પ્રમુખ સારા માટે ખોટું બોલ્યા’તા, રાજીનામું આપી પરત ખેંચ્યું: નરેશ પટેલ
રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે બિ દિવસ પહેલા રાજીનામુ આપ્યું હતું ત્યારે પાટીદાર સમાજમાંખળભળાટ મચી ગયો હતો. પરંતુ સમાજના આગેવાનોની સમજાવટથી પરત ખેચ્યું હતું. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામુ આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામા પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.
પત્રકાર પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા, રમેશ ટીલાળા, હંસરાજ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારા રાજીનામા પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી. મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા માટે રાજીનામુ આપ્યું હતું. આ વિવાદ પાછળ જે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો લાગ્યા તેની હું નિંદા કરૂ છું. ટ્રસ્ટના મુખ્ય લોકો હાજર ન હતા એટલે આવી ગેરસમજો અને પરિસ્થિતિ ઉભી થઇ હતી. સોમવારે મારા પર સમાજના આગેવાનોનું પ્રેશર આવ્યું એટલે મેં રાજીનામુ પરત ખેંચ્યું હતું. મેં ટ્રસ્ટના મંત્રી જીતુભાઇને રાજીનામું આપ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કેવા નિયમો લેવા તે માટે કમિટી બનાવો, ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું. મારા વ્યક્તિગત કામ અને સંસ્થાને વધુ કામ આપી શકાય તે માટે ક્યાંકને ક્યાંક ગેરસમદ ઉભી થઇ છે. પરેશભાઇ પર થયેલા આક્ષેપો જૂઠા છે, પરેશ મારા પરિવારનો જ સભ્ય છે અને તેનાથી ક્યારેક ભૂલ થાય તો હું ઠપકો પણ આપુ છું. રાજીનામુ કોઇના કહેવાથી નહીં મારો વ્યક્તિગત મત હતો.
રાજીનામુ આપ્યા પછી હું ક્યાં હતો તેને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. પરંતુ હું મારા વ્યક્તિગત કામમાં વ્યસ્ત હતો. તેમજ સમાજ અને મીડિયા સમક્ષ ન આવ્યો તે મારી ભૂલ છે. રાજીનામુ આપ્યા બાદ હું બહાર ગયો હતો તે ટ્રીપ પણ ફેલ થઇ. અત્યારે બધા હોદેદારો યથાવત છે, હું ચેરમેન છું, સમાજ મોટો છે એટલે કોઇ પર આક્ષેપ કરી શકાય નહીં. હજી પણ હું કહુ છું કે મને વહેલો છૂટો કરો. આગામી પાંચ વર્ષ માટે મને લાગે છે કે મારે રહેવું પડશે. ટ્રસ્ટીઓએ છૂપાવવાની કોશિશ કરી, ઘણી વસ્તુઓમાં ઊંડા ન ઉતરીએ એ સારુ.
નરેશ પટેલે ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયાને રાજીનામુ આપ્યું હતું. જીતુભાઇએ જણાવ્યું હતું કે, રાજીનામામાં એવું લખ્યું હતું કે, બિઝનેસની વ્યસ્તતા અને પરિવાર સાથે સમય વિતાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ વધુ પડતા ટ્રાવેલિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. મે અન્ય ટ્રસ્ટીને ફોનમાં કહ્યું હતું કે, અગત્યની વાત કહેવાની છે. મે રાજીનામાની વાત ફોનમાં કોઇને કરી નથઈ છતાં લીક થઇ ગઇ.
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીનામુ આપી પરત પણ ખેચી લીધું હતું. રાજીનામાને લઇને આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ પહેલા નરેશ પટેલ અને પ્રમુખ પરેશ ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી.