વ્યક્તિ બહાર શું ખાશે એ નક્કી કરવાનો હક કોર્પોરેશનને કોણે આપ્યો? પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી લોકોને હેરાન કરે એ ચલાવી નહી લેવાય: હાઈકોર્ટ
અમદાવાદ સહિતનાં મહાનગરોમાં લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા તેમજ ગલ્લાધારકોનો ધંધો બંધ કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ પૂછ્યો હતો કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે શું ખાશે એ હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશરનને કોણે આવો અધિકાર આપ્યો? અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં, એની સાથે જ પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી લોકોને પરેશાન કરે એ ચલાવી નહી લેવાય. આ મામલે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ ઇસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા માટે હુકમ કર્યો છે.
નડતરરૂપ દબાણને હટાવવા કામગીરી થઈ રહી છેઃ કોર્પોરેશન
હાઈકોર્ટે લારી ગલ્લા ધારકોની અરજીની સુનાવણી દરમિયાન કોર્પોરેશનના વકીલને હાજર થવા આદેશ કર્યો હતો. કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ કોર્ટના વકીલ હાજર થયાં હતાં. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે માત્ર ઈંડા કે નોનવેજની લારીઓ હટાવવાનો કોર્પોરેશનનો કોઈ હેતુ નથી. માત્ર ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. માત્ર રસ્તા પર દબાણ કરતા હોય અને ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારી-ગલ્લા હટાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી થઈ રહી છે.
ગલ્લા ધારકોની લારી છોડી દેવા હાઈકોર્ટનો નિર્દેશ
હાઈકોર્ટે ટકોર કરી હતી કે, દબાણ હટાવવાના નામે ઈંડા અને નોનવેજની લારીઓને ટાર્ગેટ ન બનાવવામાં આવે. હાઈકોર્ટે કોર્પોરેશનને સૂચના આપી કે લારી ગલ્લા વાળાઓ 24 કલાકમાં અરજી કર્યા બાદ તેમની લારી કે જે પણ સામગ્રી કોર્પોરેશનના કબ્જામાં છે તેને છોડી દેવામાં આવે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને એ પણ સવાલ પૂછ્યો કે ઇંડા વેજ ગણાય કે નોનવેજ ગણાય?તે મામલે અરજદારના વકીલ રોનીત જોયે કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઈંડાને વેજિટેરિયનમાં ગણવામાં આવે છે.
હાઈકોર્ટે આકરા શબ્દોમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી
અગાઉ જસ્ટિટ બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલ સુનાવણીમાં ઈંડા અને નોનવેજની લારીઓને દબાણના નામે ઉપાડી લેવાના કોર્પોરેશનના પગલાંને લઈને હાઈકોર્ટે આકરા શબ્દોમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને આકરા શબ્દોમાં સવાલ પૂછ્યો છે કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે તે શું ખાશે એ શું હવે કોર્પોરેશન નક્કી કરશે? હમ્યુનિસિપલ કમિશનરને કોણે આવો અધિકાર આપ્યો ? કોર્ટ અવલોકન કર્યું છે કે વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં, સાથે જ પ્રશાસન મરજીથી વર્તીને લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય.
30 દિવસની નોટિસ આપ્યા બાદ દૂર કરી શકાય
ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોએ કરેલી અરજીમાં અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી-ગલ્લાવાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડર એકટ 2014 પ્રમાણે, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, એ યોગ્ય નથી. સ્ટ્રીટ વેન્ડર્સ એકટ 2014ની કલમ-3 પ્રમાણે તમામ લારી-ગલ્લા અને પાથરણાધારકોનો સર્વે થવો જરૂરી છે, એ બાદ જ ધારાધોરણ પ્રમાણે 30 દિવસની નોટિસ આપ્યા બાદ જ એને દૂર કરી શકાય છે.
સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું યોગ્ય પાલન કરાવવા માગ
એ ઉપરાંત કોર્પોરેશન BPMC એકટ હેઠળ લારી-ગલ્લા અને પાથરણાવાળા સામે કાર્યવાહી કરવાનો દાવો તો કરે છે, પરંતુ 2014 સ્ટ્રીટ વેન્ડર એકટની કલમો આ વિષયને લાગતા બધા કાયદામાં સર્વોચ્ચ છે, જેથી અરજદાર તરફથી એવી માગ કરવામાં આવી છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું રાજ્યમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે, સાથે જ કોર્પોરેશન મારફત લારી-ગલ્લાધારકોનો સામાન જપ્ત કરવાનો કોઈ અધિકાર નથી.
આ અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો દિવસ દરમિયાન જાહેરમાં કોઈ પશુ અથવા પક્ષીને કાપીને મારી નાખવામાં આવે તો અન્ય લોકો માટે વાંધાજનક હોઈ શકે છે, પરંતુ જાહેરમાં એનું વેચાણ કે એને આરોગવામાં વાંધો ન હોઈ શકે, એ વ્યક્તિ પસંદગીની બાબત છે. અરજદારના વકીલની એ પણ દલીલ છે કે કેટલાક શાકાહારી લોકો પશુમાંથી આવતા દૂધ, ચીઝ, મધ ખાવાને પણ યોગ્ય નથી માનતા, તો શું એ બંધ કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..