ખેડા જિલ્લામાં કલેકટરનું નવુ જાહેરનામુ, સવારના 9-30 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. તમામ પાસ રદ, આજથી અમલ
ખેડા જિલ્લામાં કોરોના હાલ કાબૂ હેઠળ છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા લોકડાઉને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં 8મીથી 14મી સુધી સવારના 10 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. ઇમરજન્સી સમયે પણ એસડીએમ કક્ષાના અધિકારીઓની મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત કરિયાણાના દુકાનો બંધ રાખવા પણ આદેશ કર્યો છે.
ખેડા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસ ન ફેલાય તે માટે જિલ્લાના તમામ તાલુકા મથક તથા નગરપાલિકા વિસ્તારમાં ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ આઈ.કે. પટેલ દ્વારા નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. આ જાહેરનામા મુજબ, 8મીથી 14મી એપ્રીલ સુધીના સમય ગાળા દરમિયાન અમુલ પાર્લર, દૂધ પાર્લર, ડેરી પરથી ફક્ત સવારના 7થી 9-30 કલાક સુધી દૂધ વિતરણ કરવાનું રહેશે. દિવસના અન્ય ગાળા દરમિયાન સદંતર બંધ રાખવાની રહેશે. આ ઉપરાંત છૂટક દુધ પણ ફક્ત સવારે 7થી 9-30 કલાક સુધી જ વેચાણ કરી શકાશે. જેના માટે પાસનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે. દરેક નાગરિકે લોકડાઉન દરમિયાન ફરજીયાતપણે પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે.
સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવવાની રહેશે
ઘરની બહાર જાહેર રસ્તા પર મોર્નીંગ વોક, ઇવનીંગ વોક પણ કરી શકાશે નહીં. સવારના 10 કલાક પછી કોઇ પણ નાગરિક આકસ્મિક સંજોગો, ઇમરજન્સી હોસ્પિટલ સેવાઓ સિવાય ઘરની બહાર નીકળી શકશે નહીં. આમ છતાં આકસ્મિક સંજોગોમાં સંબંધિત પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવવાની રહેશે. નાગરિકોને આકસ્મિક સંજોગો ઉભા થાય તો પોલીસ, જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કર્યેથી શક્ય તેટલી મદદ પુરી પાડવામાં આવશે. સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં પાણીની સેવાઓ પુરી પાડનારા વિક્રેતાઓ સવારના 9થી 12 કલાક દરમિયાન પાણીની સેવાઓ પુરી પાડી શકશે અને તેઓને આપવામાં આવેલા પાસ આ સમય દરમિયાન જ માન્ય ગણાશે.
માત્ર 3 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે, વેપારીઓના પાસ રદ
નડિયાદમાં તમામ હોલસેલ, છૂટક કરિયાણાના વેપારીઓએ 8મીથી 14મી દરમિયાન પોતાની દુકાનો તેમજ હોમ ડીલીવરી સહિતની સેવાઓ સદંતર બંધ રાખવાની રહેશે. પરવાનગી આપવામાં આવેલા હોમ ડીલીવરી કરતા (કરિયાણા સિવાય)ના એકમો, ફુડ આઉટલેટ પણ 9-30 કલાક સુધી જ હોમ ડીલીવરી કરી શકશે. કરિયાણું તેમજ અન્ય દુકાનદારોને વહીવટી તંત્ર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા પાસ રદ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં આવેલી તમામ નર્સિંગ હોમ, હોસ્પિટલોમાં આવેલા મેડિકલ ખુલ્લા રહેશે. જ્યારે નડિયાદ શહેરમાં આવેલા 24 કલાક ચાલુ રહેતા દવાના સ્ટોર્સ જે.કે. મેડિકલ સ્ટોર, નડિયાદ મેડિકલ સ્ટોર તથા સોનાકિરણ મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. જ્યાંથી અતિઆવશ્યક સંજોગોમાં જરૂર જણાયે વોર્ડના અધિકારીને ફોન કર્યેથી ઘરે નિયત દર વસુલ લઇ દવા પહોંચાડવામાં આવશે. આ સિવાયના અન્ય તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.
શાકભાજી પણ 9-30 પહેલા જ વેચી શકાશે
નડિયાદ એપીએમસી દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ટેમ્પો, ટ્રેક્ટર દ્વારા સવારના 7થી 9-30 કલાક દરમિયાન શાકભાજી, ફળ ફળાદી વિતરણ કરવામાં આવશે. તેમાં નડિયાદ શહેરના તમામ નાગરિકોએ પોતાના વિસ્તારમાંથી જરૂર મુજબની ખરીદી કરવાની રહેશે. જોકે, શાકભાજી માર્કેટમાં ખેડૂતો દરરોજ પોતાની ખેત પેદાશો, શાકભાજીનું પીપલગ માર્કેટમાં એપીએમસીના સમય મુજબ વેચાણ કરી શકશે.
ટીફીન સેવા માટે આપવામાં આવેલા પાસ રદ
નડિયાદ શહેર સહિત જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થાઓને ટીફીન સેવા તેમજ અનાજ કે કીટ વિતરણ કરવા માટે આપવામાં આવેલા પાસ પણ આ સૂચનાથી રદ કરવામાં આવ્યાં છે. ફક્ત ભીક્ષુક ગૃહ ટીફીન સેવા, હોસ્પિટલ ટીફીન સેવા અને સિનીયર સીટીઝન ટીફીન સેવાને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..