સુંદરપુરના આ પટેલે જમીન વગર કરી ખેતી, મેળવી 15 ટન કાકડીની ઉપજ
જમીન વગર પણ ખેતી કરી શકાય તેવું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરના 64 વર્ષિય ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી માટીની જગ્યાએ નારિયેળની છાલ અને પ્લાસ્ટિકની થેલી જેવી બજારમાં સરળ રીતે મળતી ચીજવસ્તુઓ દ્વારા કાકડીનું સફળ વાવેતર કરી ખેતીને નવા આયામ સુધી લઈ જવામાં સફળ બન્યા છે. જોકે, તેમની આ નવીન શરૂઆતમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી પડે તો રાજ્યના તેમજ ઇઝરાયલના નિષ્ણાતો માર્ગદર્શન આપે છે.
સુંદરપુરના પટેલ કાંતિભાઈ છગનભાઇએ જિલ્લામાં પ્રથમ વખત સોઈલલેસ ખેતીનો પ્રયોગ હાથ ધર્યો હતો. આ માટે બે વર્ષ અગાઉ પ્લાસ્ટિકની કાળી બેગ અને બેંગલુરુના નાળિયેરના છોતરાનો ઉપયોગ કરી માટી વગર 1 એકર જમીનમાં કાકડીનું વાવેતર કર્યુ હતું. આ માટે 12 ટન જેટલા નારિયેળના છોતરા દ્વારા 70 હજાર જેટલા વેલા તૈયાર કરાયા હતા. જેમાં મબલખ ઉત્પાદન મળતાં બીજા વર્ષે પણ આ પદ્ધતિની ખેતીને યથાવત રાખી છે. ચાલુ સાલે પણ કાંતિભાઈએ કાકડીનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં તેમને 15 ટન કાકડી મળી છે અને હજુ મબલખ ઉત્પાદન મળશે. આ માટે પ્રાંતિજના વદરાડ સ્થિત સંસ્થાના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાઇ રહ્યું છે. કાંતિભાઈએ કરેલી પહેલને જોવા તાજેતરમાં ઇઝરાયેલના વિસ્તરણ અધિકારીએ મુલાકાત લીધી હતી અને ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અંગે તેમની જોડે ચર્ચા પણ કરી હતી.
સોઈલલેસ ખેતીના ફાયદા
* માટીની જરૂર નથી પડતી
* એક જ પાણીને રિસાયકલ કરી વારંવાર ઉપયોગમાં લઇ શકાય
* પોષકતત્ત્વોનું લેવલ સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકાય
* પ્રદૂષણમુક્ત પદ્ધતિ છે
* વધુ અને સ્થાયી ઉપજ મળે છે
* રોગ અને કિટકોનું સહેલાઇથી નિયંત્રણ કરી શકાય છે
* જ્યાં બાગાયત કે અન્ય પદ્ધતિની ખેતી કરી શકવાની શક્યતાઓ ન હોય ત્યાં આસાનીથી ખેતી કરી શકાય છે.