જામકંડોરણાના ખાટલી ગામના વિદ્યાર્થી રાજ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો, ટ્યૂશન વગર NEETમાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો, દિલ્હી એઇમ્સમાં પ્રવેશ મેળવનાર ગુજરાતી મીડિયમનો પ્રથમ વિદ્યાર્થી બનશે
બે દિવસ પહેલાં જ NEETનું પરિણામ જાહેર થયું હતું, પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યૂશન રાખ્યું નહોતું. રાજ NEETના પરિણામમાં ગુજરાત આખામાં બે નંબરે અને દેશમાં 36મા નંબરે ઉત્તીર્ણ થયો છે. રાજે 720માંથી 705 માર્ક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી મીડિયમમાં રાજ પહેલો વિદ્યાર્થી હશે કે તે દિલ્હી એઈમ્સમાં પ્રવેશ મેળવશે.
રાજે રાજકોટની તપોવન સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં 12 સાયન્સનો અભ્યાસ કર્યો છે. કોઈપણ પ્રકારના કોચિંગ વગર માતૃભાષામાં ભણેલા રાજે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે. રાજના પરિણામમાં નામ સામે રાજ્યમાં ભૂલથી ગુજરાતને બદલે દિલ્હી લખાઈ ગયું હતું. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી બહુ આગળ ન વધી શકે એવું માનનારા લોકો માટે રાજે દાખલો બેસાડ્યો છે. રાજ દેશની ટોચની મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા એઇમ્સ-દિલ્હીમાં એડમિશન મેળવવા માટે લાયક બની ગયો છે. રાજે અત્યારસુધી સ્કૂલમાં રહીને જ અભ્યાસ કર્યો છે. NEETની તૈયારી માટે તેણે મોંઘાદાટ કોચિંગ રાખવાને બદલે શાળાના શિક્ષકોના માર્ગદર્શન મુજબ જ તૈયારી કરીને આવું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાતી મીડિયમમાં હાઈએસ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો
રાજ ગજેરાએ જણાવ્યું હતું કે મેં ધો.11-12 સાયન્સ રાજકોટની તપોવન સ્કૂલમાં જ ગુજરાતી માધ્યમમાં કર્યું છે. NEETની પરીક્ષામાં ગુજરાતમાં બીજો નંબર અને દેશમાં 36મો નંબર મેળવ્યો છે. ગુજરાતી મીડિયમમાં મારો હાઈએસ્ટ રેન્ક છે. દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મને એડમિશન મળવાપાત્ર છે. કોઈપણ જાતના કોચિંગ ક્લાસમાં ગયા વિના NEET 2019-20ની પરીક્ષામાં 720માંથી 705 માર્ક મેળવ્યા છે.
લોકડાઉનમાં તૈયારી ચાલુ જ રાખી, રોજ 7થી 8 કલાકનું વાંચન
રાજે વધુમાં જણાવ્યું હતું કે મારી આ સિદ્ધિ પાછળ મારી સ્કૂલના શિક્ષકોનો સહયોગ રહ્યો છે. હું રોજ 7થી 8 કલાક વાંચન કરતો હતો. લોકડાઉનમાં પણ મેં તૈયારી ચાલુ જ રાખી હતી અને કોઈ ક્વેરી હોય તો હું વ્હોટ્સઅપ અને ફોન કરી શિક્ષકોને પૂછી લેતો હતો. હું એઈમ્સ દિલ્હીમાં એડમિશન મેળવનારો ગુજરાતી માધ્યમનો કદાચ પહેલો વિદ્યાર્થી હોઈશ. હું અન્ય વિદ્યાર્થીઓને પણ કહી રહ્યો છું કે ગુજરાતી માધ્યમમાં રહીને પણ NEETનું આટલું સારું પરિણામ મેળવી શકો છો.