પોતાની નોકરીનો પ્રથમ પગાર મહિલા કોન્સ્ટેબલ વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશે

સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન પસાભાઈ ભાલૈયા પોતાની નોકરી નો પ્રથમ પગાર રૂ. 20,000 પક્ષીઓના માળા માટે તથા ગામમાં એક હજાર જેટલા રોપા વાવી અને તેમના જતન પાછળ ખર્ચ કરવાનો પ્રેરક નિર્ણય કર્યો છે.

સમીના સમશેરપુરા ગામના પ્રકાશકુમાર વશરામભાઈ નાડોદાના પત્ની ભાવનાબેન છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ભાવના બેનએ પોતાની નોકરી નો પ્રથમ પગાર સારા કાર્યમાં વાપરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ પગારની વીસ હજાર રૂપિયા જેટલી રકમ તેમણે અત્યાર સુધી બચત કરીને રાખી હતી ત્યારે પોતાના જન્મદિવસ નિમિત્તે આ રૂપિયા પક્ષીઓના ચણ માટે અને પક્ષીઓ માટે કુંડા તથા પક્ષીઘર માટે તથા ગામમાં એક હજાર જેટલા વૃક્ષો વાવી આ વૃક્ષોને કાયમી સંભાળ માટે આ રૂપિયા વાપરવા નિર્ણય કર્યો છે. આ માટે ગામના યુવક મંડળ ને જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી દિવસોમાં ગામના યુવક મંડળ દ્વારા 1000 વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમના જન્મદિવસ નિમિત્તે બચત કરેલ 5000 રૂપિયા પણ પક્ષીઓના માળા તથા પરબ માટે ખર્ચ કરેલ છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ના આવા પ્રેરણાત્મક કાર્યની ચારેકોર પ્રશંસા થઈ રહી છે ને અન્ય કર્મચારીઓએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ.

મારો પ્રથમ પગાર સેવામાં વાપરવાઓ આનંદ છે

ભાવનાબેને જણાવ્યું કે વૃક્ષોનું નિકંદન થવાને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તથા આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં ગામમાં એક હજાર વૃક્ષો વાવવાથી મારુ ગામ હરિયાળુ બનશે ને એક હજાર જેટલા પશુ-પંખીઓને રહેવા માટે ઘર અને પીવા માટે પાણી મળી રહેશે મારો પ્રથમ પગાર આવા સેવા કાર્યમાં વપરાયો છે જેનો મને આનંદ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો