કનિષ્કે પહેલા જ પ્રયત્ને આખા દેશમાં UPSCમાં ટોપ કર્યું, સિસ્ટમ બદલવા માટે વિદેશની નોકરી છોડી દીધી
UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 5 એપ્રિલે શુક્રવારે સાંજે જાહેર થયું. આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં જયપુરનો કનિષ્ક કટારિયા પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે આવેલો અક્ષત જૈન પણ જયપુરનો જ છે. પરીક્ષાર્થીઓના પર્સનલ ઇન્ટરવ્યૂ 4 ફેબ્રુઆરી, 2019થી શરૂ થયા હતા. કનિષ્ક આ પરીક્ષા પહેલી ટ્રાયમાં પાસ કરીને પહેલા નંબરે આવ્યો છે. કનિષ્કે જણાવ્યું કે, જ્યારે પરિણામની ખબર પડી ત્યારે ઘરમાં બધા ઈમોશનલ થઇ ગયા હતા. તેને તેના માતા-પિતા, બહેન અને ગર્લફ્રેન્ડનો આભાર માન્યો.
કઈ રીતે તૈયારી કરી
કનિષ્કે દિલ્હીમાં બેઝિક નોલેજ મેળવવા માટે 7-8 મહિના કોચિંગ ક્લાસ જોઈન કર્યા હતા. પરંતુ ગયા વર્ષના માર્ચ મહિનાથી એણે સેલ્ફ સ્ટડી કર્યું હતું. તેનો વૈકલ્પિક વિષય ગણિત હતો. મેઈન પરીક્ષાના 2 મહિના અગાઉ તે દરરોજ 8-10 કલાક તૈયારી કરતો. પરંતુ પરીક્ષાને જ્યારે થોડા દિવસ બાકી હતા ત્યારે તે રોજના 14 -15 કલાક તૈયારી કરતો. તેણે આ પરીક્ષા પાસ કરી ચૂકેલા તેના મિત્રોની મદદ લીધી હતી. એન્ટરટેઇનમેન્ટ માટે ક્રિકેટ અને ફૂટબોલ મેચ જોતો.
આ ફિલ્ડ શા માટે પસંદ કર્યું
કનિષ્ક એવા પરિવારમાં ઉછર્યો છે કે જ્યાં તેણે રોજ તેના પિતાને IAS ઓફિસર તરીકે સેવા આપતા જોયા છે. કનિષ્કના પિતાની ઈચ્છા હતી કે તેમનો દીકરો પણ સિવિલ સર્વિસીસ જોઈન કરે. જોકે, આ બાબતે કનિષ્ક શ્યોર ન હતો. તેને પહેલાં દુનિયા જોવી અને જાણવી હતી. કનિષ્ક પોતે યુટોપિયન માઈન્ડસેટ એટલે કે આદર્શવાદી વિચારો ધરાવતો માણસ છે. તે જ્યારે સોફ્ટવેર ડેવલપર તરીકે જોબ કરતો હતો, ત્યારે ભારત અને બહારના કલ્ચરની સરખામણી કરતો. ત્યારે તેને લાગ્યું કે ભારતમાં સિસ્ટમ બદલવા માટે સિસ્ટમની અંદર આવવું પડે.
જોબ છોડીને ભણવા પર ફોકસ કર્યું
કનિષ્કે 2010માં શેડ્યૂઅલ કાસ્ટ (SC) કેટેગરીમાં JEEની પરીક્ષામાં 44મો રેન્ક મેળવ્યો હતો. તેણે IIT બોમ્બેમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કર્યું છે. કનિષ્કે સાઉથ કોરિયામાં સેમસંગ કંપનીમાં દોઢ વર્ષ સુધી જોબ કરી. ત્યારબાદ બેંગ્લોરમાં ‘qplum’ કંપનીમાં એક વર્ષથી ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. તેણે તેના પિતા પાસેથી બેઝિક જાણકારી મેળવી લીધી હતી કે, સિવિલ સર્વિસિસમાં કઈ રીતે એડમિશન મળે, શું પ્રોસેસ હોય છે વગેરે.
કનિષ્કના પિતા IAS ઓફિસર છે. તેની મોટી બહેન ડોક્ટરનું ભણી રહી છે. તેની માતા હાઉસવાઈફ છે.