જસદણના એક ચોપડી ભણેલા જીવરાજભાઈ રાઠોડે બનાવ્યું હતું દેશનું પહેલું થ્રેસર, આજે 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે

સમગ્ર રાજકોટ જિલ્લામાં ગઈકાલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. હાલ વિક્રમ સંવત 2078ના પ્રારંભની સાથે નવા વર્ષની શરૂઆત થઈ છે. આજે ભાઈબીજ છે. ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બેનને ત્યાં જમવા જશે અને બેન પોતાના ભાઈને પ્રેમથી જમાડશે તથા સુખી, સમૃદ્ધિના આશીર્વાદ પાઠવશે. આજના પર્વમાં બહેન દ્વારા પીરસતા ભોજનનું મહાત્મય હોય છે. ત્યારે ખેડૂતોના શ્રમદાનને કઈ રીતે ભુલાય, જેમના થકી અન્નની અમૂલ્ય મોલાત પ્રાપ્ત થાય છે. આ ખેડૂતોના કાર્યને વધુ સરળ બનાવવાનું કામ આજથી વર્ષો પહેલાં જસદણમાં થયું હતું. આજે અમે તમને એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ, જેમણે દેશનું પહેલું થ્રેસર બનાવ્યું છે. વાત થઈ રહી છે જસદણના જીવરાજભાઈ રાઠોડની…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કૃષિક્ષેત્રે ખેત ઓજારો બનાવવામાં જસદણનો મહત્ત્વનો ફાળો રહેલો છે. આ થ્રેસર-હલર ખેત ઓજાર ઉદ્યોગ જસદણના 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. જસદણમાં આશરે 30 જેટલાં કારખાનાં હલર-થ્રેસરનું ઉત્પાદન કરે છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે દેશનું સૌથી પહેલું થ્રેસર 1962માં એક ચોપડી ભણેલા જીવરાજભાઇ ત્રિભોવનભાઇ રાઠોડે કરી હતી. વર્ષો સુધી તેમણે પોતાની આ શોધ થકી ખેડૂતોના કાર્યને સરળ બનાવ્યું હતું. તેમનું અવસાન 2002માં થયું હતું.

શરૂઆત ક્યારે થઈ?
જસદણમાં કૃષિ સાધનો બનાવવાની શરૂઆત 1962માં અમરેલી જિલ્લાના લુણીધાર ગામેથી જસદણમાં આવી વસેલા જીવરાજભાઈ ત્રિભોવનભાઈ રાઠોડ નામના લુહારે કરી હતી. માત્ર એક ચોપડી સુધી ભણેલા જીવરાજભાઈએ જસદણ આવીને શરૂઆતમાં ખેતી કામને લગતાં ઓજારો બનાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન એક દિવસ તેમના હાથમાં “સોવિયેત દેશ” નામનું મેગેઝિન આવી ચડ્યું. એમાં ખેતીવાડીને લગતી મશીનરીના ફોટોગ્રાફ્સ જોઇને જીવરાજભાઈને પણ આવી મશીનરી બનાવવાની ઈચ્છા થઇ આવી. તેમણે પોતાના મનની વાત પોતાના મિત્રમંડળને કરી. એક મિત્ર પાસેથી મળેલી માહિતી પછી તેઓ સાવરકુંડલા પાસેના એક ગામના ખેડૂતના ખેતરમાં ચાલતું ડેન્માર્કની બનાવટનું લાકડાનું થ્રેસર જોઈ આવ્યા. એના પરથી જીવરાજભાઈએ પોતાની આપસૂઝથી ડિઝાઈન બનાવી અને પ્રથમ ઘઉંના ડુંડામાંથી ઘઉંના દાણાને અલગ પાડતું મશીન એક વર્ષની ભારે જહેમતના અંતે બનાવ્યું.

જીવરાજભાઈએ ડેન્માર્કના લાકડાના થ્રેસર મશીન જેવું જ થ્રેસર મશીન લોખંડમાંથી બનાવ્યું તો ખરું, પણ કેવું કામ આપે છે એનો પ્રયોગ કરવો ક્યાં? એવો વિચાર આવ્યો હતો. ત્યારે જીવરાજભાઈના મિત્ર અને કૃષિ-નિષ્ણાત રૂડાભાઈ નાગજીભાઈ પટેલે આ થ્રેસર મશીનનો પ્રયોગ પોતાના ખેતરમાં કરવા દેવાની તૈયારી બતાવી. થ્રેસરનો પ્રયોગ સફળતાપૂર્વક રહેતાં જીવરાજભાઈનો ઉત્સાહ વધ્યો. પોતે બનાવેલા આ મશીનમાં જે ઈ ખામીઓ લાગી એ તેમણે બીજા મશીનમાં સુધારી લીધી. સતત સંશોધનો, ફેરફારો કરતા રહી તેમણે પોતાનું થ્રેસર મશીન વધુ ને વધુ સારું બનાવવા માટેના પ્રયાસો કર્યા અને હાલ આ ઉદ્યોગ દેશ અને વિદેશમાં ડંકો વગાડી રહ્યો છે.

