એક સમયે પાણી માટે વલખા મારતા ગામમાં કોઈપણ સરકારી મદદ વગર ગામ લોકોએ કર્યું આ કામ અને પાણીની થઈ ગઈ રેલમછેલ

ચોમાસાના વરસાદ બાદ શિયાળા સુધી તો આપણે ત્યાં પણ નદી-નાળા અને બોરમાં પાણી હોય છે પરંતુ જેમ જેમ શિયાળો પૂરો થવામાં હોય ત્યારથી જ પાણી-પાણીના નામે બૂમો શરુ થઈ જાય છે. જોકે ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશના એક ગામના લોકોએ જે કર્યું તે આજના સમયે પાણી બચાવવા જ નહીં પરંતુ જૂના જળસ્ત્રોત પુનર્જિવિત કરવા અને પાણીની ખેંચને કાયમ માટે દૂર કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ ગામની ચોમેર થઈ રહી છે ચર્ચા

મધ્યપ્રદેશના શહેર ઈન્દોર નજીક આવેલા કનાડિયા ગામના ગ્રામીણોએ કઈંક એવું કરી બતાવ્યું છે કે જેના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે. થોડા વર્ષો પહેલા આ ગામ એક એક ગ્લાસ પાણી માટે તરસી રહ્યું હતું પરંતુ હવે ગામમાંથી કોઈને પણ પાણી માટે વલખા મારવા પડતા નથી. જેનું કારણ છે કે ગામના બધા લોકોએ તનતોડ મહેનત કરીને નદીને એટલી ઊંડી કરી દીધી કે હવે સમગ્ર વર્ષ દરમિયાન ગામમાં પાણીની જરા પણ તકલીફ પડતી નથી.

સાવ સુકાઈ ગઈ હતી કંકાવતી નદી ગામવાસીઓની કમાલથી પાણી પાણી થઈ ગયો વિસ્તાર

ખાસ વાત એ છે કે આ માટે ગ્રામીણોએ સરકાર પાસેથી કોઈ મદદ લીધી નથી. જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા મદદના નામે ફક્ત એક પોકલેન અને એક જેસીબી મશીન આપવામાં આવ્યું હતું. ઈન્દોરથી લગભગ 15 કિમી દૂર આવેલ ગામમાં લોકો પાણી માટે વલખા મારતા હતાં અને આખા ગામનું ભૂગર્ભ જળનું સ્તર એકદમ નીચે જતું રહ્યું હતું. આ ગામના હેન્ડપંપ પણ બંધ હતાં. પાણીની આટલી વિકરાળ સમસ્યા જોતા અહીંના ગ્રામીણોએ જ આ સમસ્યાને દૂર કરવાનું બીડું ઉઠાવ્યું અને સરકારની મદદ વગર નદીને ઊંડી કરવામાં લાગી ગયાં.

સંઘે શક્તિ કલી યુગે કહેવતને સાર્થક કરતા બધા ગ્રામીણોએ મળીને માત્ર 20 દિવસમાં આ નદીને જીવિત કરી દીધી અને આ નદી પર એક ડેમનું નિર્માણ પણ કરી દીધું. નદીને તેમણે 15 ફૂટ ઊંડી કરી નાખી. આ નદી પહેલા જ વરસાદથી 10 ફૂટ સુધી ભરાઈ ગઈ છે અને ભૂગર્ભ જળ પણ વધી ગયું છે. ગ્રામીણોની મહેનત એટલી રંગ લાવી કે અહીંના હેન્ડપંપ પણ પુર્નજીવિત થઈ ગયા છે. આ સ્થાનિક નદીનું નામ કંકાવતી છે જે ક્ષિપ્રા નદીમાં ભળે છે.

થોડા સમય પછી સાવ સૂકી પડેલી આ નદીમાં પાણી લાવીને ગામની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે 8 હજારની વસ્તીવાળા આ ગામમાં બધાએ સહયોગ આપ્યો અને ધોમધખતા તાપમાં પણ નદીને ઊંડી કરવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ કામ માટે ગામવાસીઓ પાસેથી ફાળો પણ ઉઘરાવવામાં આવ્યો જેમાં લોકોએ પોત-પોતાની સ્થિતિ મુજબ ફાળો આપ્યો અને જોતજોતામાં રુ.20 લાખ ભેગા થઈ ગયા. આ રીતે ગામવાસીઓએ કોઈપણ સરકારી મદદ વગર જળ સંચય યોજનાને અંજામ આપ્યો.

ત્યારે હવે આ ગામમાં પહેલા જ વરસાદથી એટલું બધુ પાણી ભેગુ થઈ ગયું છે કે આખુ વર્ષ ગામવાસીઓને પાણીની તકલીફ નહીં પડે. આ ગ્રામીણોએ નદીની બંને બાજુ હરિયાળીનું ખાસ ધ્યાન રાખ્યું છે. જ્યાં લીમડો, પીપળો અને અનેક અન્ય વૃક્ષના રોપા વાવ્યા છે. જેનાથી પર્યાવરણને પણ મદદ મળશે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત.. 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો