દ્રઢ મનોબળવાળા દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનિયારાને ધોરણ 10માં 71ને પર્સન્ટાઈલ
આજે જાહેર થયેલા ધો 10 બોર્ડના પરીણામમાં કિશન છનિયારાને 71 પર્સન્ટાઇલ આવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામનો બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. અધૂરા અંગે આકાશ આંબવાના અભરખા હોય એમ હાથ ભલે નથી, પણ હૈયે હામ છે એવી દ્રઢ નિશ્ચયી વિકલાંગ બાળક ભણવાની સાથે સાથે ચિત્રકળા અને રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ છે.
ભણવામાં અવ્વલ રમતમાં પણ શ્રેષ્ઠ:
હિમાલય પર્વત પર જઇને બરફ વેચી આવવા સુધીનું દ્રઢ મનોબળથી ધનવાન એવા પાટડી તાલુકાના અંતરિયાળ ઉપરિયાળા ગામના બન્ને હાથ અને એક પગે વિકલાંગ લેવા દસમા ધોરણમાં અભ્યાસ કરતા કિશન છનિયારાને ભણતા, ચિત્રકામ કરતા કે ક્રિકેટના મેદાનમાં રમતા જોઇ સશક્ત લોકો પણ ગર્વતાનો અહેસાસ કરી શકે છે. જન્મથી જ બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવો ઉપરિયાળા ગામનો 13 વર્ષનો કિશન નવઘણભાઇ છનીયારા નાનપણથી જ ભણવામાં અવ્વલ હતો. કિશન બન્ને હાથે સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં એના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે. વધુમાં આ વિકલાંગ યુવાને આટલેથી ના અટકતા હાથ વગર પણ ચિત્ર સ્પર્ધામાં માછલીનું ચિત્ર બનાવી એમાં કલર પુરી તાલુકા કક્ષાએ ચિત્રકળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઇનામ પણ પ્રાપ્ત કર્યુ હતુ.
એને બનવુ છે કોહલી:
ભણવા-ગણવા અને ચિત્રકળામાં અવ્વલ એવા આ વિકલાંગ કિશનને બન્ને હાથ ન હોવા છતાં હાથમાં બેટ લઇ ચોગ્ગા-છગ્ગાની રમઝટ કરવાની સાથે સ્પીન બોલીંગ કરતા જોઇ નજરે એની રમત નિહાળનારા સૌ પળવાર માટે આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આજે જાહેર થયેલા ધો 10ના બોર્ડના પરિણામમાં બન્ને હાથે વિકલાંગ કિશન છનીયારાને 60% માર્કસ અને 71 પર્સન્ટાઇલ આવ્યા છે. એની શાળા પાટડી સ્કુલ ઓફ ડિવોશનના આચાર્ય હર્ષદભાઇ પટેલ, બળદેવભાઇ ભરવાડ અને મેરૂભાઇ ગર્વભેર જણાવે છે કે, બન્ને હાથે અને પગથી વિકલાંગ હોવા છતાં એ શાળામાં ક્યારેય રજા પાળતો નથી. મોટા થઇને વિકલાંગના વિરાટ કોહલી બનવાની મહેચ્છા ધરાવે છે.