જૂનાગઢના પાદરડીમાં આર્મી જવાન સાથે મારામારી: પોલીસ પર થયેલા હુમલાના આરોપમાં આર્મી જવાનને માર મરાયો, બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા
જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે ત્રણેક દિવસ પૂર્વે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. જેમાં પહેલા પોલીસ ઉપર હુમલો થયો અને બાદમાં પોલીસ સ્ટાફ બેરહેમીપૂર્વક આર્મીના જવાનને માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઇ હોય તેમ ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનએ આર્મી જવાનને માર મારનાર તમામ પોલીસ કર્મીઓને ડીસમીસ કરવાની માંગણી કરતુ આવેદનપત્ર પોલીસવડાને આપ્યું છે. હાલ આ મામલો ઉગ્ર બનતા જીલ્લા પોલીસવડાએ તાબડતોડ બાંટવા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. જયારે અન્ય કર્મીઓ સામે ખાતાકીય તપાસનો હુકમ કર્યો છે. હવે આ મામલે આગામી દિવસોમાં શું થશે તે જોવું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસના ધાડેધાડા ઉતરી દેવાયા હતા
માણાવદર તાલુકાના પાદરડી ગામમાં ગત તા.29 ના રોજ પ્રેમ લગ્નના મામલે સુલેહ શાંતી ભંગ થાય તેવો માહોલ ઉભો થયો હોવાની જાણ બાંટવા પોલીસને થતા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જયાં 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કરી પોલીસની ગાડીના કાચ તોડી નુકશાન કર્યું હતું. આ સમગ્ર ઘટના બાદ મહિલા પીએસઆઇ સહિતનો સ્ટાફ પથ્થરમારો અને હુમલાથી બચવા ભાગાભાગી કરતો હતો. મહિલા પીએસઆઇએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા પારદડી ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી દેવાયા હતા.
આર્મી સૈનિકોમાં ઉગ્ર રોષ
સમગ્ર બનાવને લઇ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી પોલીસે હાથ ધરી છ લોકોને પકડી લીઘા હતા. પકડાયેલાઓમાં એક વ્યક્તિ દેશની આર્મીમાં ફરજ બજાવતો જવાન કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા હતો અને પોલીસે તેને તથા તેના પરિવારજનોને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ આર્મી જવાનની માતા કરી રહી છે. આર્મીનાં જવાનને પોલીસ સ્ટાફ માર મારતો હોય તેવો વીડિયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેના પગલે આર્મી સૈનિકોમાં ઉગ્ર રોષ પ્રર્વતેલ હતો.
માજી સૈનીકોના સંગઠને ઉગ્ર રજૂઆત કરી
ગઈકાલે આ મામલે સૈનીકો તથા માજી સૈનીકોના સંગઠને બાંટવા પોલીસ સ્ટેશને જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે એસ.પી.ને પણ ફરીયાદ કરી હતી. પોલીસના મારનો ભોગ બનેલ આર્મીના જવાને અને તેના પરિવારજનોએ આ સમગ્ર મામલે માણાવદર કોર્ટમાં પણ ફરીયાદ દાખલ કરી છે. સમગ્ર ગુજરાતભરમાં આર્મીમેન કાના કેશવાલા પર પોલીસની બેરહેમીના વિડિયોએ ચકચાર મચાવી દીધી છે. આ મામલે બાટવા પોલીસ સ્ટેશન ખાતે આર્મી જવાનને પોલીસે બેફામ માર મારવાના બનાવના વિરોધમાં એક્સ આર્મી મેન એકઠા થઇ ઉગ્ર રજૂઆત કરી હતી.
ખાતાકીય તપાસ કરવાનો આદેશ
આ સમગ્ર બનાવને લઈને કેશોદ ડીવાયએસપી જે બી ગઢવીએ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ કરવામાં આવશે. જયારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાએ તાબડતોડ આર્મીના જવાન તેમજ અન્યોને બેરહેમીથી મારમારવા બદલ બાંટવા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી રાજેશ પરબત બંધીયા તથા ચેતન દેવશી મકવાણાને સસ્પેન્ડ કરવાનો તેમજ અન્ય પોલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલે જુનાગઢ જિલ્લાના માજી સૈનિકોએ માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની આગેવાનીમાં પોલીસવડાને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવેલ કે, રજામાં આવેલા આર્મીના જવાનને પોલીસએ માર મારી ગેરવર્તન કરેલ છે. તે તમામ પોલીસ કર્મીઓને તાત્કાલીક અસરથી ડીસમીસ કરવામાં આવે. આ ઉપરાંત બાંટવા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પણ આર્મીના જવાનને માર મારવામાં આવ્યો છે. આથી પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી.ની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. નિયમોનુસાર આર્મીના જવાને કોઈ ગુનો કર્યો હોય તો તેની અટકાયત કરી નજીકના મિલીટરી સ્ટેશન પર હેન્ડ ઓવર કરવો જોઈએ. તે નિયમનું આ મામલમાં પોલીસ દ્વારા પાલન થયુ નથી. ત્યારે આ મામલે એક દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજયના સાડા ત્રણ લાખ માજી સૈનિકો અને વીર નારીઓ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..