નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાના કન્યા કેળવણીના ઉમદા કાર્યની વાત

નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાની સામાજિક સેવાઓની સુવાસ સીમાડા વળોટી ગઈ છે એ વાત સુવિદિત છે.એમણે સ્થાપેલા કન્યા છાત્રાલયો દીકરીઓ માટેની એમની શિક્ષણની હિમાયત અને કર્તવ્યપરાયણતાના સાક્ષી છે.આરજુ નામની દીકરીને પિતા બની ભણાવતા વિઠ્ઠલભાઈના એક સુંદર પ્રસંગને અહીં શબ્દદેહ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

(લેખક તરીકે મેં આરજુ સાથે વાત કર્યા પછી આ પ્રસંગનું આલેખન કરેલ છે.)
– રવજી ગાબાણી

આવો,માણીએ વિઠ્ઠલભાઈના કર્મયોગને….

મણકો -૨

“દીકરી તો હવે ભણશે જ…! ”

વિઠ્ઠલભાઈએ પોતાની આગવી તાકાત અને કુનેહથી પ્રજાલક્ષી કામો કરી-કરાવીને હવે પ્રતિષ્ઠા હાંસલ કરી લીધી છે.વિઠ્ઠલભાઇના મતદારને, વિઠ્ઠલભાઈના ખેડૂતને અને વિઠ્ઠલભાઈના સમાજને હવે વિઠ્ઠલભાઈમાં એક ઉધ્ધારકના દર્શન થવા લાગ્યા છે.વિઠ્ઠલભાઈ પણ એમની રાજનીતિના આ ત્રણ આધારસ્તંભોને હવે કોઈ વાતે ઓછું ન આવે એનું ધ્યાન રાખી રહ્યાં છે.જવાબદારીઓ વધતી જાય છે. વિઠ્ઠલભાઈ રાતદિવસ જોયા વિના કામ કરતા જાય છે.રાજનીતિની સાખે સેવાને ધરમ તરીકે સ્વીકારી સોરઠ બાજુથી એક સાવજ હવે ડણકુ દેવા લાગ્યો છે.એની ડણકનો અવાજ હવે ગાંધીનગર જ નહીં, છેક દિલ્હી લગી પડઘાઈ રહ્યો છે.

ગરીબ અને નાનો માણસ હવે ‘દિ ઉગતા ડેલે ધામા નાંખે છે.વિઠ્ઠલભાઈ આવેલ અરજદારને આવકારીને વિગત પૂછે છે.જોઈ લઈશ, વાત કરી દઈશ, ભલામણ કરી દીધી છે, તમે મળી આવો હું ફોન કરી દઉં છું – જેવા શબ્દોના પાના વિઠ્ઠલભાઈએ રાજનીતિમાં આવ્યા તે દિવસથી જ એની ડીક્ષનરીમાંથી ફાડી નાખ્યા છે, એટલે ના પાડવાનો કે ગોળગોળ જવાબ આપવાનો સવાલ જ પેદા થતો નથી. સ્થળ ઉપર જ અરજદારની હાજરીમાં કામ કરી આપવા લાગતા વળગતા અધિકારીને ફોન જોડાય છે.વળી ઉમેરાય પણ છે કે,’જોજો મારે ફરી વાર ફોન કરવો નો પડે અને અરજદારને મારે ત્યાં બીજો ધક્કો નો થાય.’

‘ મધ હોઈ ત્યાં માખ્યું બેસે’ એ ન્યાયે લોકો હવે નાના મોટા અનેક પ્રશ્નો લઈને આવે છે. વિઠ્ઠલભાઈ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરી આપે છે.લોકો કામ થતા અને વિઠ્ઠલભાઈ કામ કરી આપતા ખુશ થાય છે.

વિઠ્ઠલભાઈ લાંબુ જોનાર માણસ હોવાથી એની નજર હવે શિક્ષણ ઉપર મંડાય છે.પોતાના વિસ્તારમાં બધા જ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ ખુલે અને એમાં વિસ્તારના સૌ બાળકોને ઉત્તમ શિક્ષણ મળે એવી વ્યવસ્થા ગોઠવવાના કામે વિઠ્ઠલભાઈ લાગી જાય છે.

ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને રહેવા માટે ઉત્તમ કક્ષાની છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવે છે.જામકંડોરણા અને રાજકોટમાં ભવ્ય સગવડતાઓ સાથેની કન્યા છાત્રાલયો બનતા આ વિસ્તારના અભણ, ગરીબ, મજૂર તથા ખેડૂતવર્ગના મા -બાપની દીકરીઓ ભણતર તરફ વળે છે.પછી નવેસરથી શરું થાય છે કન્યા કેળવણી તરફનો નવો અધ્યાય.

વિઠ્ઠલભાઈને સંતાનમાં દીકરી ન હોવાથી એમને દીકરીઓ તરફ વિશેષ લગાવ રહ્યો છે. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવા આવતી પ્રત્યેક દીકરીની હવે એ પોતાની દીકરી હોઈ એ રીતે સંભાળ રાખે છે.એમના જાહેર ભાષણો વખતે પણ જ્યારે એમના મોઢે દીકરી શબ્દ આવતો ત્યારે એમના ચહેરા પર અનેરી ચમક આવી જતી હતી.ગામની દીકરીઓને ભણાવી ગણાવીને પગભર કરવી હવે એમનું એકમાત્ર લક્ષ બની જાય છે.

