જીવલેણ બીમારીથી પીડાતો વડોદરાનો 10 વર્ષનો બાળક બન્યો એક દિવસનો પીઆઇ, સંસ્થા અને પોલીસે મળીને ઇચ્છા પૂર્ણ કરી

વડોદરા શહેરનો 10 વર્ષનો લખન જીવલેણ બીમારીથી પીડાય છે. અને લખનની બાળપણની પીઆઇ બનવાની ઇચ્છા હતી. મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી લખનની પીઆઇ બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી. વડોદરા શહેરના જે.પી. પોલીસ મથકમાં લખન એક દિવસનો પી.આઇ. બન્યો હતો. સવારે ઓફિસમાં સમયસર આવી પહોંચેલા એક દિવસના પી.આઇ.ને પોલીસ જવાનોએ સલામી આપી હતી.

બાળ પીઆઇ આવતા જ પોલીસ કર્મીઓએ સલામી આપી

જીવલેણ બીમારીથી પીડાતા વડોદરા શહેરના 9 વર્ષના લખન(નામ બદલ્યું છે)ની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઇચ્છા મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી પૂરી કરી હતી. સવારે 11 કલાકે લખન પોલીસના ગણવેશમાં પોલીસ મથકની બહાર પોલીસ ગાડીમાં આવતા જ પોલીસ જવાનો પોતાની જગ્યા ઉપરથી ઉભા થઇ ગયા હતા. અને સલામી આપી હતી. સુપર હિટ ફિલ્મ સિંઘમ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણના પોલીસ અધિકારીના રોલથી પ્રભાવિત લખન પણ સડસડાટ પોલીસ ગાડીમાંથી ઉતરી સીધો પી.આઇ.ના ચેમ્બર્સમાં પહોંચી ગયો હતો. અને પી.આઇ.ની સીટ ઉપર રૂઆબ સાથે બેસી ગયો હતો. પી.આઇ. લખન ચેર ઉપર બેસતાની સાથે જ પોલીસ જવાન પાણી લઇને હાજર થઇ ગયો હતો. પી.આઇ. લખને પાણી પીધા બાદ સ્ટાફના જવાનોને રોલકોલ માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી.

3 કલાક સુધી બાળ પીઆઇએ ચાર્જ સંભાળ્યો

પોલીસ તંત્રમાં જે રીતે રોલકોલ થાય છે, તે રીતે પી.આઇ. રોલકોલમાં પોલીસ જવાનોની હાજરી પૂરી હતી. અને તેની સાથે પોલીસ જવાનોને જરૂરી સૂચના આપી હતી. રોલકોલ પૂરો થયો બાદ પોલીસ મથકમાં નવા આવતા પી.આઇ.ને જે રીતે પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારની માહિતીથી અવગત કરે છે. તે રીતે અવગત કરાયા હતા. પોલીસ જવાનોએ વિસ્તારના ગુનેગારોની પણ યાદી પી.આઇ.ને આપી હતી. તમામ માહિતી મેળવ્યા બાદ પી.આઇ. લખન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. સતત 3 કલાક સુધી પી.આઇ. લખને જે.પી. પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. અને પોતાની પી.આઇ. બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી.

સંસ્થા અસાધ્ય બિમારથી પીડાતા બાળકોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે

મેક-અ-વીશ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર રૂપાંદે શાહે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા અસાધ્ય રોગથી પીડાતા બાળકોની ઇચ્છા પૂરી કરે છે. સામાન્ય રીતે બાળકોની ઇચ્છા સારુ જમવાની અથવા તો ફરવા જવાની કે, ફિલ્મ જોવાની હોય છે. પરંતુ લખનની ઇચ્છા પી.આઇ. બનવાની હતી. વડોદરા શહેર પોલીસ તંત્રના સહકારથી આજે લખનની પી.આઇ. બનવાની ઇચ્છા પૂરી કરી હતી. અત્યાર સુધીમાં 22500થી વધુ બાળકોની ઇચ્છા પૂર્ણ કરી છે.

લખનની આંખોમાં ખુશી જોઇને પોલીસ જવાનોની આંખો ભિંજાઇ

ડી.સી.પી. રાજન સુશ્રાએ જણાવ્યું હતું કે, અમારા માટે આજે સોનેરી ઘડી હતી. આજે જે.પી. પોલીસ મથકના સિનીયર પી.આઇ. નિલેશ બ્રહ્મભટ્ટના સ્થાને બાળ પી.આઇ. લખનની નિમણૂંક કરવામાં આવી હતી. નવનિયુક્ત પી.આઇ. લખને પોલીસ મથકમાં નવા આવતા પી.આઇ. જે રીતે આવે છે. અને જે રીતે તેમનું સ્ટાફ દ્વારા સ્વાગત અને પરિચય કરાવવામાં આવે છે. તેજ રીતે લખનને સન્માન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે.પી. પોલીસ મથક વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની માહિતી પૂરી પાડવામાં આવી હતી. બાળ પી.આઇ. લખનની આંખોમાં ખુશી જોઇ પોલીસ જવાનોની આંખો હર્ષના આંસુ આવી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો