રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”
પૌરાણિક સમયમાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા હતા. એક યોગીએ રાજા વિક્રમને કહ્યું કે, તે સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને વેતાળની જરૂર છે. યોગીની વાત માની વિક્રમ વેતાળને લેવા સ્મશાનમાં જાય છે. વેતાળ ખૂબજ ચાલાક હતો. તે દર વખતે રાજાની પકડમાંથી છૂટીને પાછો પીપળે લટકી જતો હતો. વેતાળ રાજા વિક્રમને રોજ એક નવી વાર્તા સંભળાવતો હતો. એ જ વાર્તાઓમાંની એક વાર્તા છે અહીં રજું કરીએ છીએ..
“કોનું પુણ્ય મોટું”
વેતાળે વાર્તા સંભળાવવાની શરૂ કરી. વેતાળ કહે છે કે, પ્રાચીન સમયમાં મિથલાવતી નામની એક નગરી હતી. તેના રાજાનું નામ ગુણધિપ હતું. તેની સેવા કરવા માટે એક સેવક આવ્યો હતો. સેવક પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ રાજા સાથે તેની મુલાકાત જ નહોંતી થતી. પોતાની સાથે જે પણ લાવ્યો હતો તે બધું જ પૂરું થઈ ગયું.
એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયા. રાજાની પાછળ-પાછળ રાજકુમાર પણ ગયો. ચાલતાં-ચાલતાં રાજા તેમના સેવકોથી છૂટા પડી ગયા. રાજાની પાછળ એ સેવક એકલો જ ચાલી રહ્યો હતો.
રાજાએ તેની તરફ જોયું અને પૂછ્યું, તું આટલો નિર્બળ કેમ થઈ રહ્યો છે?
યુવકે કહ્યું કે, આમાં મારો કર્મ દોષ છે. હું જે રાજા પાસે રહું છું, તે હજારોને પાળે છે, પરંતુ તેની નજર મારા પર જ નથી પડતી. તેણે રાજાને કહ્યું કે, હું તમારી સેવા કરવા ઇચ્છું છું. જંગલમાં તેણે રાજાની બહુ દેખભાળ કરી. પોતાની સાથે ખાવા-પીવાની જે વસ્તુઓ લાવ્યો હતો, તે રાજાને આપી દીધી. જંગલી પ્રાણીઓથી રાજાનું રક્ષણ કર્યું. યુવાનની મદદથી રાજા સકુશળ પોતાના રાજ્યમાં પાછા ફર્યા.
રાજાએ તેને પોતાની સેવામાં રાખી લીધો. તેને સારાં વસ્ત્રો અને ઘરેણાં આપ્યાં.
એક દિવસ એ સેવક કોઇ મંદિરમાં ગયો, ત્યાં તેણે પૂજા કરી. તે જ્યારે બહાર નીકળ્યો તો, તેણે જોયું કે તેની પાછળ-પાછળ એક સ્ત્રી આવી રહી હતી. આજકુમાર તેને જોતાં જ તેના પર મોહી પડ્યો. સ્ત્રીએ તેને કહ્યું કે પહેલાં તું કુંડમાં સ્નાન કરી આવ. પછી જે કહીશ, એ હું કરીશ.
આ સાંભળી સેવક તરત જ સ્નાન કરવા કુંડમાં ઉતર્યો. તેણે જેવી અંદર ડુબકી લગાવી, તે પોતાના નગરમાં પહોંચી ગયો. તેણે આખી વાત રાજાને જણાવી.
રાજાએ કહ્યું કે મને પણ એ ચમત્કાર બતાવ.
સેવક રાજાને લઈને એ મંદિરમાં ગયો. અંદર જઈને દર્શન કર્યાં અને જેવા બહાર નીકળ્યા એ સ્ત્રી પ્રગટ થઈ. રાજાને જોતાં જ એ સ્ત્રી બોલી કે, મહારાજ, હું તમારા રૂપ પર મુગ્ધ છું. તમે જે કહેશો, એવું જ હું કરીશ.
રાજાએ કહ્યું કે, તું મારા સેવક સાથે લગ્ન કરી લે.
સ્ત્રીએ કહ્યું કે, એ શક્ય નથી, હું તમને પ્રેમ કરું છું.
રાજાએ કહ્યું કે, સજ્જન લોકો જે કહે છે, તેનું પાલન કરે છે. તું તારા વચનનું પાલન કર. ત્યારબાદ રાજાએ તેનાં લગ્ન પોતાના સેવક સાથે કરાવી દીધાં.
આટલી વાર્તા સંભળાવી વેતાળે વિક્રમને કહ્યું કે, સેવકે રાજાનો જીવ બચાવ્યો અને રાજાએ સેવકનાં લગ્ન કરાવ્યાં તો બોલો રાજા અને સેવક બંનેમાં કોનું પુણ્ય મોટું?
રાજાએ કહ્યું કે, સેવકનું.
વેતાળે પૂછ્યું, કેમ?
રાજા વિક્રમે કહ્યું કે, ઉપકાર કરવો રાજાનો ધર્મ છે, માટે તેના માટે ઉપકાર કરવો એ કોઇ મોટી વાત નથી, પરંતુ જેનો એ ધર્મ નથી, એ જો ઉપકાર કરે તો તેનું પુણ્ય મોટું ગણાય છે.