એકવખત બને છે એવું કે ઢળતી બપોરે વિઠ્ઠલભાઈ છાત્રાલયે બેઠા છે. વિઠ્ઠલભાઈને કોઈ મળવા આવ્યું છે એટલે માણસ સંદેશો આપે છે.’
કોઈ દીકરીને દાખલ કરવા આવ્યું છે.’

“મોકલી દ્યો.”

વિઠ્ઠલભાઈ માણસને મળવા અંદર બોલાવે છે.

” આવો ભાઈ ! દીકરીને ભણવા મૂકવી છે ને !”

વિઠ્ઠલભાઇના સંવેદનાપૂર્ણ આવકારના જવાબમાં આવનાર ફક્ત ‘ હા.’ એટલું જ બોલી શકે છે.

” ક્યાંથી આવો છો ?”

‘ આવું તો છું ગીર સોમનાથના રસુલપરાથી.તાલાળા તાલુકો.હરસુખભાઈ પાનસૂરિયા મારું નામ છે.દીકરીને આંય રાજકોટ ભણવા મૂકવી છે.’

એટલીવારમાં આવનાર માટે પાણી અને ચા આવી જાય છે.

” અગિયારમાં ધોરણમાં ને ?

‘હા, અગિયાર- બાર કરાવીએ.પછી જોયું જાશે. દીકરીને તો આગળ ભણવું છે, પણ પ..છી..! પછેડી હોઈ એટલી સોડ્ય તણાયને ! હમણાં ઉપરાઉપરી વરસ પણ મોળા ગ્યા છે ને પછી આપડે આપડુય જોવું પડેને !

આવનાર બોલી રહ્યાં હતા અને નરકેસરી સરવા કાને સાંભળી રહ્યો હતો.બાજુમાં બેસેલી દીકરી ઘડીક હરસુખભાઈ સામે તો ઘડીક વિઠ્ઠલભાઈ સામે જોયા કરે છે .
” શું નામ બેટા ?”

‘ આરજૂ પાનસુરિયા.’

ઘૂંટાયેલો ગમતીલો અવાજ કાને પડતા દીકરી ટહુકી ઊઠી.

” ભણીને શું બનવું છે બેટા ”

‘ ડોક્ટર.’

“પાક્કું ”

‘ હા, પાક્કું ‘ દીકરી જવાબ આપતા આપતા પિતા સામું જોઈ લે છે.’

” મારી સામુ જો બેટા ! તારે ડોક્ટર બનવું છે ને તો તને હવે મારે ડોક્ટર બનાવવી જ છે.”
‘ પણ, વિઠ્ઠલભાઈ…સ …ગ…વ…ડ….’

“જો , હરસુખભાઈ ! આરજૂ હવે મારી દીકરી છે. એ ભણે ત્યાં સુધીનો હવે પછીનો તમામ ખર્ચ વિઠ્ઠલ રાદડિયા કરશે.દીકરીની ચિંતા હવે તમે નહીં, હું કરીશ. બાકી, દીકરી તો હવે ભણશે જ.”

વિઠ્ઠલભાઈ જેમ જેમ બોલતા ગયા એમ એમ હરસુખભાઈ ગળગળા થતા ગયા.થોડીવાર પછી બે હાથ જોડી હરસુખભાઈ ઊભા થયા અને વિદાય લીધી. દીકરી છાત્રાલયમાં જ રોકાઈ જાય છે.એની આંખોમાં હવે એકસામટા ઘણાબધા સપનાઓ ફૂટી નીકળ્યા હતાં.

બે વરસ પછી દીકરી બાર સાયન્સમાં સંસ્થામાં અવ્વલ આવી વિઠ્ઠલભાઈની છાતી ગજગજ ફૂલાવે છે.વિઠ્ઠલભાઈ એને જામનગર મેડિકલ કૉલેજમાં દાખલ કરાવે છે.ભણવા, રહેવા અને જમવાનો બધો ખર્ચ વિઠ્ઠલભાઈ ઉઠાવે છે. આજે આરજુ એમ.બી.બી.એસ. કરી રહી છે. થોડા સમય પછી આરજુ ડો.આરજુ પાનસુરિયા બની જશે. પછી વિઠ્ઠલભાઈએ ઉગાડેલું સપનું સેવાનો ફાલ લણશે. કોઈ વખત તમે બીમાર પડો અને દવાખાને જાઓ તો ડો.આરજુ પાનસુરિયા નામનું બોર્ડ ભાળો તો ડોક્ટરને એટલું જ પૂછજો, ‘ તમે વિઠ્ઠલભાઈ રાદડિયાની દીકરી આરજુ છો ને ?

આરજૂ આટલું સાંભળતા જ ઊભી થઈ જશે.

તમે એને ફી ચૂકવશો તો એ પ્રેમથી ફી પરત કરશે અને હાથ જોડી તમને વિદાય કરશે. એની આંખોમાં પિતાતૂલ્ય વિઠ્ઠલભાઈનો ચહેરો તરવા લાગશે.

-રવજી ગાબાણી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો