નરેશ પટેલની સરકારને અપીલ- ‘માત્ર પાટીદાર યુવાનો સામેના કેસ જ નહીં, પરંતુ તમામ જ્ઞાતિ પર લાગેલા ખોટા કેસ પાછા ખેંચાય’
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જો કે ચૂંટણીના ઠીક એક વર્ષ પહેલા ફરીથી રાજકારણ પાટીદાર સમાજની આસપાસ ફરતુ હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા પાટીદાર સમાજની આસ્થાના પ્રતિક સમા ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પોતે રાજનીતિમાં આવવા અંગેનો આડકતરો સંકેત આપ્યો હતો. હવે નરેશ પટેલે વધુ એક મોટું નિવેદન આપ્યું છે.
થોડા સમય પહેલા જ નરેશ પટેલ પાટીદાર સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું પણ હતું કે, મુખ્યમંત્રી પાટીદાર યુવાનો સામેના કેસો પરત ખેંચવાનું આશ્વાસન આપ્યું છે.
હવે ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલે સુરતના સચિન GIDC ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સાથે તમામ જ્ઞાતિ પર લાગેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવે.
નરેશ પટેલે જણાવ્યું કે, માત્ર પાટીદાર સમાજના જ યુવાનો પર થયેલા કેસો નહીં, પરંતુ દરેક સમાજના લોકો સાથે જ્યાં પણ ખોટા કેસો થયા હોય, તે તમામના કેસો પરત ખેંચાવા જોઈએ. અન્યા થયો હોય એની સાથે ન્યાય થવો જોઈએ. હું આપના માધ્યમથી સરકાર આ બાબતે અપીલ પણ કરું છુ. ખોડલ ધામ અને સુરત એક સિક્કાની બે બાજુ છે. હું અહીં ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવા આવ્યો છું.
જણાવી દઈએ કે, ગુજરાતની ચૂંટણીમાં પાટીદારોના મત પરિણામમાં મોટો ઉલટફેર કરી શકે છે. નરેશ પટેલ લેઉવા પાટીદારના નેતા છે. ગુજરાતમાં 60 ટકા લેઉવા અને 40 ટકા કડવા પાટીદાર છે. રાજ્યની કુલ 182 બેઠકો પૈકી લગભગ 70 વિધાનસભા બેઠકો પર પાટીદાર સમાજના મતદારો મોટો ઉલટફેર કરી શકવાની તાકાત ધરાવે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલા કુલ 48 ટકા મતોમાંથી 11 ટકા મતો પાટીદારોના જ હતા. જો કે 2017ની ચૂંટણી સમયે અનામત આંદોલનના કારણે આ મતની ટકાવારીનો ગ્રાફ નીચે જતો રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..