સંબંધો સાચવો, પૈસા વાપરો- લવજીભાઈ ડાલિયા
સુરત શહેરમાં તમે કોઈને લવજીભાઈ ડાલિયા વિશે પૂછશો તો કોઈ માથું ખંજવાળે. ભૈ, આ કોણ? આને કયાં ગોતવો? ઍના કરતાં તમે લવજી બાદશાહ બોલો, ઍટલે તરત તમને સીધા ઍમને ઠેકાણે પહોંચાડાશે. તો હા, લવજીભાઈ આમ તો બિઝનેસમેન છે શહેરના જાણીતા અવધ ગ્રુપના સંસ્થાપક છે પણ ઍમની વધુ ઓળખ સામાજિક સેવા કરનાર, દાનવીર તરીકેની છે. ‘બેટી બચાવો’ અભિયાનના મુખ્ય દાતા તેઓ છે. સાથે સમાજનું ઍકેય ક્ષેત્ર ઍવું બાકી નહીં હોય, જેમાં લવજીભાઈનો ફાળો ન હોય. આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય, જનજાગૃતિ, સ્વચ્છતા અભિયાન, આપત્તિસહાય… જેવી અનેકવિધ પ્રવૃત્તિઅો સાથે દાતા, પુરસ્કર્તા, પ્રોત્સાહક તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જાડાયેલા છે.
‘બાદશાહ’ના હુલામણા નામે જાણીતા થયેલા લવજીભાઈ માને છે કે જીવન બે વસ્તુ સાથે સંકળાયેલું છે. ધન ઍટલે કે પૈસો, નાણું અને સંબંધ જે લોહીનો સંબંધ હોય કે માનવતાનો સંબંધ હોય. આ બંને ઍટલે કે નાણાં અને સંબંધને સાચવવા બહુ જરૂરી છે. પૈસો તો વાપરવાનો હોય ને સંબંધ સાચવવાનો હોય. સંબંધ સાચવશો, તો તમારું બધું સચવાઇ જશે. ને કદાચ ઍવું ય બને કે, સંબંધ સાચવવા માટે માફી માંગવી પડે તો સાચા દિલથી સામાવાળાની માફી માંગી લેવાની. કેમ કે, તમે અનેકોના સંપર્કમાં આવો પછી કયારેક ઍવું બનેય ખરું કે કદાચ કોઈ ભૂલ થઈ જાય. હા, કામ કરતાં કરતાં ભૂલ થઈ જાય તો સામાવાળાની માફી માંગી લેવી. કેમ કે, નમે ઍ તો બધાને ગમે. લવજીભાઇનો આ સ્વભાવ છે ને આ સ્વભાવને કારણે તેઓ આ સ્થાને પહોંચ્યા છે.
૧૯૭૨માં જન્મેલા લવજીભાઈ મૂળ ભાવનગરના પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામના. અહીં ગામમાં જ તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું ને માત્ર તેર વર્ષની ઉંમરે જીવનમાં કંઇક કરવા માટે, આગળ વધવા માટે તેમણે સુરત શહેરની વાટ પકડી. પહેલી વાર શહેર કોને કહેવાય તે ત્યારે તેમણે જાયું. અજાણ્યા શહેરમાં આશરો મેળવ્યો અને કપરા સંઘર્ષની શરૂઆત કરી. સંઘર્ષના દિવસો દરમ્યાન રત્નકલાકાર તરીકે કામ કર્યું. ધીમે ધીમે તેમની ગાડી પાટે ચઢી રહી હતી. ત્યાં થોડા સેટ બેક આવ્યા. થોડું નુકસાન પણ સહન કર્યું. ’૯૪ પહેલાં તેમણે ઘણી ચડતીપડતી જાઈ. ’૯૪માં કૈલાસબેન સાથે પ્રભુતામાં પગલાં પાડયાં પછી તેઅો ધીમે ધીમે સ્થાયી થતા ગયા. ’૯૪ પછી ટેક્ષટાઈલ ક્ષેત્રે, કન્સ્ટ્રકશન ક્ષેત્રે આગળ વધ્યા. જેમાં ‘અવધ ગ્રુપ’નો પ્રારંભ કર્યો. શહેરમાં તેમની અવધ ઉટોપિયા કલબ સૌથી જાણીતી છે. આ કલબનો કન્સેપ્ટ સાવ અનોખો છે ઍટલે આજના યંગસ્ટર્સને તે વધુ આકર્ષે છે.
‘બેટી બચાવો અભિયાન’ તેમણે કેમ શરૂ કર્યું, તે જાણીઍ. તેમણે જાયું કે સમાજમાં દીકરા-દીકરીઓ વચ્ચે ભેદ છે. લોકો દીકરીઓ ઈચ્છતા નથી. ઍટલે વિજ્ઞાનનો દુરુપયોગ કરી કુદરતી વ્યવસ્થામાં ખલેલ પહોંચાડે છે જેનાં માઠાં ફળ સમાજને જ મળ્યાં. આ માટે તેમણે પાટીદાર સમાજના અગ્રણી મથુરભાઈ સવાણી સાથે મળીને મહાલાડુ કાર્યક્રમ યોજયો હતો. પણ ધાર્યું પરિણામ નહીં મળ્યું. વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતમાં જન્મેલી ૧૦,૦૦૦ પાટીદાર દીકરીઅો માટે રૂ.૨૦૦ કરોડની ‘બાદશાહ સુકન્યા બોન્ડ યોજના’ જાહેર કરી. જેમને ઍકથી વધુ દીકરી હોય તે માતાપિતાને આ બોન્ડ અપાયા છે. આ બોન્ડ થકી સમાજમાં જાગૃતિ આવશે, ઍવો ઍમને વિશ્વાસ છે. આ ઉપરાંત, પાણી બચાવો, પર્યાવરણ બચાવવાની વાત હોય કે સ્વચ્છ ભારત મિશનની વાત હોય… કયાંય પણ જરૂર પડી ત્યાં લવજીભાઈનો સાથ મળ્યો છે. તેમણે સમાજમાં ચાલતા કુરિવાજા દૂર કરવાના પ્રયત્નો પણ કર્યા છે. તેમણે સતત તેમની આવકનો નિડ્ઢિત હિસ્સો સમાજ સેવા અર્થે ફાળવવાનું નક્કી કર્યું છે. તેમણે ‘માતુશ્રી કંકુબા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશન હેઠળ મેડિકલ, શૈક્ષણિક, સામાજિક, આર્થિક ક્ષેત્રે સહાય કરવામાં આવે છે. લવજીભાઈ આ ટોચે પહોંચ્યા છે, તે પાછળ તેમની અથાગ મહેનત તો ખરી જ. દંતાલીવાળા સ્વામીશ્રી સચ્ચિદનંદજીને તેઓ પ્રેરણામૂર્તિ માને છે, લવજીભાઈ તેમના સ્વભાવ, તેમના આર્થિક વ્યવહાર થકી બાદશાહ નામે જાણીતા થયા. તેઓ માને છે કે, આપણી પાસે કશું હોતું નથી છતાંય આપણે ઘણું આપી શકીઍ છીઍ.