કિસાન દિવસ : બનાસકાંઠાના ખેડૂતો ખેતીમાં પ્રગતિ કરી લાખો કમાઇ સમૃદ્ધ બન્યા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જેમાં ખેડૂતો અવનવી ખેતી જેવી કે બાગાયતી, શાકભાજી અને કઠોળની ખેતીમાં ઝંપલાવ્યું છે અને કેરી, દાડમ, પપૈયા, તુવેર, રાજમા, દિવેલા અને ઘઉં જેવા પાકોમાં મહેનત કરી લાખો કમાઇ રહ્યા છે. આમ જિલ્લાના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરી સમૃદ્ધ બનતાં રહેણી-કરણીમાં પણ બદલાવ લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તથા આદિવાસી વિસ્તારના ખેડૂતો કેરી, દાડમ, પપૈયા, તુવેર, દાડમ, બટાટા અને રાજમા સહિત અન્ય પાકોની ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે.
આમ બાગાયતી, કઠોળ, શાકભાજી સહિતની ખેતીમાં ખેડૂતો બાગાયત, ખેતીવાડી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સહયોગથી સારી પ્રગતિ કરી રહ્યા છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘પારંપારિક ખેતી જેવી કે, ઘઉં, બાજરી અને એરંડામાં કોઇ ખાસ વળતર મળતું નથી ખાલી ખર્ચા નીકળે છે. જ્યારે બાગાયતી, શાકભાજી અને કઠોળની ખેતીમાં સારો નફો મળી રહ્યો છે. જેથી હવે પારંપારિક ખેતી છોડી નફાવાળી ખેતી તરફ વળ્યા છીએ.’ આ જિલ્લાના ખેડૂતો બાગાયતી સહિત અન્ય ખેતી કરી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.
આંબાની ખેતીમાં વર્ષે રૂ. 10 થી 12 લાખણી કમાણી : પ્રભુભાઇ પટેલ (ખેડૂત, અનાપુર, તા.ધાનેરા)
‘પહેલા રાયડો, એરંડા, ઘઉં અને બાજરીની પારંપારિક ખેતી કરતા હતા. જેમાં કોઇ ખાસ વળતર મળતું નહતું. પરંતુ 2000 ની સાલમાં આંબાની ખેતીમાં એક વાર રોકાણ કરી અત્યારે વર્ષે 10 થી 12 લાખ કમાઇ રહ્યા છીએ.’
દાડમની ખેતીમાં વર્ષે રૂ. પાંચ લખો નફો : મફાભાઇ ચૌધરી (ખેડૂત, માણકી, તા.લાખણી)
‘પહેલાં પારંપારિક ખેતી રાયડો, ઘઉં, એરંડા અને બાજરીની ખેતીમાં ઓછું વળતર મળતું હતું. જેને લઇ છેલ્લા સાત-આઠ વર્ષથી દાડમની ખેતી કરી છે. જેમાં વર્ષે ખર્ચ કાઢતાં અંદાજે પાંચ લાખ જેટલો નફો મળી રહ્યો છે.’
તુવેર અને મગફળીની ખેતીમાં છ માસમાં રૂ. 2.50 લાખ નફો : ભુરાભાઇ બ્રાહ્મણ (ખેડૂત, વામી, તા. થરાદ)
‘મગફળીની ખેતી સાથે આંતરપાકમાં તુવેરની ખેતી કરી છ માસમાં જ તુવેર અને મગફળીમાં રૂ. 2.50 લાખ નફો મળી રહ્યો છે. આ ઉપરાંત ઘઉં, બાજરી અને જીરૂમાં પણ સારી એવી કમાણી થઇ રહી છે.’
રાજમાની ખેતીમાં વર્ષે રૂ. 4 લાખ નફો મળે છે : શાંતિલાલ પટેલ (ખેડૂત, રામજીયાણી, તા. અમીરગઢ)
‘રાજમા, મગ અને બટાટાની ખેતી કરી વર્ષે અંદાજે રૂ. 4 લાખ નફો મળી રહ્યો છે. જેમાં રાજમા (બીન્સ) ની મુખ્ય ખેતી છે. જેમાં સારું એવું વળતર મળી રહ્યું છે.’
પપૈયાની ખેતીમાં દોઢ વર્ષે 4 લાખ નફો : કાનજીભાઇ ચૌધરી (ખેડૂત, કુંડેલ, તા.દાંતા)
‘પારંપારિક ખેતીમાં મહેનત વધારે હતું અને વળતર ઓછું હતું. જ્યારે છેલ્લા પાંચ વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યો છું અને દોઢ વર્ષે રૂ. 4 લાખ જેટલો નફો મળી રહ્યો છે.’