અમરેલીના જૂની હળિયાદ ગામની એવી સરકારી શાળા કે જ્યાં શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે ભણવા
તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે શહેરમાં રહેતા બાળકો કોઈ ગામડે અભ્યાસ કરવા જતા હોય? આજના સમયમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ એવી લઘુતાગ્રંથીથી પીડાય રહ્યા છે કે સારા શિક્ષણ માટે બાળકને શહેરની શાળાઓમાં જ મોકલવા પડે. પરંતુ આજે અમે આપને એક એવા ગામ વીશે જણાવીશું કે જ્યાંની પ્રાથમિક શાળા માં શહેરના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે.
જૂની હળિયાદ ગામે શહેરમાંથી બાળકો અભ્યાસ કરવા માટે આવે છે
શિક્ષણનું સ્તર શહેરમાં સારું અને ગામડાઓમાં નબળું હોય છે તેવી એક માન્યતા પ્રવર્તી રહી છે. આવા સમયમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે અવળી ગંગા વહી રહી છે. આ ગામમાં સરકારી પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં શહેરમાંથી બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. વર્ષો જૂની આ સરકારી પ્રાથમિક શાળા છેલ્લા ત્રણ વર્ષમાં જાણે કે અમરેલી જિલ્લાની મોડેલ શાળા બની ચુકી છે. અહીના સ્થાનિક દાતાઓ અને ગ્રામજનોએ આ શાળાને અતિ આધુનિક શાળા બનાવી દીધી છે.
શાળામાં છે આધુનિક સુવિધાઓ
પ્રાથમિક શાળાના દરેક ઓરડા હવે વાતાનુકુલિત છે. આ શાળાના બે ક્લાસને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. જ્યાં બાળકો ને હાઇટેક ટેકનોલોજીની મદદથી અભ્યાસ કરાવવામાં આવે છે. આવી અનેક વિશેષતા ધરાવતી શાળામાં તાલુકામથક બગસરા શહેરમાંથી બાળકો બસમાં મુસાફરી કરીને અભ્યાસ કરવા માટે આવે છે. આ શાળામાં અભ્યાસ કરવો એ બાળકો માટે હવે ગૌરવ સમાન બની ગયું છે.
વિદ્યાર્થિની ક્રિશ્ના સભાયાના જણાવ્યા પ્રમાણે હું ધોરણ એકથી અહી જ અભ્યાસ કરું છું. આજે હું આઠમાં ધોરણમાં છું. અહી ખુબ સારી સુવિધા દાતાઓ દ્વારા ઉભી કરવામાં આવી છે. આજ સુધી અમે ગરમીમાં શેકાયને શિક્ષણ મેળવતા હતા પરંતુ હવે અમે એસી રૂમમાં અભ્યાસ કરવા મળે છે.. અમને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અને ખુબ મજા આવે છે.
અન્ય એક વિદ્યાર્થી જે બગસાર શહેરમાંથી અભ્યાસ કરવા આવતા કલ્પક આસોદરિયાએ જણાવ્યું હતું કે, આ શાળામાં અદ્યતન લેબોરેટરી, પ્રોજેક્ટર સહિતની સુવિધા છે. અમારા શિક્ષકો ખુબ જ મહેનત કરે છે. હું બગસરાથી અભ્યાસ માટે આવું છે. અહી અન્ય બીજી શિષ્યવૃત્તિ ની પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવડાવે છે. અને ઘણા વિદ્યાર્થીઓ બહારગામ થી અહી ભણવા માટે આવે છે.
જૂની હળિયાદ ગામની પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ માટે ખાસ એક શિક્ષક રાખવામાં આવ્યા છે જે શાળા સમય બાદ બાળકોને કોમ્પ્યુટર નું જ્ઞાન પીરસે છે. આ શાળામાં ઉભી કરવામાં આવેલી તમામ આધુનિક સગવડો ગામના જ બે ઉદ્યોગપતિઓ બ્રિજેશભાઈ ખીમાણી અને વિનુભાઈ વીરડીયાના આર્થિક અનુદાન ને આભારી છે.
શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે હાલ આ શાળામાં 327 બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી અંદાજીત 90 બાળકો બહાર ગામથી અહી અભ્યાસ માટે આવે છે. અને તેમાય ખાસ ૬૦ બાળકો બગસરા શહેર માંથી અહી અભ્યાસ માટે આવે છે. આ શાળામાં પ્રવેશ મેળવવા માટે બાળકો અને વાલીઓ તલપાપડ હોય છે પરતું સંખ્યા માર્યાદિત લઇ શકાય છે.
જૂની હળિયાદ પ્રાથમિક શાળાના આચાર્ય રમણીકલાલ વસ્તાનીએ જણાવ્યું હતું કે, ગામના દાતાઓ દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહી સ્માર્ટ કલાસ છે. અદ્યતન લેબોરેટરી છે. તમામ રૂમમાં એસી મુકવામાં આવ્યા છે. પીવાના પાણી માટે આરઓ સીસ્ટમ થી લઈને તમામ સુવિધા છે. બાળકોના સર્વાંગી વિકાસનો ખ્યાલ રાખવામાં આવે છે. સ્પર્ધાત્મક પરિણામોમાં પણ આ શાળા વિદ્યાર્થીઓનો દેખાવ સારો રહે છે.
જૂની હળિયાદ ગામની પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ વધેલા ગામના આ બંને દાતાઓ હાલ મોટા ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી ચુક્યા છે. ત્યારે આજથી ત્રણેક વર્ષ પહેલા તેમને વિચાર આવ્યો કે તેમના માદરે વતનમાં બાળકો માટે અભ્યાસ માટે સારી સવલત ઉભી કરવી જોઈએ. આ ત્રણ વર્ષ દરમિયાન અનેક સુવિધા ઉભી કરનાર આ દાતાઓ જણાવી રહ્યા છે કે કેટલો પણ ખર્ચ થાય પણ તેઓ આ શાળાને સુંદર અને હજુ વધારે આધુનિક બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે.
મુખ્ય દાતા બ્રિજેશભાઇ ખીમાણીએ જણાવ્યું હતું કે, અમે આ શાળામાં ભણીને જ મોટા થયા છીએ. અમારા સમયમાં જે સગવડતાઓ ઉપલબ્ધ નહોતી અને જે મુશ્કેલી અમે ભોગવી છે તે આજની પેઢીને ના ભોગવવી પડે એટલા માટે અમે અહી સગવડો ઉભી કરી રહ્યા છીએ. મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા ગામના બાળકો ને બહાર અભ્યાસ માટે જવું નપડે. ખર્ચ ગમે તેટલો થાય તેની કોઈ પરવા નથી.
રીપોર્ટ:- રાજન ગઢિયા અમરેલી.