્યવસ્થા
– પીવાનાં પાણી માટે આરઓ પ્લાન્ટ
– 100 ટકા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા
– સુંદર આંગણવાડીઓ
– 100 ટકા ગટર લાઇન વ્યવસ્થા
– ગ્રામ્ય લાઇબ્રેરી
– 11 સખી મંડળો
– બેન્કીગ સુવિધા
– કોમ્યુનીટી હોલ તથા ઇ-ગ્રામ
પાણી પુરવઠા માટે મહિલા સમિતિની રચનાં
વાસ્મોની સહયોગથી ગામનાં દરેક ઘરો સુધી પાણી પહોચે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. રોજે રોજ પુરતુ પાણી મળે તે માટે ગ્રામ પંચાયત પણ ધ્યાન આપે છે. તદુંપરાંત પાણીને લગતી કોઇ સમસ્યા ન સર્જાય તે માટે ખાસ મહિલા સમિતિ રચવામાં આવી છે. જે સમયાંતરે પોતાને સોપેલા વિસ્તારની મુલાકાત લઇને લોકોની રજુઆતો સાંભળે છે. સાથો સાથ 12 જેટલા સખી મંડળો પણ ગામમાં કાર્યરત છે.
સ્વચ્છતા માટે દરેક ઘરે કચરા પેટી મુકાઇ
અમરપુરાનાં સરપંચ શંકરભાઇનાં જણાવ્યાનુંસાર અમરપુરામાં ગમે ત્યારે આવે ગામમાં કયારેય ગંદકી નહી જોવા મળે. ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનાં સહકારથી દરેક ઘરમાં કચરા પેટી રાખવામાં આવી છે. આટલુ જ નહી પરંતુ ડોર ટુ ડોર કચરાનાં કલેકશનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેનાં કારણે ગામમાં કાયમી સ્વસ્છતા જળવાઇ રહે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે ત્યારે અન્ય ગામનાં આગેવાનો પણ સફાઇ બાબતે અમરપુરાની મુલાકાત લઇ રહ્યા છે.
સરકાર દ્વારા ગામને અનેક એવોર્ડથી પુરસ્કૃત કરાયું
અમરપુરાનાં ગ્રામજનોનાં સહીયારા પ્રયાસથી ગામે નિર્મળ ગામ, પાવન ગામ, તિર્થ ગામ, સ્વર્ણિમ ગામ, જયોતી ગ્રામ, શ્રેષ્ઠ ગામ પંચાયત, શ્રેષ્ઠ ગામ સભા તથા વાસ્મો પાણી સમિતિ સહિતનાં પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.
સીસીટીવી કેમેરાની મદદથી શેરીઓનું મોનીટરીંગ
ગાંધીનગર જિલ્લાનાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાનું જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતા ઘણા લોકો સીસીટીવી કેમેરા લગાવવા તૈયાર નથી. ત્યારે અમરપુરા ગ્રામ પંચાયત દ્વારા બે વર્ષ પહેલા જ ગામમાં 24 જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. ગામનાં દરેક મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરાની નજર રહે છે. જેથી ગામની સુરક્ષા જળવાઇ રહેવાની સાથે સાથે જાહેરમાં કોઇ કચરો ફેંકીને ગંદકી કરે તો પણ કેમેરા દ્વારા પકડાઇ જાય છે.
ગ્રીન અમરપુરા ગામની પોતાની વેબસાઇટ
અમરપુરા ગામ દ્વારા greenamarpura.com નામની વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. જેમાં ગામમાં થતા કાર્યક્રમો, ઉત્સવોની વિગતો ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા થતી જાહેરાતો મુકવામાં આવે છે. સાથે સાથે લોકોનાં પ્રતિભાવો જાણવા માટે ખાસ ફિડબેક બોક્ષ પણ બનાવીને સુચનો જાણવામાં આવે છે.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો