જલારામ બાપાના જન્મથી લઈ લગ્ન સુધીનું જીવનગાથા
સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં બાપાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે, અહીં જલારામ બાપાનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. ત્યારે જલારામ બાપાના જીવનના પ્રસંગોમાંથી જીવનવૃત્તાંત અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. જલારામ બાપા પાસે એક વૃદ્ધ સંતે તેમની પત્નીને પોતાની સાથે સેવા કરવા માટે મોકલવા માટે કહ્યું હતું.
કેવો હતો તે પ્રસંગ
એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ ‘નારાયણ! નારાયણ! નારાયણ!’ કરતા જગ્યામાં આવી ગયા. વૃદ્ધ સાધુએ કહ્યું, ‘આ શરીર ખૂબ જીર્ણ થયું છે, કોઈ ચાકરી કરે એવું જોઈએ છે.’ જલારામ બાપા કહે, ‘ તો હું આપની સેવા કરું!’ વૃદ્ધ સાધુએ કહ્યું, ‘હેં! તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી જોડે મોકલ! અને સાંભળ, એની રાજીખુશીથી એ આવવી જોઈએ, દબાણથી નહીં!’ વીરબાઈએ તરત કહ્યું, ‘હું હમણાં જ તૈયાર થઈને આવું છું.’
પરમેશ્વરે કરી હતી પરીક્ષા
ગામમાં ખબર ફેલાતાં આખું ગામ ભેગું થઈ ગયું. કોઈ બાપાને સમજાવવા લાગ્યું કે વહુનાં દાન ન હોય! વીરબાઈમાને વિદાય આપી બાપા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા. શું ખબર ઠાકોરજી સાથે એમણે શી વાત કરી! પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવવા બેઠા. આ તરફ સાધુ વીરબાઈને લઈને ચાલ્યો. બે-ત્રણ માઈલ પર નદી આવી. ત્યાં સાધુ કહે ‘માઇ, મારાં આ ધોકો-ઝોળી સાચવ! હું ઝાડે ફરીને આવું છું.’ આમ કહી સાધુ ઝાડવાં પાછળ અદ્રશ્ય થઈ ગયા. કેટલાક ભરવાડના છોકરાઓએ આ જોયું. દોડતા જઈ એમણે ગામમાં આ વાત કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં, પણ ભગતબાપાની પરીક્ષા કરવા આવેલા પરમેશ્વર પોતે હતા! તે દિવસથી એ ઝોળી-ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવાર-સાંજે એનું પૂજન થાય છે.
જલારામ બાપાનો જન્મથી લઈ લગ્ન સુધીનું જીવન
વિ.સં.1856ના કારતક સુદ સાતમને સોમવારે તારીખ 4/11/1799ના રોજ વીરપુરમાં લોહાણા પરિવારમાં રાજબાઈ માતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યા. પણ બાળક જલારામનું ચિત્ત ભણવા-ગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે ઝૂકેલું રહેતું. સાધુને જુએ કે એનો હાથ પકડીને એ એને ઘરે જમાડવા તેડી લાવતાં.
એમ કરતાં કરતાં જલારામ ચૌદ વરસના થયાં. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધા. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે. આથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એમને સંસારમાં બાંધવા એમણે એમનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેમણે વિનમ્રતાથી પિતાને કહ્યું, ‘ તમે મને સંસારની ઘટમાળમાં શા માટે જોડો છો? મારે તો ભગવાનની ભક્તિ કરવી છે.’
ત્યારે પિતાએ અને કાકા વાલજીભાઇએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો’ક દહાડો આપણે ઘરે કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાંખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડા કણ ખાય એનુય પુણ્ય લાગે!’ ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.
સાધુ-સંતોના સંગથી પિતાએ ઘરથી જુદા કરી દીધા
જલારામબાપાને મન સંસાર સાધુની સેવા માટે હતો. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું. તેથી અવારનવાર સાધુ-સંતો અહીં રોકાતા. સાધુડો જોયો કે જલારામનું રૂંવેરૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ-સંતોને એ ઘરે જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું પાણી આપે, વસ્તુ જોઈએ તો વસ્તુ આપે. આથી પિતાએ તેમને ઘરથી જુદો કરી નાખ્યાં. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યા. એકવાર દસ-બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડ્યા. જલારામે એમને તાકામાંથી ફાડીને દસ હાથ પાણકોરું આપ્યું, પછી દાળ-ચોખા, લોટ-ગોળનું પોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલી નિકળ્યાં.
હવે દુકાનમાંથી એમનું ચિત્ત ઉઠી ગયું હતું. એકાએક એમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ઘરે પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું.
જલારામ બાપા ભોજા ભગતને માન્યા ગુરુ.
જલારામ બાપા જાત્રાથી પરત ફર્યા બાદ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડ્યા અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ઉચકીને ઘરે લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, ‘મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું.’ ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, ‘મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોક્તા હરિ એમ રહેવું.’ તેમણે સદાવ્રતની શરૂઆત કરી. (વિ.સં. 1876 મહાસુદ બીજ).
દિવસે-દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતી જતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈ દરદ હતું. હરજીએ કહ્યું, ‘હે જલા ભગત! મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ!’ બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજો થઈ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો,‘બાપા, તમે મને સાજો કર્યો!’
1881માં બાપાનો વૈકુઠવાસ થયો
વિ. સં.1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરિરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. સંવત 1937 મહા વદ દસમે બુધવારે (23/2/1881) બાપાએ ભજન કરતાં કરતાં, એકય્યાસીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..