શરૂઆતમાં જીવરાજભાઈ કોઈપણ જાતની મશીનરીનો ઉપયોગ કર્યા વિના બધું જ કામ પોતાના હાથે કરી પ્રતિ કલાકે 15 મણની કેપેસિટી ધરાવતા 20થી 25 થ્રેસર મશીનો વર્ષે બનાવતા. ઘઉંનાં થ્રેસર મશીનને ખેડૂત વર્ગમાંથી આવકાર મળતાં 1971માં જીવરાજભાઈએ છોડમાંથી ડાંગર છૂટી પાડવાનું મશીન, સિંગફોલ મશીન વગેરે કૃષિ કામ માટેનાં જરૂરી સાધનો બનાવ્યાં.

જસદણમાં બનતા થ્રેસર-હલર હાલ ગુજરાત સહિત રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં જ્યાં મગફળીનું ઉત્પાદન થાય છે ત્યાં વેચાય છે અને આફ્રિકામાં પણ મગફળીનું વાવેતર થાય છે, જેથી ત્યાં પણ જસદણનાં થ્રેસર-હલર વેચાય છે.

સૌરાષ્ટ્ર કૃષિપ્રધાન પ્રદેશ હોઈ, ખેડૂતોએ થ્રેસર મશીનની કામગીરી જોઈ એને અપનાવી લીધું. થ્રેસર મશીનને કારણે ખેડૂતોની 75 ટકા કામગીરી ઘટી ગઈ. પહેલાં ખેડૂતો કપડાં વગેરે પવનમાં અથવા પંખો રાખીને ઘઉંમાંથી ફોતરી કાઢતા. થ્રેસર મશીનથી તેમની કામગીરી ખૂબ જ સરળ થઇ ગઈ. ખેડૂતો જેમ-જેમ થ્રેસર મશીનથી માહિતગાર થતા ગયા તેમ-તેમ એનું વેચાણ વધવા લાગ્યું. મોટું બજાર અને ઊજળું ભવિષ્ય જોઈ જીવરાજભાઈના પગલે જસદણમાં થ્રેસર મશીન બનાવતાં અનેક કારખાનાં શરૂ થયાં.

1976માં જસદણમાં થ્રેસર મશીન બનાવતા કારખાનાંની સંખ્યા 100 જેટલી હતી. વર્ષે પાંચ હજાર મશીનો બનતાં, પરંતુ 1995 પછી પડેલા દુષ્કાળને કારણે ખેતી અને ખેડૂતો ભાંગતાં ગયાં. થ્રેસર મશીનોની માગ ઘટી જવાથી જસદણના આ ઉદ્યોગમાં મહામંદી આવી ગઈ. કૃષિ સાધનો બનાવતાં મોટા ભાગનાં કારખાનાઓ બંધ થઇ ગયાં. ઉત્પાદકો કૃષિ સાધનોનો ઉદ્યોગ છોડી હીરા ઉદ્યોગમાં જોડાઈ ગયા અને આજે જસદણમાં થ્રેસર મશીન બનાવતાં માંડ 30 જેટલાં કારખાનાં કાર્યરત છે. થ્રેસર મશીનનો ઉપયોગ ટ્રેક્ટરના ઓપરેટરથી થાય છે અને હલરનો ઉપયોગ ડીઝલ એન્જિન પર ચાલે છે.

આ અંગે જસદણ જી.આઈ.ડી.સી.ના પ્રમુખ વિજયભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ ઉદ્યોગને સરકાર દ્વારા 40થી 45 ટકા સબસિડી આપવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને સારો લાભ થાય છે અને આ ઉદ્યોગને કારણે હાલ 1500 જેટલા લોકોને રોજગારી મળી રહી છે. આ ઉદ્યોગને જીવંત રાખવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ સબસિડી આપવામાં આવે તો એ દેશ-વિદેશમાં મોખરે રહેશે એવું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો