પાણીપુરીના રસિયાઓ થઈ જાવ સાવધાન! આ ફોટાઓ જોઇને સો ટકા પાણીપુરી ખાવાની છોડી દેશો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક પાણીપુરી વાળાના ફોટોઝ વાયરલ થયા છે જે જોઈને તમે જીવનમાં ક્યારેય બહાર પાણીપુરી ખાવાનું મન નહિ થાય. નારણપુરાના લક્ષ્મી પાણીપુરીવાળાએ ગંદકીથી ખદબદતા શૌચાલય બહાર પાણીપુરી રાખી હતી.

નારણપુરાના અર્જુન ગ્રીન્સના રહેવાસીઓ રવિવારે જ્યારે પાણીપુરીની શોપમાં પ્રવેશ્યા ત્યારે નજારો જોઈને હલી ગયા હતા. સોસાયટીના રહેવાસીઓ અને લક્ષ્મી પાણીપુરી સેન્ટરના માલિક રાજુ પાણીપુરીવાલા વચ્ચે પાર્કિંગમાં સ્વચ્છતાને લઈને ઝઘડો રોજનો થઈ ગયો હતો. જ્યારે રહેવાસીઓએ ચોખ્ખાઈ અંગે ફરિયાદ કરવા શોપની મુલાકાત લીધી ત્યારે ગંદા ટોઈલેટમાં કમોડની બાજુમાં પાણીપુરીના પેકેટ જોઈને તે આઘાત પામી ગયા હતા. તેમણે આ ટોઈલેટના ફોટો પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.

આઘાત પામેલા રહેવાસીઓએ દુકાનની ગંદકીના તો ફોટોઝ પાડ્યા જ પણ સાથે સાથે પાણીપુરીવાળાની દુકાનમાં તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિનો ક્યાસ કાઢીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ સ્પોટ પર પહોંચી ગઈ હતી. આ દુકાનના માલિક રાજુ પાણીપુરીવાલાએ જણાવ્યું, “હું ઈજાને કારણે શહેરની બહાર છું. મને ખબર પડી છે કે રહેવાસીઓએ મારી દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી છે. હું અમદાવાદ આવીને જાતે પરીક્ષણ કરુ પછી જ કંઈ કહી શકીશ. સ્વચ્છતાની વાત છે તો મેં હંમેશા મારી દુકાનમાં ચોખ્ખાઈ જાળવી છે જેથી મારા ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમ ન આવે.”

AMCના ડેપ્યુટી હેલ્થ ઑફિસર ભાવિન જોશીએ જણાવ્યું કે આ ફોટોઝ વાયરલ થતા AMCએ તાત્કાલિક પગલા ભર્યા હતા. તેમણે કહ્યું, “અમે તેની નોંધ લઈને તાત્કાલિક એક ટીમને સ્પોટ પર મોકલી હતી. દુકાનદારને અમે નોટિસ ફટકારી છે અને તે હવે અમારી પરવાનગી વિના દુકાન ચલાવી નહિ શકે.” AMCના ફૂડ ઈન્સ્પેક્ટર રાકેશ ગામીતે જણાવ્યું, “દુકાનનો માલિક અહીં નથી એટલે અમે તેને નોટિસ આપી છે. અમે તેનો સંપર્ક કર્યો છે અને એકવાર તે અમદાવાદ આવે એટલે અમે પ્રીમાઈસિસ ચેક કરીશું.”

અર્જુન ગ્રીન્સના ચેરમેન દિલીપ પ્રજાપતિ જણાવે છે, “અમારે દુકાનદાર સાથે સ્વચ્છતા મુદ્દે હંમેશા ઘર્ષણ થતું હતું. ગંદકીને કારણે મચ્છર વધી ગયા હતા. તેણે ફૂટપાથ પર પણ સ્ટોલ લગાવી પગપેસારો કરી દીધો હતો. AMCને અનેક ફરિયાદ કરવા છતાંય તેની સામે કોઈ પગલા ભરાયા નહતા.” પ્રજાપતિએ જણાવ્યું કે દુકાનમાંથી ખૂબ જ વાસ આવતી હોવાથી રહેવાસીઓએ ભેગા મળીને દુકાનની મુલાકાત લીધી હતી. તેમને જોવા મળ્યું કે ફૂડ આઈટમ ટોઈલેટમાં પડી હતી. નામ ન આપવાની શરતે આ બધું નજરે જોનારી એક વ્યક્તિએ જણાવ્યું કે પાણીપુરીવાળો દુકાનમાં જરાય ચોખ્ખાઈ જાળવતો નહતો.

માલિકની ગેરહાજરીમાં દુકાન ચલાવતા દલવીર યાદવે જણાવ્યું કે, “અમારો ધંધો સારો ચાલતો હોવાથી રહેવાસીઓએ સાથે મળીને અમારી સાથે રમત કરી છે. તેમણે દુકાનમાં તોડફોડ કરવા ઉપરાંત મારી સાથે પણ મારપીટ કરી હતી.”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો